• Gujarati News
 • Utility
 • Gadgets
 • After Lockdown, Children Started Playing Online Games For 5 Hours In 1 Day, The Central Government May Impose Tax On Them To Save Youth.

સરકારની લાલઆંખ:લોકડાઉન બાદ બાળકો 1 દિવસમાં 5 કલાક ઓનલાઈન ગેમ રમવા લાગ્યા, યુવાધન બચાવવા માટે કેન્દ્ર સરકાર તેના પર ટેક્સ લાગુ કરી શકે છે

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બિહારના પૂર્વ ઉપ મુખ્ય મંત્રી સુશીલ કુમાર મોદીએ ઓનલાઈન ગેમિંગ પર ટેક્સની માગ કરી

ઓનલાઈન ગેમિંગ પાછળ ભૂલકાંથી લઈને ટીનેજર્સ ગેલા બન્યા છે. તેની સીધી અસર બાળકોનાં સ્વાસ્થ્ય પર થઈ રહી છે. ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં લોકો ફ્રોડનો શિકાર બની રહ્યા છે. તેને રોકવા માટે હવે ભારતમાં ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ લગાવવાની માગ ઉઠી છે.

આ માગ ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને બિહારના પૂર્વ ઉપ મુખ્ય મંત્રી સુશીલ કુમાર મોદીએ સદનમાં વિન્ટર સેશન દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે કેન્દ્ર સરકાર પાસેથી ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ લાગુ કરવા અને કાયદો બનાવવા માગ કરી છે.

કોરોના આવ્યા બાદ યુવાધન ઓનલાઈન ગેમિંગના રવાડે
સુશીલ કુમારે કહ્યું કે ઓનલાઈન ગેમ ચિંતાનો વિષય છે. યુવાધન તેની ઝપેટમાં આવી રહ્યું છે. કોવિડ-19 મહામારી પહેલા સરેરાશ બાળકો મોબાઈલ પર 2.5 કલાક પસાર કરતા હતા હવે લોકડાઉન બાદ હવે આ સમય વધીને 5 કલાકનો થયો છે. આજે ઓનલાઈન ગેમર્સની સંખ્યા 43 કરોડ છે અનુમાન છે કે 2025માં આ આંકડો 65.7 કરોડનો થઈ જશે.

મોદીએ જણાવ્યું કે, યુવાનોમાં લોકડાઉન બાદ ઓનલાઈન ગેમિંગનો ક્રેઝ વધ્યો છે. ઓનલાઈન ગેમિંગના ચક્કરમાં યુવા પેઢી પોતાનું સર્વસ્વ ન ખોઈ બેસે તેના માટે તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં ઓનલાઈન ગેમ બૅન હતી. જોકે આ રાજ્યોની હાઈકોર્ટે સરકારના નિર્ણયને આવકાર્યો નહોતો. ઓનલાઈન ગેમ્સ પર નિયંત્રણ માટે એક ફ્રેમવર્ક તૈયાર કરી સરકારે તેના પર ટેક્સ લગાડવો જોઈએ. આવું કડક વલણ ન અપનાવ્યું તો દેશના કરોડો બાળકોને ઓનલાઈન ગેમની લત લાગી જશે. હાલ ઓનલાઈન ગેમિંગથી થતી રેવેન્યૂ 13,600 કરોડ રૂપિયા છે, 2025માં આ રકમ વધી 29,000 કરોડ રૂપિયા થઈ શકે છે.

યોગ્ય પગલાં લેવા માટે માગ
મોદીની આ માગને રાજ્યસભાના સભાપતિ વૈંકેયા નાયડુએ ગંભીરતાથી લીધી છે. તેમણે સદનમાં હાજર ઈન્ફોર્મેશન અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવને જણાવ્યું કે આ મામલે તેઓ ગંભીર બને અને કાયદા મંત્રી સાથે વાત કરી યોગ્ય પગલાં લે.

ચીનની ઓનલાઈન ગેમિંગ સામે લાલઆંખ
આપણો પાડોશી દેશ ચીન પણ બાળકોની ઓનલાઈન ગેમિંગની લતથી પરેશાન છે. ચીને તેના માટે કડક નિયમો 1 સપ્ટેમ્બરથી લાગુ કર્યા છે. તે પ્રમાણે હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અઠવાડિયાંમાં માત્ર 3 કલાક જ ગેમ રમી શકશે. શુક્રવાર, શનિવાર અને રવિવારે દરરોજ 1 કલાક ગેમ રમી શકશે. સરકારી રજા હશે તો તેમને એક દિવસ રજા મળશે. નવા નિયમો લાગુ કરાવવાની જવાબદારી ગેમિંગ કંપનીઓને સોંપવામાં આવી છે. જો કંપની આ નિયમ લાગુ કરવામાં સફળ ન રહી તો તે દંડને પાત્ર ગણાશે.

બાળકોનો સ્ક્રીન ટાઈમ ઓછો કરવા માટે ચીનના કડક નિયમો

 • 2017માં ઓનલાઈન ગેમિંગ કંપની ટેન્સેન્ટ હોલ્ડિંગે પેરેન્ટ્સ અને શિક્ષકોની ફરિયાદો બાદ જણાવ્યું હતું કે તે ફ્લેગશિપ મોબાઈલ ગેમ 'ઓનર ઓફ કિંગ્સ' માટે ટાઈમ લિમિટ સેટ કરી રહી છે.
 • 2018માં બાળકોની નજદીકની દૃષ્ટિ નબળી પડવાના કેસ વધવા લાગ્યા. ત્યારબાદ ચીનની સરકારે કડક વલણ અપનાવાનો નિર્ણય લીધો. ત્યારબાદ 9 મહિના સુધી વીડિયો ગેમ્સને મંજૂરી આપવાનું બંધ કરાયું.
 • ચીને 2019માં એક કાયદો પસાર કર્યો. તે પ્રમાણે સોમવારથી ગુરુવાર સુધી બાળકો મેક્સિમમ 90 મિનિટ સુધી જ ઓનલાઈન ગેમિંગની મજા માણી શકશે. વીકેન્ડ્સ પર આ ટાઈમ લિમિટ 3 કલાકની કરવામાં આવી. આ સાથે જ રાતે 10 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા સુધી ગેમિંગ પર બૅન રહેશે.
 • સરકારે સગીરવયના યુઝર્સ માટે ઓનલાઈન ગેમિંગનો ખર્ચો પણ સીમિત કર્યો છે. વર્ચ્યુઅલ ગેમિંગ આઈટેમ્સ પર ઉંમરના આધારે બાળકો મેક્સિમમ 28થી 57 ડોલર (આશરે 2થા 4 હજાર રૂપિયા) જ ખર્ચ કરી શકશે.
 • બાળકોએ ઓનલાઈન ગેમિંગમાં લોગઈન કરતા સમયે નામ અને નેશનલ આઈડેન્ટિફિકેશન નંબર પણ સબમિટ કરવાનો રહેશે. ટેન્સેન્ટ અને નેટઈઝે એવી સિસ્ટમ બનાવી કે કયો યુઝર ગેમ રમી રહ્યો છે તે જાણી શકાય.
 • જુલાઈમાં ટેન્સેટે ફેશિયલ રેકગ્નિશન ફંક્શન પણ લોન્ચ કર્યું હતું. તેને મિડનાઈટ પેટ્રોલ કહેવાય છે. બાળકો રાતે 10 વાગ્યાથી લઈને રાતે 8 વાગ્યા સુધી વયસ્ક બની ગેમ રમી રહ્યા છે કે કેમ તે આ સિસ્ટમથી જાણી શકાય છે.