EV ફેક્ટરી:વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ફેક્ટરી તમિલનાડુમાં બનશે, લિથિયમ-આયન બેટરીના પ્રોડક્શનમાં હશે નંબર-1

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પેટ્રોલના ભાવની નોટ આઉટ સદી અને સરકારના ઇ-વ્હીકલને લઇને પ્લાનિંગને કારણે ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રી ઝડપથી આગળ વધી રહી છે. દેશની ઇ-વ્હીકલ ઇન્ડસ્ટ્રીમાં રોકાણ પણ વધી રહ્યું છે. ઓલા ઇલેક્ટ્રિકના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે તમિલનાડુના કૃષ્નાગિરી ખાતે વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ફેક્ટરી સ્થાપવાની યોજના જણાવી છે, જે દેશની અર્થવ્યવસ્થા માટે પણ શુભ સંકેત છે.

દેશની મોટાભાગની ઓટોમોબાઈલ કંપનીઓ હવે ઇ-વ્હીકલ્સ બનાવવાની તૈયારીમાં છે. આ બધા ઓછા ભાવે વધુ રેન્જના મિશન સાથે કામ કરી રહ્યા છે. જો કે, ત્રણ વર્ષ પહેલા સુધી કોઈને ખબર નહોતી કે દેશ આવનારા દિવસોમાં વિશ્વના નંબર વન ઇ-વ્હીકલ હબના નિર્માણ તરફ ઝડપથી આગળ વધશે.

2021માં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરના 11 મોડેલ લોન્ચ થયાં
આ વર્ષના પ્રથમ 3 મહિનામાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર સેગમેન્ટમાં 11 મોડેલ્સ લોન્ચ કરવામાં આવ્યાં છે. આમાં ઘણી લોકપ્રિય કંપનીઓના મોડેલ્સ અને કેટલાક સ્ટાર્ટઅપ્સ સામેલ છે. ગોવાના સ્ટાર્ટઅપ કબીરાએ ભારતની સૌથી ઝડપથી ચાલતી ઇ-બાઇક પણ બનાવી હતી. ઘણા મોડેલ્સ હજી લોન્ચિંગની તૈયારીમાં છે. એકંદરે આ વર્ષ ઇ-વ્હીકલ ઇન્ડસ્ટ્રી માટે વધુ સારું રહેશે.

લિથિયમ-આયન બેટરી પ્રોડક્શન માટે દેશ તૈયાર છે
કેન્દ્રીયમંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ઈ-વ્હીકલમાં ઉપયોગમાં લેવામાં આવતી લિથિયમ આયન બેટરીનું પ્રોડક્શન છ મહિનામાં ભારતમાં શરૂ થઈ જશે. આગામી સમયમાં બેટરીથી ચાલતા વાહનોના નિર્માણના મામલે દેશ પ્રથમ હશે. આપણી પાસે લિથિયમની કોઈ ઊણપ નથી.

2024-25 સુધીમાં ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરમાં અંદાજિત 12.8% વૃદ્ધિ થશે
જો ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ અસોસિએશન્સ (FADA) દ્વારા જાહેર કરવામાં આવેલા છેલ્લા 6 આંકડા જોવામાં આવે તો ઇ-વ્હીકલ સેગમેન્ટમાં સાત ગણો વૃદ્ધિ થઈ છે. પરંતુ આ આંકડાઓ ઘણા ઓછા છે. જેએમકે રિસર્ચ અને એનાલિટિક્સ અનુસાર, ટૂ-વ્હીલર માર્કેટમાં ઇલેક્ટ્રિક વાહનની ભાગેદારી 2020-21માં વધીને 0.8% થશે. તેમજ, 2024-25માં 12.8% ગ્રોથ થવાનો અંદાજ છે. ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરની માગ પર્સનલ અને બિઝનેસ બંનેમાં આવે તેવી અપેક્ષા છે.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના વિશ્લેષકોના સંશોધન સૂચવે છે કે, ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ પેટ્રોલ વાહનો કરતાં 10-20% સસ્તાં હશે. આનું મુખ્ય કારણ ચીનમાં મોટા કારખાનાઓને લીધે લિથિયમ આયન બેટરીના ભાવમાં થયેલો ઘટાડો છે.

