જિયોએ જાહેર કર્યો 2023નો ટાર્ગેટ પ્લાન:વિશ્વનું સૌથી સસ્તું 5G સ્ટેન્ડઅલોન નેટવર્ક બનવા ઈચ્છે છે, 300થી વધુ શહેરોમાં 5G નેટવર્ક શરુ કરી ચૂક્યુ છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયો આ વર્ષે કોઈપણ અવરોધ વગરનું મજબૂત 5G નેટવર્ક ધરાવતી વિશ્વની સૌથી મોટી કંપની બનવાની અપેક્ષા રાખે છે. જો કે, આ સેવા ગ્રાહકોને સસ્તા દરે પૂરી પાડવાનાં વચન સાથે આપવાની છે, એમ કંપનીનાં એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસમાં PTI સાથે વાત કરતા રિલાયન્સ જિયોનાં પ્રમુખ મેથ્યુ ઓમેને કહ્યું કે, ભારતને વિકાસની જરૂર છે અને જિયો તેનું સમર્થન કરવાનું ચાલુ રાખશે.

જિયો વિશ્વનું સૌથી મોટું 5G SA (સ્ટેન્ડઅલોન) નેટવર્ક બનશે
ઓમેને આગળ વાત કરતા જણાવ્યું કે, ‘2023નાં બીજા છમાસિક ગાળામાં જિયો વિશ્વનું સૌથી મોટું 5G SA (સ્ટેન્ડઅલોન) એકમાત્ર નેટવર્ક ઓપરેટર હશે, જે સુનિશ્ચિત કરશે કે તમામ અદ્યતન સેવાઓ અને ક્ષમતાઓ લોકોને પોસાય તેવા દરે મળી રહે.’

એરટેલ 5G (NSA) નોન-સ્ટેન્ડઅલોન નેટવર્ક શરૂ કરી રહી છે
તેઓ કંપનીનાં 5G રોલઆઉટ પ્લાન અને જિઓની હરીફ ભારતી એરટેલ દ્વારા મોબાઇલ કોલ અને ડેટા સેવાઓની કિંમતમાં વધારો કરવા દબાણ કરવા અંગેના પ્રશ્નોનાં જવાબ આપી રહ્યા હતા. જિયોએ 5G SA રોલઆઉટ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જ્યારે ભારતી એરટેલ 5G (NSA) નોન-સ્ટેન્ડઅલોન નેટવર્ક શરૂ કરી રહી છે, જે 5G અને 4Gની મિક્સ સેવાઓ પૂરી પાડશે.

ભારતી એરટેલનાં ચેરમેન સુનીલ ભારતી મિત્તલે આ અઠવાડિયાની શરૂઆતમાં કહ્યું હતું કે, ‘આ વર્ષે મોબાઇલ કોલ અને ડેટા રેટમાં વધારો થશે કારણ કે, ટેલિકોમ બિઝનેસમાં મૂડી પર વળતર ખૂબ જ ઓછું છે.’

એરટેલે મિનિમમ રિચાર્જની કિંમતમાં 57 ટકાનો વધારો કર્યો
એરટેલે ગયા મહિને 8 સર્કલમાં 28 દિવસનાં મોબાઇલ ફોન સર્વિસ પ્લાન માટે તેના મિનિમમ રિચાર્જ અથવા એન્ટ્રી-લેવલની કિંમત લગભગ 57 ટકા વધારીને ₹155 કરી હતી. જો કે, ઓમેને આ નિવેદન અંગે વધુ વિસ્તૃત માહિતી આપી નથી. જિયોએ હાલ 300થી વધુ શહેરોમાં પોતાનું 5G નેટવર્ક શરૂ કર્યું છે જ્યારે એરટેલ પાસે 140થી વધુ શહેરોમાં નેટવર્ક છે.

5G સેવાઓ મેળવનારું પ્રથમ રાજ્ય બન્યુ હતુ ગુજરાત
25 નવેમ્બરનાં રોડ ગુજરાતનાં 33 જિલ્લાઓમાં 5G સેવાઓની શરુઆત થઈ હતી. 5G એટલે ઇન્ટરનેટની 5મી જનરેશન. એની મદદથી મોટામાં મોટા ડેટા સેકંડમાં ડાઉનલોડ અથવા અપલોડ કરી શકાય છે. વિશ્વના ઘણા દેશોમાં 5G સર્વિસ શરૂ પણ થઈ ગઈ છે, પરંતુ ત્યાં હજી એટલી સ્પીડ નથી મળી રહી.

1 સેકન્ડમાં 1GBની ફિલ્મ ડાઉનલોડ થઈ જશે
ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ કરનારી કંપની ઓપન સિગ્નલે 5G સ્પીડ અંગેનો રિપોર્ટ બહાર પાડ્યો હતો. આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ, સાઉદી અરેબિયામાં વિશ્વમાં સૌથી વધુ 5G ડાઉનલોડ સ્પીડ છે. અહીં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 377.2MBPS હતી. જ્યારે 4G પર ડાઉનલોડ સ્પીડ 30.1MBPS હતી.

એને આ રીતે પણ સમજી શકાય કે 377.2MBPS ડાઉનલોડ સ્પીડ સાથે 1 સેકન્ડમાં 377.2 MB ડેટા ડાઉનલોડ કરી શકાય છે એટલે કે 1GBની ફિલ્મ 3 સેકંડથી ઓછા સમયમાં ડાઉનલોડ થશે. જો કે, જિયોએ ભારતમાં 5G નેટવર્ક પર 1Gbps સ્પીડ આપવાનું કહ્યું છે. જો આ પ્રકારની સ્પીડ મળે તો 1 સેકન્ડમાં 1GBની ફિલ્મ ડાઉનલોડ થઈ જશે.