ટેક ન્યુઝ:ડિજિટલ વોચ અને ઈયર બડ્સ જેવા ગેજેટનાં વેચાણમાં 66%નો વધારો, કિંમતમાં ઘટાડો છે મોટું કારણ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

2022ના વર્ષના પહેલા 6 મહિનામાં વેઅરેબલ્સનાં વેચાણમાં ધરખમ વધારો થયો છે. વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં સ્થાનિક બજારમાં ડિજિટલ વોચ, સ્માર્ટ વોચ, રિસ્ટ બેન્ડ અને ઇયરબડ જેવા વેઅરેબલ્સનાં વેચાણમાં 65.8%નો વધારો થયો છે.આ સમયગાળા દરમિયાન કુલ 3.8 કરોડ વેઅરેબલ્સનું વેચાણ થયું હતું. ખાસ વાત એ છે કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વેઅરેબલ્સનું વેચાણ ડબલથી પણ વધુ 113% જેટલું વધીને 2.39 કરોડ થઈ ગયું છે.

ડિસ્કાઉન્ટ અને નવા મોડેલના લોન્ચિંગને કારણે વેચાણ વધ્યું
વેઅરેબલ ડિવાઈસ ટ્રેકર ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC)ના રિપોર્ટ અનુસાર, ભારતીય બજારમાં વેઅરેબલ્સના વેચાણમાં વધારો થવાનું એક કારણ નવી પ્રોડક્ટનું લોન્ચિંગ, ડિસ્કાઉન્ટ અને આક્રમક માર્કેટિંગ રણનીતિ છે. પરંતુ સૌથી મોટું કારણ તો કિંમતમાં થયેલો ઘટાડો છે. હકીકતમાં, છેલ્લાં કેટલાંક વર્ષોથી ડિજિટલ વોચ, સ્માર્ટ વોચ, રિસ્ટ બેન્ડ અને ઇયર બડ્સ જેવી કિંમતો સતત ઘટી રહી છે.જેનાથી સામાન્ય લોકો પણ ખરીદી કરી રહ્યા છે.

દેશમાં વેઅરેબલ્સનું વેચાણ 9 કરોડથી વધુ
બુધવારે આવેલા એક રિપોર્ટ અનુસાર, જૂન ક્વાર્ટરમાં વેઅરેબલ્સના સરેરાશ વેચાણમાં (ASP) 7.2% સુધી ઘટ્યું છે. વૉચની એન્ટ્રી લેવલ ડિવાઇસના ASPમાં 29% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. તેમની સરેરાશ કિંમત ગયા વર્ષે 5,000થી ઘટીને 3,500 રૂપિયા થઈ ગઈ છે. IDC અનુસાર, દેશમાં વેઅરેબલ્સ વસ્તુઓનું વેચાણ આ વર્ષે રેકોર્ડ 9 કરોડના આંકને વટાવી જવાની અપેક્ષા છે.

IDC ઈન્ડિયાના રિસર્ચ મેનેજર ઉપાસના જોશીના જણાવ્યા અનુસાર બ્રાન્ડ્સ વચ્ચેની હરીફાઈને કારણે કિંમતોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આ ઉપરાંત, બ્લૂટૂથ કૉલિંગ, મોટી સ્ક્રીન અને AMOLED ડિસ્પ્લે જેવી સુવિધાઓ જે હાઈ રેન્જમાં આવતી હતી તેની કિંમતમાં પણ પણ હવે ઘટાડો થયો છે .આ કારણે પ્રથમ વખત યુઝર્સ અને ગેજેટ અપગ્રેડર્સ તેમની તરફ આકર્ષાઈ રહ્યા છે.

વેઅરેબલ્સની ડિમાન્ડ ગામડાંઓ સુધી પહોંચી
IDC ઇન્ડિયા,સાઉથ એશિયા અને ANZના એવીપી નવકેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, વેઅરેબલ્સની ડિમાન્ડ હવે શહેરી વિસ્તારોથી નગરો અને ગામડાંઓ સુધી પહોંચી છે. તેનું કારણ એફોર્ડેબલ પ્રોડક્ટ્સ અને આક્રમક માર્કેટિંગની રણનીતિ છે.