લિથિયમ આયન બેટરીના ભાવમાં પ્રતિ કલાક કિલોવોટમાં 89% ઘટાડો થયો છે
બેટરીના ખર્ચમાં ઘટાડો ઇલેક્ટ્રિક વાહનની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. મેકિન્સેના અનુમાન મુજબ, આ સામાન્ય રીતે મટિરિયલ ઇનપુટની કિંમતના લગભગ 40% જેટલો હોય છે. બ્લુમબર્ગ NEFમાં જણાવ્યા અનુસાર, લિથિયમ-આયન બેટરી પેકના ભાવ 2010માં કિલોવોટ પ્રતિ કલાક 1100 ડોલર (આશરે 80 હજાર રૂપિયા)થી ઘટીને વર્ષ 2020માં પ્રતિ કિલોવોટ 137 ડોલર (લગભગ 10 હજાર રૂપિયા) થઈ ગયા છે. વર્ષ 2023 સુધીમાં પ્રતિ કિલોવોટ કલાકમાં 101 ડોલર (આશરે 7300 રૂપિયા) પહોંચવાની ધારણા છે.

વર્ષ 2030 સુધીમાં બેટરીના ભાવમાં મોટો ઘટાડો થશે
સરકાર ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પર ફેમ-2 યોજના દ્વારા સબસિડી આપી રહી છે. વર્ષ 2030 સુધીમાં બેટરીના ભાવ કિલોવોટ કલાકમાં 58 ડોલર (આશરે 4200 રૂપિયા) સુધી આવી શકે છે. ઉદાહરણ તરીકે,સોલિડ-સ્ટેટ બેટરી અપનાવવી. બ્લુમબર્ગ NEFએ ગયા વર્ષે જણાવ્યું હતું કે, ગત વર્ષે ઓર્ડર સાઇઝમાં ગ્રોથ, EVના વેચાણમાં ગ્રોથ અને નવી પેક ડિઝાઇનની રજૂઆતને કારણે બેટરીના ભાવ વર્ષ 2019ના સ્તરેથી 13% ઘટી ગયા છે.

ચીન પાસે ગ્લોબલ બેટરી પ્રોડક્શનનો 72.5% હિસ્સો છે
બેટરી પ્રોડક્શનમાં રોકાણ મામલે ચીનનું સ્થાન ટોચ પર છે. ઓક્સફોર્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર એનર્જી સ્ટડીઝના અભ્યાસમાં જણાવ્યા મુજબ, 181માંથી 136 મેગા ફેક્ટરીઓ પ્લાનિંગ અને બાંધકામના વિવિધ તબક્કે ચીનમાં સ્થિત છે. બેંચમાર્ક મિનરલ ઇન્ટેલિજન્સના જણાવ્યા મુજબ, ગ્લોબલ બેટરી કેપેસિટીમાં ચીનનો ફાળો 72.5% છે. આગામી 10 વર્ષમાં કુલ બેટરી ક્ષમતા અંદાજિત છ ગણી વધશે તો પણ ચીન 67% હિસ્સો જાળવી રાખશે.

ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ઉત્પાદક અને બેટરી સેલ ઉત્પાદકો વચ્ચે ભાગીદારી થઈ શકે છે. ફોક્સવેગન અને જનરલ મોટર્સે યુરોપ અને અમેરિકામાં અનુક્રમે આવું જ કર્યું છે. ભારતને આનો ફાયદો પણ થઈ શકે છે કારણ કે, રોકાણકારો હવે EV માટે ભારતીય બજાર તરફ વળી રહ્યા છે.

વધુ ચાર્જિંગ સ્ટેશન EVનો બેઝ મજબૂત બનાવશે
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોમાં વિશ્વાસ બતાવવાનું શરૂ થઈ ચૂક્યું છે. ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યામાં વધારો કરીને આ વિશ્વાસને મજબૂત કરી શકાય છે. મોકિન્સેના રિસર્ચમાં જાણવા મળ્યું છે કેસ ઇ-કોમર્સ કાફલામાં સામેલ એક EV દરરોજ 90-100 કિમી ચાલશે. જ્યારે ફૂડ ડિલીવરી કાફલામાં સમાવિષ્ટ EVs દરરોજ 120-130 કિમી સુધી ચાલશે.

કેટલાક ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સ સિંગલ ચાર્જ પર 90થી 100 કિમી રેન્જ આપવાનું વચન આપી રહ્યા છે. આવી સ્થિતિમાં, ચાર્જિંગ સ્ટેશન માટે કેટલીક વિશેષ કેટેગરીની જરૂર પડશે. ભારત સરકારે તેની ફેમ યોજના હેઠળ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવા માટે વર્ષ 2019માં 1000 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. હવે ઓલા ભારતમાં વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર ફેક્ટરી સ્થાપવા જઈ રહી છે. તેણે જણાવ્યું કે, તે આગામી પાંચ વર્ષમાં 400 શહેરોમાં 100,000 ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરશે.