બમ્પર ડિસ્કાઉન્ટ:કાર કંપનીઓ સ્ટોક ખાલી કરવા માટે દિલ ખોલીને 1.30 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે, નવી કાર ખરીદવા માટે સોનેરી તક

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિસેમ્બર ઓફર હેઠળ મારુતિ, હ્યુન્ડાઈથી લઈને સ્કોડાની કાર પર ડિસ્કાઉન્ટ અવેલેબલ
  • કેશ ડિસ્કાઉન્ટ સાથે એક્સચેન્જ બોનસ અને કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સહિતની ઓફર્સ મળી રહી છે

નોંધઃ અહીં આપેલી તમામ કિંમતો, ડિસ્કાઉન્ટ અને ઓફર્સની વિગતો માત્ર માહિતી માટે જ છે. રાજ્ય-શહેર અને ડીલર પ્રમાણે કિંમતો અને ઓફરમાં ફેરફાર હોઈ શકે છે. આથી ખરીદી કરતાં પહેલાં તમારા ડીલર સાથે કિંમતો ક્રોસ ચેક કરી લેવી.

ડિસેમ્બર મહિનો પાર્ટી એન્ડ વેડિંગ સાથે ડિસ્કાઉન્ટ્સની પણ સિઝન છે. જો તમે નવી કારની શોધમાં છો તો આ તમારા માટે સોનેરી તક છે. ડિસેમ્બર મહિનામાં કંપનીનાં ડિસ્કાઉન્ટ સાથે અનેક ઓફર મળે છે. આ ઓફર્સનો લાભ લઈ તમે ફાયદા સાથે કાર ખરીદી કરી શકો છો.

ડિસેમ્બરમાં શા માટે કંપની દિલ ખોલીને ડિસ્કાઉન્ટ આપે છે? આ મહિને કાર ખરીદી પર શું ફાયદો થશે? આવો જાણીએ....

વિવિધ કંપનીઓનું બમ્પર ડિસ્કાઉન્ટ
ડિસેમ્બર ઓફર હેઠળ મારુતિ તેની કાર પર 45 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, હ્યુન્ડાઈ 50 હજાર રૂપિયા સુધીનું, ટાટા 40 હજાર રૂપિયા સુધીનું, મહિન્દ્રા 65 હજાર રૂપિયા સુધીનું અને રેનો 1.30 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સિવાય હોન્ડા, નિસાન, ડેટ્સન, સ્કોડા સહિતની કંપની સારું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ સિવાય કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સહિતની ઓફર્સ મળે છે.

નવી કાર ખરીદવાની ઉત્તમ તક
ડિસેમ્બર મહિના બાદ વર્ષ બદલાઈ જાય છે. આ મહિના બાદ 2022 શરૂ થઈ જશે. વર્ષ પૂરું થયા બાદ કાર પ્રોડક્શનનું વર્ષ પણ બદલાઈ જાય છે. જે કારનું પ્રોડક્શન 2021માં થયું હશે તે 2020માં 1 વર્ષ જૂની થઈ જશે. જાન્યુઆરી 2022માં કાર ખરીદતો ગ્રાહક ડિસેમ્બર 2021માં બનેલી કાર નહિ ખરીદી કારણ કે તેને આ કાર 1 મહિનો નહિ પણ 1 વર્ષ જૂની લાગશે. આ કારણે મોટા ભાગની કંપનીઓ ડિસેમ્બરમાં કાર પ્રોડક્શનનાં પાટિયાં પાડી દે છે.

તમામ કંપનીઓ જૂનો સ્ટોક આ વર્ષે ખાલી કરવા માગે છે. આ કારણે ડીલર્સ પણ કાર પર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. ડિસ્કાઉન્ટ સાથે એક્સેસરીઝ ઓફર પણ મળે છે. જોકે ડિસ્કાઉન્ટ માત્ર સ્ટોકમાં રહેલી કાર પર જ મળે છે. તેથી ગ્રાહકો પાસે ખરીદી માટે બહોળા વિકલ્પ રહેતા નથી.

VIN પર નક્કી થાય છે મેન્યુફેક્ચરિંગ યર
તમામ કાર પર VIN (વ્હીકલ આઈડેન્ટિફિકેશન નંબર) લખાય છે. આ કોડ પરથી પ્રોડક્શનનો મહિનો અને વર્ષ ઓળખી શકાય છે. દરેક કારનો યુનિક VIN હોય છે. મારુતિનો VIN 17 કેરેક્ટરનો હોય છે. મોટાભાગે તેના VIN 'MA3' શરૂ થાય છે. 17 કેરેક્ટરના VINમાં 10મું કેરેક્ટર વર્ષ અને 11મું મહિનો દર્શાવે છે. 10મું કેરેક્ટર F હશે તો તે 2015મું વર્ષ દર્શાવે છે. 11મો લેટર H હશે તો તે ઓગસ્ટ મહિનો દર્શાવે છે.

જાન્યુઆરી 2022થી કાર ખરીદવા વધુ ખિસ્સું ખાલી કરવું પડશે
1 જાન્યુઆરી, 2022થી તમામ કારની કિંમતમાં ભાવવધારો અમલી બનશે. સસ્તી હેચબેક બનાવતી મારુતિ, ટાટાથી લઈને લક્ઝરી કાર મેકર્સ મર્સિડીઝ, ઓડી, સ્કોડાની કાર ખરીદી મોંઘી પડશે. જો તમે આવતાં મહિને કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ મહિને તેની ખરીદી કરવા પર તમે ફાયદામાં રહેશો.

ડિસેમ્બર મહિનો કંપની માટે ચેલેન્જ
ડિસેમ્બરમાં ડિસ્કાઉન્ટ સાથે કાર વેચવાના કંપનીઓના સપનાં ત્યારે જ પૂરા થશે જ્યારે પૂરતો સ્ટોક હોય. હાલ ઓટો ઈન્ડસ્ટ્રી સેમીકન્ડક્ટર ચિપની અછતનો સામનો કરી રહી છે. કારનો વેઈટિંગ પીરિયડ 6 મહિનાનો થયો છે. તમારા બજેટમાં પણ હોય અને ડીલર્સ પાસે સ્ટોકમાં પણ હોય તેવી કારની ખરીદી કરી તમે ડિસેમ્બર ઓફર્સનો લાભ ઉઠાવી શકો છો.

નોંધ: ડિસ્કાઉન્ટની રકમ રાજ્યો અને ડીલર્સ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે.