ડિજિટલ ડિબેટ:વસતિ નિયંત્રણ માટે કાયદો કરવાની જરૂર છે ખરી?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જયવંત પંડ્યા (JP): 1952માં જ આયોજન પંચે પહેલી પંચવર્ષીય યોજના બનાવતી વખતે ભવિષ્ય જોઈ લીધું હતું કે ઝડપથી વધી રહેલી વસતિથી સામાજિક અને આર્થિક વિકાસ ખોરવાઈ જશે. તેથી સરકારે કુટુંબ મર્યાદા અને વસતિ નિયંત્રણ કાર્યક્રમ શરૂ કર્યો હતો. ભારત માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે વસતિનો જબરદસ્ત વિકાસ અટકાવવા માટે આવી નીતિ અપનાવનાર વિશ્વનો પ્રથમ મોટો દેશ હતો. જો કે, મહાત્મા ગાંધી વિશાળ વસતિને સમસ્યા માનતા નહોતા. તેઓ માનતા હતા કે બધાની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રકૃતિ સક્ષમ છે. પરંતુ લાલચ પૂરી કરવા સક્ષમ નથી. તેથી જરૂરિયાત પૂરતો પ્રકૃતિનો ઉપભોગ કરીએ તો વાંધો નથી. પહેલી પંચવર્ષીય યોજનામાં 65 લાખ રૂપિયાનું ભંડોળ હતું. પરંતુ આ કાર્યક્રમની ખૂબ જ ઓછી અસર થઈ અને ભંડોળના માત્ર 22% જ વપરાયા હતા.
દિલીપ ગોહિલ (DG): આ વિગતો પરથી સ્પષ્ટ થઈ જાય છે કે નીતિ નિર્ધારકોએ કાગળ પર વાત મૂકી હતી પણ વસતિ નિયંત્રણની બાબતમાં ગંભીર નહોતા. અત્યારે સમાન નાગરિકધારાની વાત ચાલે છે તેમાં પણ આવું જ થયેલું. જરૂરી છે એવું સૌએ કહ્યું પણ પ્રયત્ન કોઈએ ન કર્યો. રીતરિવાજો અને લોકમાન્યતાથી હટીને કામ કરવાની હિંમત ત્યારના અને અત્યારના શાસકોમાં પણ દેખાઈ નથી. અત્યારે પણ આસામ અને ઉત્તર પ્રદેશની સરકાર કાયદો કરવાની વાત કરી રહી છે પણ ચૂંટણી પહેલાં કાયદો પસાર કરશે ખરી? વિશ્વ હિન્દુ પરિષદે વિરોધ કર્યો છે કે આ કાયદાથી નુકસાન હિંદુઓને છે ત્યારે યુપીની ભાજપ સરકાર કેટલી ગંભીર? આ સવાલનો જવાબ મેળવવા થોડા મહિના રાહ જોવી પડશે.

JP: ત્રીજી પંચવર્ષીય યોજના દરમિયાન ઊંચો જન્મદર આર્થિક વિકાસમાં બાધા છે એવું લાગ્યું ત્યારે આરોગ્ય મંત્રાલયમાં કુટુંબ નિયોજન નામનો અલગ વિભાગ બનાવવામાં આવ્યો. 1972 સુધી જન્મદર 2.5% સુધી ઘટાડવાનું ધ્યેય નક્કી કરાયું. ઈન્દિરા ગાંધીના સમયમાં નસબંધીની ઝુંબેશ મોટા પાયે ચાલી. કટોકટીનો ફાયદો ઉઠાવી લગભગ 60 લાખ લોકોની ફરજિયાત નસબંધી કરાવવામાં આવી હતી. જૂની દિલ્હી કે જ્યાં મુસ્લિમોની વસતિ વધુ હતી ત્યાં આ ઝુંબેશ પાછળ ઈન્દિરાના પુત્ર સંજય ગાંધીની મોટી ભૂમિકા હતી. સંજય ગાંધીને લાગેલું કે જો મુસ્લિમ સમુદાય વચ્ચે નસબંધી કાર્યક્રમ સફળ બનાવી શકાશે તો દેશભરમાં કડક સંદેશ જશે. એ દરમિયાન જોકે ખોટાં ઓપરેશનના કારણે બે હજાર લોકોનાં મૃત્યુ પણ થયાં હતાં. સ્વાભાવિક, આનું તેમને રાજકીય નુકસાન પણ થયું. 1977માં ઈન્દિરા કોંગ્રેસની હાર પાછળ સૌથી મોટું કારણ કટોકટી ઉપરાંત નસબંધીનો વિરોધ પણ હતો.
