દેશભરમાં 5જી નેટવર્કનો શુભારંભ 2022માં જ થઈ ચૂક્યો છે અને અત્યારસુધીમાં દેશનાં 50 શહેરમાં 5જીની સેવાઓ મળવાની શરૂ થઈ ચૂકી છે. દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને બેંગલુરુ જેવાં શહેરોમાં 5Gની સેવાઓ શરૂ થઈ ચૂકી છે, એવો દૂરસંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ દાવો કરી ચૂક્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં અને દેશનાં 14 રાજ્યમાં તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 5G નેટવર્કની સેવા શરૂ છે. નવી ટેક્નોલોજીને અપનાવવા અને એને પ્રોત્સાહન આપવામાં ભારત વિશ્વની સાથે તાલમેલ બનાવી રહ્યું છે. વર્ષ 2023માં પણ ભારત શિક્ષણથી લઈને સુરક્ષા સુધીના દરેક ક્ષેત્રમાં નવી ટેક્નોલોજી સાથે વિકાસના પંથે આગળ વધવાની યોજના ધરાવે છે. ત્યારે આ ટેક્નોલોજીથી ઓટોમોબાઈલક્ષેત્ર પણ બાકાત નથી. વ્હીકલ ટુ એવરીથિંગ જેવી ટેક્નોલોજીની મદદથી ડ્રાઈવિંગનો અનુભવ બદલાશે અને ભારતમાં રોડ અકસ્માતની સંખ્યા ઘટી શકે છે.
કેટલાં રાજ્યોમાં 5G સર્વિસ?
Sr.No. | રાજ્ય | શહેર |
1 | દિલ્હી | દિલ્હી |
2 | ગુજરાત | અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, અમરેલી, બોટાદ, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, મોડાસા, મોરબી, વઢવાણ, નવસારી, ભુજ, આણંદ, નડિયાદ |
3 | મહારાષ્ટ્ર | મુંબઈ, નાગપુર, પુણે |
4 | પશ્ચિમ બંગાળ | કોલકાતા, સિલીગુડી |
5 | યૂપી | વારાણસી, લખનઉ |
6 | કર્ણાટક | બેંગલુરુ |
7 | તેલંગાણા | હૈદરાબાદ |
8 | રાજ્યસ્થાન | જયપુર |
9 | હરિયાણા | પાનીપત |
10 | અસમ | ગુવાહાટી |
11 | કેરળ | કોચી |
12 | બિહાર | પટના |
13 | આંધ્રપ્રદેશ | વિશાખાપટ્ટનમ |
14 | તામિલનાડુ | ચેન્નઈ |
ટ્રાફિકની સમસ્યા હળવી થશે
ટ્રાફિકની સમસ્યા દુનિયાભરમાં સૌથી મોટો મુદ્દો બનતો જાય છે અને એના ઉપાયો શોધવા માટે વર્ષે અબજો રૂપિયા ખર્ચાય છે, પરંતુ સચોટ ઈલાજ મળતો નથી. વિજ્ઞાન-ટેકનોલોજીએ આપણી લાઇફસ્ટાઈલ સદંતર ચેન્જ કરી નાખી છે. એ જ વિજ્ઞાન અને ટેકનોલોજી આપણને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત આપશે એવી આશા દર વર્ષે ઊજળી બનતી જાય છે. થોડાંક વર્ષોથી થયેલાં સંશોધનોએ ફરીથી નવી આશા જન્માવી છે. નવી ટ્રાફિક ટેકનોલોજી દુનિયાના રસ્તાઓને સલામત બનાવશે. દુનિયાભરમાં ટ્રાફિકની વકરતી સમસ્યા નિવારવા માટે નવી-નવી ટેકનોલોજી વિકસી રહી છે, જે અકસ્માતો ઘટાડીને રસ્તાઓને વધારે સલામત બનાવશે.
5જી ટેક્નોલોજી બદલશે ડ્રાઇવિંગની વ્યાખ્યા
ભારતમાં જ નહીં, દુનિયાભરમાં રેડ-ગ્રીન સિગ્નલમાં ઓટોટાઇમર સેટ કરવામાં આવે છે. સામાન્ય રીતે એક તરફનું સિગ્નલ 20થી 30 સેકન્ડ માટે ઓપન થાય છે, જેના પ્રયોગો ઘણાં નાનાં શહેરોમાં પણ શરૂ થયા છે. એમાં એરિયા પ્રમાણે ટ્રાફિકનો ડેટા એકઠો કરીને થોડીક સેકન્ડમાં સિગ્નલનો સમયગાળો બદલવામાં આવે છે. ખાસ કરીને રોડ-વે લાઈન (રોડ માર્કિંગની સ્માર્ટ ટેકનોલોજી), વીજળીની અછત સામે લડતી ટેક્નિક એટલે સ્માર્ટ લાઈટ્સ્, સ્પીડનો સ્પીડથી અંદાજ મારતી સિસ્ટમ એટલે રડાર ગન જેવી સ્સિટમનો ઉપયોગ ઘણો ટ્રાફિક હળવો કરવામાં મદદરૂપ નીવડે છે.
