હોન્ડાનું સૌથી સસ્તું બાઇક લોન્ચ થશે:સ્પ્લેન્ડર,એચએફ ડિલક્સ અને બજાજ પ્લેટિનાને ટક્કર આપશે, શરૂઆતની કિંમત 70 હજાર

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) આજે એટલે કે 15 માર્ચના દિવસે સૌથી સસ્તી બાઈક લોન્ચ કરશે. નવી બાઇક દ્વારા હોન્ડા એન્ટ્રી લેવલ કમ્યુટર મોટરસાઇકલ સેગમેન્ટમાં હીરો મોટોકોર્પને ટક્કર આપવા માગે છે. આ બાઇક દેશની સૌથી વધુ વેચાતી હીરો સ્પ્લેન્ડર, એચએફ ડિલક્સ અને બજાજ પ્લેટિનાને ટક્કર આપશે.

આ બાઈકનું નામ 'હોન્ડા શાઇન 100 હોઈ શકે છે. આ બાઈક કંપનીનું હોન્ડા શાઇન 125 ccનું નાનું વર્ઝન હોઈ શકે છે. કંપનીએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 'ઓછી કિંમત, વધુ ચર્ચા' ટેગલાઇન સાથે બાઇકનો માર્કેટિંગ વીડિયો શેર કર્યો હતો.

નવા બાઈક પાસેથી શું આશા છે
નવા બાઇકને ફેરિંગ, વાઇડ પુલ-બેક હેન્ડલબાર, સિંગલ-પીસ સીટ, એલોય વ્હીલ્સ અને સાઇડ-સ્લંગ એક્ઝોસ્ટ અને સિમ્પલ ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ અને પાછળના ભાગમાં ટ્વીન શોક એબ્ઝોર્બર્સ, વૈકલ્પિક ફ્રન્ટ ડિસ્ક બ્રેક વેરિઅન્ટ્સ સાથે ડ્રમ બ્રેક્સ અને ડિજિટલ રીડઆઉટ્સ સાથે એનાલોગ કન્સોલ પણ બાઇકમાં મળી શકે છે.

70 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે કિંમત
આ હોન્ડાની સૌથી ઓછી એન્જિન ક્ષમતાવાળી બાઇક હશે. જેમાં 100સીસી સિંગલ-સિલિન્ડર, એર-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન મળશે જે આરડીઇ કમ્પ્લાયન્ટ હશે અને ઇ20 ઇંધણ પર પણ ચાલશે. આ બાઇકની કિંમત 70,000 (એક્સ-શોરૂમ)ની નજીક હોવાની આશા છે.

હાલમાં હોન્ડા સીડી 110 ડ્રીમ કંપનીની સૌથી સસ્તી મોટરસાઇકલ છે. જેની કિંમત 71,133 રૂપિયા (એક્સ શોરૂમ, નવી દિલ્હી) રાખવામાં આવી છે. આશા છે કે 100ccના નવા મોડલની કિંમત હોન્ડા સીડી 110 ડ્રીમથી ઓછી હશે.

હોન્ડા જલદી ઈવી લોન્ચ કરશે
ગત વર્ષે કંપનીએ EICMA 2022માં તેનું ઇલેક્ટ્રિક સ્કૂટર - ઇએમ 1 ઇ લોન્ચ કર્યું હતું. યુરોપિયન બજાર માટે ઓટો ઉત્પાદક કંપની તરફથી આ પ્રથમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર છે. કંપનીના જણાવ્યા અનુસાર આ સ્કૂટર આવતા વર્ષે ઉનાળામાં લોન્ચ કરવામાં આવશે. હોન્ડા આગામી બે વર્ષમાં વૈશ્વિક સ્તરે વધુ ઇલેક્ટ્રિક બાઇક રજૂ કરવાની પણ યોજના બનાવી શકે છે.