DG: સારા ઇરાદા સાથેનો સરકારી કાર્યક્રમ કેવી રીતે નિષ્ફળ જાય તેનો આ વરવો નમૂનો છે. તે પછી કોઈ રાજકીય પક્ષે નસબંધી અને કુટુંબ નિયોજન માટે વાત કરવાની હિંમત ન કરી. હવે હિંમત થઈ રહી છે ત્યારે પણ તેની પાછળ સાચો ઇરાદો સાચા અર્થમાં વસતિ નિયંત્રણનો છે કે ફરી એકવાર ચૂંટણીમાં ફાયદો મેળવી લેવાનો છે એવા સવાલો થાય છે. એ રીતે જુઓ તો યોગીએ રજૂ કરેલો ખરડો સારા માટે જ ગણાય પણ ચૂંટણી પહેલાં લાવો એટલે સવાલો થવાના. નવી સરકાર બની કે તરત જ ખરડો લવાયો હોત તો સવાલ ન થાત. બીજું એક તરફ વસતિ નિયંત્રણ માટેના સારા ઇરાદાની વાત થાય પણ આઇટી સેલના ભાડૂતી માણસો હમ પાંચ, હમારે પચ્ચીસ એવો પ્રચાર કરે એટલે સારી યોજના પણ સફળ થતી નથી.

JP: ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના સમયમાં ‘હમ દો હમારે દો’ સૂત્ર પ્રચલિત થયું. દીવાલો પર, દૂરદર્શન પર, ફિલ્મોમાં તેની જાહેરખબરો આવતી અને કેટલીક ફિલ્મોની અંદર પણ આ વાતને સીધી કે આડકતરી રીતે વણી લેવાઈ.
DG: આ અભિગમ ત્યારે પણ અને અત્યારે પણ વધારે યોગ્ય છે. પ્રચાર દ્વારા નાનું કુટુંબ, સુખી કુટુંબની આબોહવા ઊભી થવી જોઈએ. તેનાથી પણ અગત્યનું એ છે કે શિક્ષણ આવે, સમૃદ્ધિ આવે, આરોગ્ય સુવિધા વધે એટલે વસતિ વધારાનો દર ઘટે છે. સર્વે અને અભ્યાસથી આ સાબિત થયેલું છે. 1950ના દાયકામાં વસતિ વધારાનો દર (ટોટલ ફર્ટિલિટી રેટ) 6 હતો તે વર્ષ 2018માં ઘટીને 2.2 થઈ ગયો હતો. 1990ના દાયકાથી ઘટાડો શરૂ થયો છે કારણ કે, દેશમાં ઉદારીકરણ પછી અર્થતંત્રે ગતિ પકડી હતી. મુસ્લિમોમાં 4.4 અને હિંદુઓમાં 3.3 રેટ હતો એ હવે અનુક્રમે 2.6 અને 2.1 થયો છે. બધા સમુદાયોમાં ઘટાડો થયો છે પરંતુ રાજ્યોવાર સ્થિતિ જુદી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન આ છ રાજ્યોમાં રાષ્ટ્રીય સરેરાશ કરતાં જન્મદર વધારે છે, જ્યારે કેરળ, આંધ્ર, કર્ણાટકમાં ઓછો છે.

JP: 1977માં ચૂંટણીમાં હાર પછી કોઈએ આ નીતિને કડક રીતે અમલી બનાવવાનું જોખમ વહોર્યું નહીં. ફરજિયાત નીતિને સ્વૈચ્છિક બનાવી દેવાઈ. 1991ની વસતિ ગણતરીમાં ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વધતી વસતિવાળો દેશ છે તે ફરી સ્પષ્ટ થયું. તેથી 1992થી 1997ની આઠમી પંચવર્ષીય યોજનામાં પણ વસતિ નિયંત્રણ પ્રાથમિકતામાં દર્શાવાઈ હતી ખરી.