રોંગ વે ડિટેક્શન સિસ્ટમ
રોંગમાં વાહન ચલાવીને પોતે જોખમમાં પડવું અને બીજાનેય ખતરામાં નાખવા, એ આપણા દેશનો કોમન પ્રોબ્લેમ છે. વિદેશમાં પણ ઉતાવળા વાહનચાલકો આકરા દંડ-સજાની જોગવાઈ છતાં રોંગમાં વાહન ચલાવવાનું જોખમ લેતા હોય છે. જોકે આ ટેકનોલોજીના ઉપયોગથી અસંખ્ય અકસ્માતો અટકાવી શકાશે એવો દાવો થાય છે, પણ એને ઉપયોગમાં લેવામાં હજુ ઘણી એરર્સ દૂર કરવી પડશે. આ ટેકનોલોજી એવી રીતે કામ કરે છે કે રોડ પર ગોઠવાયેલા સેન્સર એક તરફ જતાં વાહનની ગતિ નોંધે છે. જેવું કોઈ વાહન એ રોડ ઉપર અવળી દિશામાં ગતિ કરે કે તરત એલર્ટ આપે છે, પરંતુ વાહન રિવર્સમાં લેતી વખતે પણ આ ટેકનોલોજી એલર્ટ આપે છે.
રોંગ વે એલર્ટ માટે એવાય પ્રયોગો થઈ રહ્યા છે કે ક્લાઉડની મદદથી વાહન રોંગમાં જાય છે એનો અંદાજ લગાવીને વાહનચાલકના રજિસ્ટર નંબરમાં મેસેજ જાય છે, પરંતુ ભારતમાં આ સિસ્ટમ કાર સિવાયનાં વાહનોમાં લાગુ પાડવી અઘરી છે. દુનિયાભરના ટ્રાફિક કંટ્રોલ એક્સપર્ટ્સ એકી અવાજે કહે છે કે અકસ્માતો અટકાવવા અને ટ્રાફિક કંટ્રોલ માટે સ્માર્ટ હાઈવે બનાવવાની ખાસ જરૂર છે. જે રસ્તાઓ અત્યારે કાર્યરત છે એને નવી ટેકનોલોજીથી અપગ્રેડ કરી દેવામાં આવે તો દુનિયામાં 50 ટકા અકસ્માતો ઘટી જાય તેમ છે. ટ્રાફિકજામની સમસ્યા પણ 60 ટકા સુધી ઘટી જાય તેમ છે.
5જીથી કારની ડ્રાઈવિંગ ટેકનોલોજી બદલાશે
5જી ટેકનોલોજીથી દુનિયામાં ધારણા બહાર પરિવર્તનો આવશે. ઓટોમોબાઈલક્ષેત્ર પણ 5જીની અસરથી બાકાત રહેશે નહીં. 5જી નેટવર્કથી સજ્જ કારમાં સોફ્ટવેર અપડેટ કરાવવા માટે સર્વિસ સેન્ટર જવાની જરૂર નહીં પડે. સોફ્ટવેર આપમેળે અપડેટ થઈ જશે. 5જીનું તેની સાથે જોડાણ થશે પછી કાર અલ્ટ્રા સ્માર્ટ બની જશે. નવા જમાનાની 5જી નેટવર્કથી કનેક્ટેડ કારને રસ્તાની વિગતો મળતી રહેશે. થોડાક કિલોમીટર દૂરના ટ્રાફિકની વિગતોથી લઈને બદલાતા વાતાવરણ-તાપમાનનો ડેટા કારના ચાલકને ચંદ સેકન્ડમાં મળશે.
ટ્રાફિકજામની સમસ્યા બંધ થશે
સેલ્યુલર વ્હીકલ ટુ એવરીથિંગ. આ ટેકનોલોજી પર દુનિયાભરની ટોચની કાર કંપનીઓ પ્રયોગો કરી રહી છે. આ ટેકનોલોજી ભવિષ્યમાં ઓટોમોબાઈલના ક્ષેત્રમાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. એનાથી ટ્રાફિકજામ સર્જાતો બંધ થશે. માર્ગ પર ચાલતા અન્ય 5જી વાહનો સાથે જે-તે કાર કનેક્ટ થઈ જશે. એ વાહન કેટલા અંતરે છે, કેટલી સ્પીડથી ચાલે છે અને કેટલીવારમાં ઓવરટેક કરશે કે કેટલીવારમાં સામેથી પસાર થશે એ બધી જ વિગતો 5જી નેટવર્કના કારણે શક્ય બનશે. અત્યારસુધી પણ ઘણી કારમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સંચાલિત સિસ્ટમ છે, પરંતુ નેટવર્કની સ્પીડના કારણે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ સિસ્ટમ વધારે અસરકારક રીતે કામ કરશે. એટલું જ નહીં, પગપાળા ચાલતા લોકો પાસે 5જી નેટવર્ક ડિવાઈસ હશે એટલે એની વિગતો પણ સેટેલાઈટની મદદથી કારચાલકને મળશે.
કોઈ અજાણ્યો રસ્તો વાહનચાલકે પહેલી વખત પકડ્યો હશે અને રસ્તો સારો છે કે નહીં, માર્ગમાં કેટલાં સ્થળોએ ડિવાઈડર તૂટેલાં છે, રસ્તો કેટલા કિલોમીટર સુધી નાનો કે પહોળો થઈ જશે - એ બધી જ વિગત 5જી ટેકનોલોજીની ડેટા સ્પીડને કારણે વાહનચાલકને મળશે. સામાન્ય રીતે વાહનચાલકો અન્ય વાહનચાલકો કે પછી દુકાનદારોને પૂછતા હોય છે કે આગળનો રસ્તો કેવો છે? પરંતુ 5જી સજ્જ કારના ચાલકને એવી પૂછપરછમાંથી છુટકારો મળશે. ઈનફેક્ટ, ખરાબ રસ્તો હોવાથી ફ્યુઅલની ટેંક કેટલી ખાલી થશે કે ઈલેક્ટ્રિક કારની બેટરી કેટલી ચાલશે - એનું એનાલિસિસ પણ શક્ય બનશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.