કોઇપણ કાર માટે યોગ્ય ટાયર સિલેક્ટ કરવું એક પડકારજનક કામ છે. ટાયર કોઇપણ વાહનમાં સૌથી મહત્ત્વપૂર્ણ પાર્ટ હોય છે. તે કારના પર્ફોર્મન્સ માટે તો જવાબદાર હોય જ છે પણ સાથે તે કારનું બ્રેકિંગ, હેન્ડલિંગ, સેફ્ટી અને એટલે સુધી કે એવરેજને પણ અસર કરે છે. જો તમારું ટાયર યોગ્ય નહીં હોય તો તમે ગમે ત્યારે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો. સામાન્ય રીતે લોકો ઓળખતા હોય એવા મિકેનિકની સલાહ પર નવું ટાયર ખરીદે છે. પરંતુ આ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય હોય છે. એટલે ટાયર અંગે કેટલીક ખાસ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. નીચે આપેલી ટિપ્સ તમને યોગ્ય ટાયર સિલેક્ટ કરવામાં મદદરૂપ સાબિત થશે.
સાઇઝનો કોડ સમજો
નવું ટાયર ખરીદતાં પહેલાં તેની સાઇઝ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. હંમેશાં ફક્ત એવું જ ટાયર પસંદ કરો જે કંપની દ્વારા જણાવેલા ધોરણો અનુસાર હોય. સામાન્ય રીતે ટાયરની સાઇડમાં જ તેની ગુણવત્તા અને સાઇઝ વિશે કોડ ભાષામાં દર્શાવવામાં આવ્યો હોય છે. જો ટાયરની સાઇડમાં (195/55 R 16 87 V) લખ્યું હોય તો તેને આ રીતે સમજો. આમાં 195mm ટાયરની પહોળાઈ દર્શાવે છે. 55% ટ્રેડ ટાયરનો એક્સપેક્ટ રેશિયો એટલે કે હાઇટ દર્શાવે છે, 'R'નો અર્થ ટાયર રેડિયલ અને 16નો અર્થ ટાયરની સાઇઝ ઇંચમાં હોય છે, જ્યારે 87નો અર્થ લોડ ઇન્ડેક્સિંગ અને 'વી'નો અર્થ રેટિંગ હોય છે. આ રીતે તમે તમારી કાર માટે યોગ્ય સાઇઝનું ટાયર પસંદ કરી શકો છો.
ટ્યૂબલેસ ટાયરમાં પંચર નહીં પડે
સામાન્ય રીતે વધુ લોકો ટ્યૂબલેસ અથવા ટ્યૂબવાળા ટાયર વચ્ચેની પસંદગી અંગે ચિંતિત હોય છે. પરંતુ ટ્યૂબલેસ ટાયર શ્રેષ્ઠ હોય છે. તે આજના સમયની જેમ એડવાન્સ અને સેફ છે. આ સિવાય, ટ્યૂબલેસ ટાયર માટે એલોય વ્હીલ્સની જરૂર હોતી નથી, તેને સામાન્ય સ્ટીલ વ્હીલ સાથે પણ ફીટ કરી શકાય છે. ટ્યૂબલેસ ટાયરમાં પંચર પડવાનો ભય પણ નથી હોતો. જો કે, તેની કિંમત વધારે છે પણ તેના પણ અનેક છે.
યોગ્ય ટ્રેડની પસંદગી
ટાયર ઉપર જે ડિઝાઇન અથવા પટ્ટાવાળી પેટર્ન આપવામાં આવે છે તેને ટ્રેડ કહેવામાં આવે છે. તમારી પસંદગી અને ઉપયોગીતા અનુસાર, તમારે યોગ્ય ટ્રેડવાળું ટાયર પસંદ કરવું જોઇએ. ટાયરમાં આપવામાં આવેલું ટ્રેડ વાહનના ડ્રાઇવિંગ અનુભવ માટે જવાબદાર હોય છે. હંમેશાં કોઈ એવો ટ્રેડ પસંદ કરો જેમાં તમને વધુ સારી પકડ મળતી હોય. જેથી, તમે કોઈપણ પ્રકારની રોડ કન્ડિશનમાં તમારું વાહન યોગ્ય રીતે ચલાવી શકશો. સામાન્ય રીતે, ત્રણ પ્રકારના ટ્રેડ ચલણમાં છે, જેમાં કન્વેન્સનલ, યુનિ-ડાયરેક્શનલ અને સિમેટ્રિકનો સમાવેશ થાય છે.
લોકલ બ્રાંડનું ટાયર પસંદ ન કરો
યોગ્ય ટાયર પસંદ કરતાં પહેલાં ટાયરની બ્રાંડ ચેક કરી લો. ઓછા પૈસા ખર્ચવાના ચક્કરમાં ક્યારેય લોકલ બ્રાંડનું ટાયર ન ખરીદવું. આજકાલ માર્કેટમાં ઘણી સારી બ્રાંડના ટાયર આવે છે જે તમને સારાં પર્ફોર્મન્સની સાથે જ સારી એવી વોરંટી પણ આપે છે. આ માટે તમે તમારી નજીકની ડીલરશીપનો સંપર્ક પણ કરી શકો છો અને ટ્રેન્ડિંગ બ્રાંડ્સમાંથી કોઈ એક બ્રાંડનું ટાયર લઈ શકો છો.
બેસ્ટ ક્વોલિટીનું રબર ટાયર ખરીદો
સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે નવું ટાયર ખરીદતાં પહેલાં રબરની ગુણવત્તા ચેક કરવી. ટાયરમાં વપરાયેલું રબર રસ્તા પર થતાં ઘર્ષણથી લઇને વધુ સારા ગ્રીપિંગ માટે જવાબદાર હોય છે. હંમેશાં બેસ્ટ ક્વોલિટીવાળું રબર ટાયર પસંદ કરો. આનાથી કારનું પર્ફોર્મન્સ તો સારું થશે જ પણ સાથે સંતુલિત બ્રેકિંગ પણ મળશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.