DG: પ્રાથમિકતા દર્શાવાતી રહી પણ કોઈએ કાયદો કરવાનું વિચાર્યું નહીં. ચીને વન ચાઇલ્ડનો કાયદો લગાવી દીધો હતો પણ ભારતમાં એવું કરવું મુશ્કેલ બન્યું. જાણકારો એવું પણ કહે છે કે સ્ત્રી આરોગ્ય પર, પ્રસૂતા અને નવજાત શિશુના મોત અટકાવવા પર વધુ ધ્યાન અપાયું હોત તો પણ ફાયદો થયો હોત. સાથે જ ગર્ભનિરોધક સંસાધનો સ્ત્રીઓને, ખાસ કરીને નાનાં ગામોમાં પણ સહેલાઈથી મળે તે માટેના સરકારી પ્રયાસો થયા હોત તો પણ વધારે ફાયદો થયો હોત. અત્યારે પણ જાણકારો કહે છે કે કાયદાની કોઈ જરૂર નથી. અત્યારે જરૂર છે બે બાળકો વચ્ચે અંતર રાખવા માટે નાનામાં નાના ગામમાં સ્ત્રીઓને પોતાની સાનુકૂળતા પ્રમાણેના ગર્ભનિરોધક ઉપાયો ઉપલબ્ધ થાય. હાલના સમયે દંપતી સંતાનપ્રાપ્તિ મોડી ઇચ્છે છે અને બે બાળકો વચ્ચે અંતર ઇચ્છે છે પણ નાનાં ગામોમાં સરળતાથી તે માટેની સરકારી સુવિધા મળતી નથી. ઉત્તર પ્રદેશની સરકાર ખરેખર ગંભીર હોય તો છેલ્લાં ચાર વર્ષોમાં આ બાબત પર ધ્યાન આપ્યું હોત. એવું થયું નથી અને અત્યારે કાયદો લાવવાની વાત કરી એટલે સ્વાભાવિક છે કે રાજકીય ઇરાદાના આક્ષેપો થાય.

JP: 2019માં લાલ કિલ્લા પરથી સ્વતંત્રતા દિનના ભાષણમાં વડાપ્રધાન મોદીએ સ્વયં પ્રેરણા, સ્વૈચ્છિક સહયોગ અને દેશભક્તિ જેવા શબ્દો વાપરી જનસંખ્યા નિયંત્રણનો ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ટઆપણે ત્યાં બેફામ રીતે જનસંખ્યા વિસ્ફોટ થઈ રહ્યો છે જેનાથી આગામી પેઢી માટે સંકટ ઉત્પન્ન થઈ શકે છે. આપણા દેશમાં આજે પણ એક નાનો વર્ગ પરિવારને સીમિત રાખીને પોતાનું પણ ભલું કરે છે અને દેશનું પણ ભલું કરવામાં બહુ મોટું યોગદાન આપે છે…પરિવાર નાનો રાખીને તેઓ દેશભક્તિને જ પ્રગટ કરે છે.'
