ચાર્જરને બોક્સમાં મળતી એસેસરીઝમાંથી દૂર કરનાર ‘એપલ’ પહેલી બ્રાન્ડ હતી. જો કે, ટૂંક સમયમાં સેમસંગ અને ગૂગલ જેવી અન્ય બ્રાન્ડ્સે પણ આ જ પેટર્ન ફોલો કરી અને હવે એવી સંભાવનાઓ જાણવા મળી રહી છે કે, OnePlus અને તેની પેરેન્ટ કંપની Oppo પણ ટૂંક સમયમાં આ જ પેટર્નને ફોલો કરશે.
ટેક એનાલિસ્ટે ટ્વિટર પર ટ્વીટ કર્યું
મુકુલ શર્મા (@stufflistings) એક ટેક એનાલિસ્ટ અને ટિપસ્ટરે ટ્વિટર પર એક ટ્વીટ કરી અને લખ્યું કે, ‘તેમના સ્ત્રોતોએ તેની પુષ્ટિ કરી છે કે, OnePlus અને Oppo પણ બોક્સમાં મળતી એસેસરીઝમાંથી ચાર્જર દૂર કરવાના છે. જો કે, બંને કંપનીઓ તરફથી આ સમાચારની પુષ્ટિ કરવા માટે કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી.
જ્યારે મોટાભાગની ચાઇનીઝ કંપનીઓ સ્માર્ટફોન સાથે ચાર્જર આપી રહી છે. ત્યારે આ વર્ષની શરૂઆતમાં Realmeએ બજેટ-લક્ષી Realme Narzo 50A પ્રાઇમ માટે ઇન-બોક્સ ચાર્જરને દૂર કરવાનું નક્કી કર્યું. અમે સામાન્ય રીતે બજેટ સ્માર્ટફોનમાં ચાર્જર ન આપતાં હોય એવું ક્યારેય જોયું નથી પરંતુ, એવું લાગે છે કે , હવે ધીમે-ધીમે માર્કેટમાં ચાર્જર અને સ્માર્ટફોન અલગ-અલગ વેચવાનો ટ્રેન્ડ શરુ થયો છે.
સ્માર્ટફોન કંપનીઓ માર્જિનને વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે
હાલમાં, Xiaomi, Vivo, IQOO અને અન્ય બ્રાન્ડ્સની પસંદ હજુ પણ તેમના સ્માર્ટફોન સાથે ચાર્જર આપી રહી છે ત્યારે બીજી તરફ આ પ્રકારનો ટ્રેન્ડ પણ લોકો સ્વીકારતા થયા છે. પર્યાવરણને સ્વચ્છ રાખવાની જવાબદારી અને ઘટાડેલા ઇલેક્ટ્રોનિક કચરા માટેની દલીલો વાજબી હોવા છતાં મોટાભાગના ઉત્પાદકો ગ્રાહકો પાસેથી વધારાના પૈસા કમાવવા માટે અલગથી ચાર્જર ખરીદવાનો આગ્રહ રાખીને તેમના નફાના માર્જિનને વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ચાર્જર અલગથી આપવા માટે એપલ પર લાગ્યો હતો દંડ
બ્રાઝિલની કોર્ટે એપલ પર લગભગ 150 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે કોર્ટે આદેશ આપ્યો છે કે, કંપનીએ બ્રાઝિલમાં ફોનની સાથે બોક્સમાં ચાર્જર પણ આપવું પડશે. એપલ સામેના કેસમાં સાઓ પાઉલો સ્ટેટ કોર્ટે આ નિર્ણય આપ્યો છે. કંપની સામેનો આ કેસ એસોસિએશન ઓફ બેરોઅર્સ, કન્ઝ્યુમર્સ અને ટેક્સપેયર્સ દ્વારા કરવામાં આવ્યો હતો. એસોસિએશને કહ્યું કે, ‘કંપની ચાર્જર વિના ફ્લેગશિપ ફોન વેચીને ખોટું કરી રહી છે.’
આ સાથે જ એપલે કહ્યું છે કે, ‘તે આ નિર્ણય સામે અપીલ કરશે. અગાઉ એપલે કહ્યું હતું કે, ‘તેઓએ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે આવું કર્યું છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.