ટીઝર:ઓલા ઇ-સ્કૂટરનું વીડિયો ટીઝર રિલીઝ થયું, 2 હેલ્મેટ રાખી શકાય એટલી બૂટ સ્પેસ મળશે અને સિંગલ ચાર્જમાં 150 કિમી સુધીનું અંતર કાપી શકશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓલાએ આખરે તેનાં ઇલેક્ટ્રિક સ્કૂટરનું વીડિયો ટીઝર રિલીઝ કરી દીધું છે. 56 સેકંડના આ ટીઝરમાં કંપનીએ ઇ-સ્કૂટરનાં ફીચર્સ અને પર્ફોર્મન્સ બતાવ્યાં. કંપનીના CEO ભાવિશ અગ્રવાલે સોશિયલ મીડિયા પર કહ્યું કે, તમે આ ટ્વીટ વાંચશો એ પહેલાં આ સ્કૂટર 0-60 કિમીની ઝડપે પહોંચી જશે! તૈયાર થઈ જાઓ, એક નવી ક્રાંતિ આવી રહી છે!

ઓલા ઇલેક્ટ્રિકે તમિળનાડુના કૃષ્નાગિરી જિલ્લામાં વિશ્વનો સૌથી મોટો ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર પ્લાન્ટ સ્થાપ્યો છે. જ્યાં ઓલા લોકલ માગ સિવાય એશિયા, યુરોપ અને દક્ષિણ અમેરિકાના માર્કેટમાં સપ્લાય કરવા માટે વાર્ષિક 20 લાખ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ બનાવશે.

ફીચર્સ

  • ઓલાનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર એક જ ચાર્જમાં 150 કિમી ચાલશે. તેની ટોપ સ્પીડ કલાક દીઠ 90 કિમી હશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર હોમ ચાર્જર સાથે આવશે. ગ્રાહકો રેગ્યુલર વોલ સોકેટથી આ સ્કૂટર ચાર્જ કરી શકશે. કંપની ઇલેક્ટ્રિક વાહન ખરીદનારા ગ્રાહકોને દેશભરમાં ચાર્જ કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે એક મોટું ઇલેક્ટ્રિક ચાર્જિંગ નેટવર્ક સ્થાપવાની પણ યોજના બનાવી રહી છે. પહેલા વર્ષે​​​​​​ઓલા 100 શહેરોમાં 5000 ચાર્જિંગ પોઇન્ટ સેટ કરશે.
  • સ્કૂટરના ટીઝરને જોતા સ્પષ્ટ થાય છે કે તેનું મોડેલ શ્રેષ્ઠ રહેશે. તેમજ, સ્પીડની દૃષ્ટિએ તે પેટ્રોલના વાહનો સાથે સ્પર્ધા કરશે. આ ઉપરાંત, તેને મોટી બૂટ સ્પેસ મળશે. ટીઝરમાં બૂટ સ્પેસમાં રાખવામાં આવતા બે હેલ્મેટ્સ બતાવવામાં આવ્યા છે. સામાન્ય રીતે સ્કૂટરની બૂટ સ્પેસમાં ફક્ત એક જ હેલ્મેટ આવતું હોય છે.
  • કંપનીનો દાવો છે કે, ફાસ્ટ ચાર્જિંગથી સ્કૂટર 18 મિનિટમાં 50 ટકા ચાર્જ થઈ જશે. તેમાં 75 કિમીની રેન્જ મળશે. આ સાથે, આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં સ્માર્ટફોન કનેક્ટિવિટીની સુવિધા પણ મળશે, જે ઓલા ઇલેક્ટ્રિક એપ્લિકેશન દ્વારા ચાર્જિંગ સ્થિતિ વિશે રિયલ-ટાઇમ માહિતી આપવામાં કરવામાં મદદ કરશે.

પ્રથમ વર્ષે 10 લાખ સ્કૂટર્સ વેચવાનું લક્ષ્યાંક
વિશ્વની સૌથી મોટી ટૂ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બનાવવા માટે કંપનીએ 2400 કરોડનું રોકાણ કર્યું છે. ઓલાના આ ઇ-સ્કૂટરની કિંમત ખૂબ જ સ્પર્ધાત્મક હશે, જે બજારમાં હાલના અન્ય ઇલેક્ટ્રિક સ્કૂટર્સને કડક ટક્કર આપશે કારણ કે, કંપની ભારતના ઊભરતા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવા માગે છે. રિપોર્ટમાં એવું પણ સૂચવવામાં આવ્યું છે કે, ઓલા પહેલા વર્ષે જ 10 લાખ ઇ-સ્કૂટર્સ વેચવાની યોજના બનાવી રહી છે.