DG: તો પછી શા માટે રાષ્ટ્રીય ધોરણે કુટુંબ નિયોજન માટેની કોઈ યોજના કે કાર્યક્રમ પર ભાર મૂકાયો નથી? કડક અને આકરા નિર્ણયો લેનારા નેતાની છાપ ઊભી કરાઇ છે પણ હવે સમાન નાગરિક ધારો અને વસતિ નિયંત્રણ માટે પણ કડક અને આકરો નિર્ણય કે કાયદો કેમ વિચારાતો નથી તે સવાલ થાય છે. કદાચ લોકસભાની ચૂંટણી નજીક હશે ત્યારે આવશે! બીજું કે એ જોવામાં આવશે કે યુપીમાં કાયદો લાવવાની વાત કરી ત્યારે વિહિપ સહિતના જૂથોએ વિરોધ કર્યો તેનું શું કરવું તેનો વિચાર થશે. બેથી વધુ બાળકો હોય તો સરકારી નોકરી નહીં, બઢતી નહીં, સબસિડી નહીં એવા કાયદાનો સીધો અર્થ એ થાય કે હિંદુઓને, ખાસ કરીને OBC, SC, STને વધારે નુકસાન થાય. એક તરફ સ્વેચ્છાની વાત થાય અને બીજી તરફ ભાજપની બે રાજ્ય સરકારો કાયદો લાવવા માટે કોશિશ કરે (સાથી પક્ષ જેડીયુ વળી તેને વ્યર્થ વ્યાયામ ગણાવે) ત્યારે મામલો રાષ્ટ્રીય હિત કરતાં રાજકારણનો વધારે છે તેવી છાપ ઊભી કરે છે.

JP: 1952થી લઈને 2014 સુધી વિવિધ સરકારોએ આ નીતિ અમલમાં મૂકી જ છે અને તેને ચૂંટણી કે કોઈ પંથ વિશેષ સાથે જોડવામાં નથી આવી તો ઉત્તર પ્રદેશની આ પ્રસ્તાવિત (હજુ કાયદો નથી બની) નીતિને પણ ચૂંટણી કે પંથ વિશેષ સાથે ન જોડવી જોઈએ. એ પણ ધ્યાન રાખવું જરૂરી છે કે અગાઉની નીતિઓ પોતાનો ઉદ્દેશ્ય પૂરો કરી શકી નથી. તો આ નીતિ પણ માત્ર કાગળ પર રહી ન જાય. અત્યારે કોઈ પણ પંથ હોય, મધ્યમ વર્ગથી લઈને ધનવાન વર્ગ તો બાળકો વગર, એક કે બે બાળકોમાં માને જ છે. ડબલ ઇનકમ નો કિડ્સનો પણ કોન્સેપ્ટ કેટલાક દંપતી ધરાવે છે. આનો અર્થ એ થયો કે ગરીબો સુધી આ વાત અસરકારક રીતે પહોંચી શકી નથી. વળી, આપણે ત્યાં કોઈ પણ પંથ હોય, પુત્રપ્રાપ્તિની ખેવના ખૂબ જ હોય છે. પુત્ર પ્રાપ્ત થાય તે માટે ઘણા લોકો બાળકો કરતાં જાય છે.
DG: એ વાત સાચી કે સ્વેચ્છાએ કુટુંબ નિયોજન અને પ્રોત્સાહનો આપવાની સાથે સાથે કાયદો થતો હોય તો થવા દેવો જોઈએ. તેને ચૂંટણી કે પંથ સાથે જોડવો ના જોઈએ. શિક્ષણ, આરોગ્ય અને સમૃદ્ધિ વધે તે માટેના પ્રયાસો, ગરીબો સુધી તેનો લાભ પહોંચે તેવી સમાન વહેંચણી અને પ્રોત્સાહનના પ્રયાસો આ ઉપરાંત કુટુંબ નિયોજન માટે કાયદો પણ થતો હોય તો ખોટું નથી. પરંતુ આવો કાયદો લાવવામાં આવે ત્યારે એવી રીતે લાવવો જોઈએ કે સ્પષ્ટપણે તે સારા ઇરાદા સાથે છે તેવી છાપ પડે. અહીં ‘છાપ પડે’ એ વાત છે. યુપી અને આસામમાં એક તરફ ખરડો આવે પણ બીજી તરફથી બીજા પ્રકારના મુદ્દા પણ ચગાવવામાં આવે ત્યારે રાજકીય હેતુના આક્ષેપો થાય છે. વિપક્ષને પણ ટીકા કરીને ફાયદો જ લેવો છે પણ બંને બાજુના પક્ષો ફાયદો લેવાની કોશિશ કરે, તેમાં દેશને અને નાગરિકોને ફાયદો થતો નથી.
(જયવંત પંડ્યા અને દિલીપ ગોહિલ વરિષ્ઠ પત્રકારો અને રાજકીય વિશ્લેષકો છે)