હીરો મોટોકોર્પે આજે નવી બ્રાન્ડ Vida અંતર્ગત પોતાનું પહેલું ઈલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. કંપનીએ આ EV બે વેરિઅન્ટમાં લોન્ચ કર્યું છે Vida V1 Pro અને Vida V1 Plus. V1 Plusની એક્સ શો-રુમ કિંમત 1.45 લાખ રુપિયા છે તો V1 Proની કિંમત 1.59 લાખ રુપિયા રાખવામાં આવી છે. આ EV સ્કૂટરની બુકિંગ 10 ઓક્ટોબરથી શરુ થશે. Vida એક નવી ઓલ-ઇલેક્ટ્રિક બ્રાન્ડ છે, જે હીરો મોટોકોર્પ હેઠળ નવા લોગો અને ઓળખ ધરાવે છે. Vida V1 Pro અને V1 Plus બંનેની ટોપ સ્પીડ 80 કિમી પ્રતિ કલાકની રહેશે. ફાસ્ટ ચાર્જિંગ 1.2 કિમી/મિનિટનું રહેશે.
એકવાર ચાર્જ કરવા પર 165 કિમી ચાલશે
V1 Pro એ 0-40 કિલોમીટર 3.2 સેકન્ડમાં અને V1 Plus 3.4 સેકન્ડમાં કાપી લેશે. એકવાર ચાર્જ થયા પછી V1 Pro 165 કિમી અને V1 Plusને 143 કિ.મી.ની રેન્જ મળશે. તેમાં મલ્ટીપલ રાઇડિંગ મોડ્સ પણ મળશે. ઇકો, રાઇડ અને સ્પોર્ટ. બંનેમાં 7 ઇંચની ટચ સ્ક્રીન આપવામાં આવી છે. આ સાથે તેમાં કીલેસ કંટ્રોલ અને SOS એલર્ટ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. કંપનીના CEO પવન મુંજાલે ‘Vida’ નામ પાછળની આખી વાર્તા જણાવી હતી. તેમણે કહ્યું, ‘જ્યારે તે બની રહ્યું હતું, ત્યારે મેં વિચાર્યું હતું કે, તે માત્ર એક નવી પ્રોડક્ટ જ નહીં હોય. મારી વિચારધારા નવી પ્રોડક્ટ કરતાં ઘણી આગળ હતી. અઢળક નામ વિચારીને પછી એક મિત્ર સાથે જ્યારે જીવન, આબોહવા પરિવર્તનની વાત કરી રહ્યો હતો ત્યારે મારા મિત્રએ ‘Vida’ નામ સૂચવ્યું. ‘Vida’ એટલે જીવન.
એથર એનર્જી સાથે કરી ભાગીદારી
હીરો મોટોકોર્પે એથર એનર્જી સાથે ભાગીદારી કરી છે, જે તેને ચાર્જિંગ નેટવર્ક અને ઈક્વિપમેન્ટ(પાર્ટસ) ઓફર કરે છે. હીરોએ પોતાના એક ટ્વીટમાં કહ્યું, ‘હવે તમે તમારા ઈલેક્ટ્રિક સ્કૂટરને તમારા ઘર પર, પાર્કિંગમાં કે પબ્લિક ચાર્જિંગ સ્ટેશનો પર ચાર્જ કરી શકશો. ફર્સ્ટ ફેઝમાં બેંગ્લોર, દિલ્હી અને દેશના 7 અન્ય શહેરોમાં ચાર્જિંગ સ્ટેશન મળશે. આ ચાર્જિંગ સ્ટેશનમાં DC અને AC બંને પ્રકારના ચાર્જિંગની સુવિધા મળશે.
Vida સ્કૂટર પર સબસિડી મળશે
Vida V1 Pro અને V1 Plus સ્કૂટર પર સરકારની FAME-|| સબસિડી પણ મળશે. આ યોજના અંતર્ગત ગ્રાહકોને EV ખરીદતા સમયે મોટો ડિસ્કાઉન્ટ આપી શકાય છે. હીરો મોટોકોર્પ પોતાના આ સ્કૂટરની લોન્ચિંગ બે વાર ટાળી ચૂક્યું છે ત્યારે આ તહેવારની સિઝનમાં અંતે તેણે પોતાનું EV સ્કૂટર લોન્ચ કરી દીધું.
સ્કૂટર બનાવવામાં 25,000 કલાક લાગ્યા
Vidaને કંપનીના જયપુર બેઝ્ડ R&D સેન્ટર પર ડિઝાઈન અને ડેવલોપ કરવામાં આવ્યુ છે. હીરોને પોતાનું ઈલેક્ટ્રિક સ્કૂટર ડેવલોપ કરવામાં 25,000 કલાકનો સમય લાગ્યો. આ ઈ-સ્કૂટર ઓલા S-1, ટીવીએસ iQube, એથર 450X, હીરો ઈલેક્ટ્રિક ફોટોન અને બજાજ ચેતક જેવા ઈ-સ્કૂટર્સને ટકકર આપશે.
