કેન્દ્ર સરકારે શુક્રવારે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ માટે ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈન અંતર્ગત તે જે પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે તેને જ સમર્થન આપી શકે છે તે પછી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોય કે સેલેબ્રિટી. બંનેને આ ગાઈડલાઈન લાગૂ પડે છે. ઈન્ફ્લૂએન્સર્સ કે સેલેબ્રિટી કોઈપણ પ્રોડક્ટ વિશેનાં ગુણગાન ગાઈને ગ્રાહકોને ભ્રમિત કરી શકતા નથી.
મંત્રાલય મુજબ જો સરકારના આ નિયમનું પાલન કરવામાં ન આવ્યું તો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 અંતર્ગત દંડ ભરવો પડી શકે છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) મેન્યુફેક્ચરર્સ, એડવટાઈઝર્સ અને એન્ડોર્સર્સ પર 10 લાખ રુપિયાનો દંડ લગાવી શકે છે. નિરંતર નિયમોનું પાલન ન કરવા પર 50 લાખ રુપિયા સુધીનો દંડ ભોગવવો પડી શકે છે. આ સાથે જ જાહેરાત કરવા પર 6 વર્ષ સુધીનો પ્રતિબંધ પણ લગાવવામાં આવી શકે છે.
પહેલા જાણો શું છે ગાઈડલાઈન?
જાહેરાતમાં આવતા પ્રોડક્ટ વિશે માહિતી આપવી પડશે
સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું કે, કોઈપણ પ્રોડક્ટ વિશે ખોટી માહિતી આપવી કે જાણી જોઈને કોઈ પ્રોડક્ટ વિશેની માહિતી છુપાવવામાં આવે તો તે ગુનાહિત પ્રવૃતિ ગણી શકાય.
દરેક સેલેબ્રિટી, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને વર્ચ્યુઅલ ઈન્ફ્લુએન્સરે સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એ વાત જણાવવી પડશે કે, તે પ્રચાર માટે પૈસા લે છે કે તેની પાછળ તેનું કોઈ આર્થિક હિત છુપાયેલું છે. કોઈપણ જાહેરાતનાં વીડિયો કે લાઈવ સ્ટ્રિમીંગમાં તેઓએ આ વાતને સ્પષ્ટપણે લખવી પડશે. આ ગાઈડલાઈન શુક્રવારનાં રોજથી આખા દેશમાં લાગૂ થઈ ગઈ છે.
ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર રોક લગાવવી જરુરી
કેન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવેલ નવા નિયમો ગેરમાર્ગે દોરતી જાહેરાતોને અંકુશમાં લેવાના સતત પ્રયાસોનો એક ભાગ છે તેમજ વિસ્તરતા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર માર્કેટ વચ્ચે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરે છે, જેની કિંમત વર્ષ 2025 સુધીમાં આશરે ₹2,800 કરોડ થવાનો અંદાજ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેલિબ્રિટીઝ, ઇન્ફ્લુએન્સર અને વર્ચ્યુઅલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ (અવતાર અથવા કમ્પ્યુટર જનરેટેડ કેરેક્ટર) માટે ‘એન્ડોર્સમેન્ટ નો હાઉઝ’ નામની નવી ગાઈડલાઈન ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર્સ અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવી છે. અગાઉ, એક પત્રકાર પરિષદમાં આ ગાઈડલાઈન શરૂ કરતી વખતે રોહિતસિંહે કહ્યું હતું કે, ‘ગાઈડલાઈન ગ્રાહક કાયદાના કાર્યક્ષેત્ર હેઠળ જાહેર કરવામાં આવી છે, જે અયોગ્ય વેપાર પદ્ધતિઓ અને ગેરમાર્ગે દોરતી જાહેરાતો સામે ગ્રાહકોની સુરક્ષા માટે માળખું પ્રદાન કરે છે. તેઓએ આશા વ્યક્ત કરી કે, ગાઈડલાઈન સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ માટે ‘અવરોધક’ તરીકે કામ કરશે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.