ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ:સિંગલ ચાર્જ પર 132 કિમી દોડશે, ઓકિનાવા અને ઓલા સ્કૂટર્સ સામે લેશે સીધી ટકકર

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈલેક્ટ્રિક સ્કૂટર બનાવતી કંપની બેટરી (BattRE)એ ભારતીય બજારમાં પોતાનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર બેટરી સ્ટોરી (BattRE Storie) લોન્ચ કર્યું છે. સ્ટોરી સ્કૂટર એક એડવાન્સ ઇલેક્ટ્રિક સ્કૂટર છે, જે ફીચર્સથી સજ્જ છે. તેમાં મેટલ પેનલ્સ, કનેક્ટેડ ડ્રાઇવ્સ છે. કંપનીનો દાવો છે કે, સિંગલ ચાર્જમાં તે 132Kmની રેન્જ આપશે. તેની સીધી સ્પર્ધા ઓલા ઇલેક્ટ્રિક, હીરો ઇલેક્ટ્રિક, ઓકિનાવા, પ્યોર ઇવી જેવી કંપનીઓ સાથે થશે.

બેટરી સ્ટોરી ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 89,600 રૂપિયા
નવા બેટરી સ્ટોરી ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 89,600 રૂપિયા છે. જોકે, તેમાં રાજ્યની સબસિડીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. બેટરી સ્ટોરીને FAME II સબસિડી મળે છે. રાજ્યની સબસિડી મળતાં તેના મૂલ્યમાં વધુ ઘટાડો થઈ શકે છે. આ સ્કૂટર ટૂંક સમયમાં કંપનીના 300 શહેરોમાં 400 ડીલરશીપ પર ઉપલબ્ધ થશે. અત્યાર સુધીમાં આ કંપની 30 હજારથી વધુ સ્કૂટર વેચી ચૂકી છે.

સ્માર્ટ ડેશબોર્ડ પર કોલ એલર્ટ જોવા મળશે
ફીચર્સ અને સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો બેટરી સ્ટોરી લુકાસ TVS મોટર અને કંટ્રોલર દ્વારા સંચાલિત છે. તે AIS 156 થી માન્ય 3.1kWh બેટરી પેકથી સજ્જ છે. રેન્જની વાત કરીએ તો સિંગલ ચાર્જ પર આ સ્કૂટર 132 કિમીની રેન્જ આપે છે. આ સ્કૂટરમાં બ્લૂટૂથ કનેક્ટિવિટી અને ટર્ન-બાય-ટર્ન નેવિગેશન સાથે ઇન્ટીગ્રેટેડ સ્માર્ટ સ્પીડોમીટર આપવામાં આવ્યું છે. સ્માર્ટ ડેશબોર્ડ પર કોલ એલર્ટ પણ મળી શકે છે. કનેક્ટેડ ડ્રાઇવ સુવિધાઓ નજીકના ચાર્જિંગ સ્ટેશનો શોધવામાં મદદ કરે છે. સરળતા માટે નેટવર્કને 'પે એન્ડ ચાર્જ' કોન્સેપ્ટ દ્વારા એક્સેસ કરી શકાય છે.

મજબૂત મેટલ પેનલ્સ સ્ક્રેપ સામે રક્ષણ આપશે
બેટરી સ્ટોરી દ્વારા કોઈપણ વ્યક્તિ શહેરમાં મોટી સીટ અને ફૂટબોર્ડ સાથે વધુ આરામદાયક રીતે મુસાફરી કરી શકે છે. સેફ્ટીની વાત કરીએ તો પેસેન્જર્સને સફરમાં સ્કૂટરનો સંપૂર્ણ ડાયગ્નોસ્ટિક સારાંશ મળી શકે છે. તેની મજબૂત મેટલ પેનલ્સ સ્ક્રેપ સામે રક્ષણ આપે છે. તે ખરાબ રસ્તાઓ પર સરળતાથી દોડી શકે છે.

1 લાખ કિમીનું થર્મલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું
છેલ્લાં કેટલાક દિવસોથી ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘણી બધી ઘટનાઓ ઘટી છે અને તેણે લોકોના જીવ પણ લીધા છે. જેને ધ્યાનમાં રાખીને કંપનીએ આ સ્કૂટરને લોન્ચ કરતાં પહેલા 1 લાખ કિલોમીટરનું થર્મલ ટેસ્ટિંગ કર્યું છે. આ કરવા પાછળનો હેતુ આગની ઘટનાને રોકવાનો હતો. કંપનીનું કહેવું છે કે, આ સ્કૂટર ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ પ્રત્યે લોકોની વિચારસરણીને મજબૂત બનાવશે.