હીરો મોટોકોર્પ હીરો ઇલેક્ટ્રિક બ્રાન્ડનો ઉપયોગ કરી શકશે નહીં
હીરો મોટોકોર્પ તેના કોઈપણ ઇલેક્ટ્રિક વાહનો પર હીરો ઇલેક્ટ્રિક બ્રાન્ડનો ઉપયોગ કરી શકશે નહીં. આ અસામાન્ય પરિસ્થિતિ વર્ષ 2010થી ઊભી થઈ હતી, જ્યારે મુંજાલોએ પરિવારની માલિકીની હીરો ગ્રૂપને ચાર ભાગમાં વહેંચી દીધી હતી. પવને જ્વેલ જેવી હીરો હોન્ડા (2011માં તેનું નામ બદલીને હીરો મોટોકોર્પ કરવામાં આવ્યું હતું) રાખ્યું, જ્યારે નવીનના પરિવારને તેમની કંપની અને ઉત્પાદનો પર હીરો ઇલેક્ટ્રિકનો ઉપયોગ કરવાનો અધિકાર મળ્યો હતો.
હીરો મોટોકોર્પ માટે મોટો પડકાર
EV સેક્ટરમાં મુંજાલની સૌથી મોટી સ્પર્ધા તેમના ભત્રીજા નવીન મુંજાલ સાથે છે, જે હીરો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ નામની તદ્દન અલગ કંપની ચલાવે છે. આ કંપની માર્કેટ શેરની દ્રષ્ટિએ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સમાં ભારતની માર્કેટ લીડર છે. લગભગ એક ડઝન અલગ-અલગ વેરિઅન્ટ સાથે હીરો ઇલેક્ટ્રિકે ગયા વર્ષે 50,000થી વધુ EVનું વેચાણ કર્યું હતું. હીરો ઇલેક્ટ્રિકના ચીફ એક્ઝિક્યુટિવ સોહિંદર ગિલનું કહેવું છે કે, ‘હીરો મોટોકોર્પ જેવા મોટા ખેલાડીની એન્ટ્રીથી સાબિત થાય છે કે, એક વાસ્તવિક બદલાવ આવી રહ્યો છે અને તેનાથી બજારનો વિસ્તાર જ થશે. નવીન મુંજાલે દાવો કર્યો છે કે, ‘વર્ષ 2001માં હીરો સાયકલ્સના પરિવારના પ્રથમ ઇલેક્ટ્રિક મોડેલના નિર્માણમાં ચાલક બળ રહ્યું હતું. હીરો ઇલેક્ટ્રિક ઉપરાંત હીરો મોટોકોર્પને TVS, ઓલા સ્કૂટર, ઓકિનાવા જેવી કંપનીઓ તરફથી પણ આકરી સ્પર્ધા મળશે.
હીરો મોટોકોર્પનું ઈ-સ્કૂટર માર્કેટમાં કેવી રીતે બદલાવ લાવશે ?
હીરો મોટોકોર્પ ટુ-વ્હીલર સ્પેસમાં ખૂબ જ જાણીતું નામ છે. મારુતિ જે રીતે કારના ક્ષેત્રે હાવી છે, એવું જ કંઈક ટુ-વ્હીલર્સમાં હીરો મોટોકોર્પ છે. હીરોએ તેની પહેલી મોટરસાયકલ CD100 વર્ષ 1985માં લોન્ચ કરી હતી. તેને જાપાનની કંપની હોન્ડા સાથે સંયુક્ત સાહસમાં લોન્ચ કરવામાં આવી હતી. CD100 અને અન્ય મોડેલોની સફળતાએ હીરોને વર્ષ 2001માં વિશ્વમાં મોટરસાયકલો અને સ્કૂટર્સની સૌથી મોટી ઉત્પાદક કંપની બનવામાં મદદ કરી હતી.
ત્યારબાદ હીરો અને હોન્ડા બંને અલગ થઈ ગયા હતા તેમછતાં ભારતના ટુ-વ્હીલર માર્કેટમાં હીરોનો હિસ્સો હજી પણ 37% (યુનિટ વાઇઝ) છે, જે હોન્ડા કરતા ઘણો આગળ છે. હોન્ડા પાસે 25 ટકા માર્કેટ છે. હવે માર્કેટ બદલાઈ રહ્યું છે અને માર્કેટનું ફોકસ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ પર વધી રહ્યું છે. હીરો મોટોકોર્પ પહેલા ડઝનેક કંપનીઓએ પોતાના ઈલેક્ટ્રિક વાહનો માર્કેટમાં ઉતાર્યા છે અને તેને ટુ-વ્હીલર માર્કેટમાં આકરી સ્પર્ધા આપી રહી છે.
જો કે, હીરો નિરંતર નવા મોડલ રજૂ કરવાનો પણ ઇતિહાસ ધરાવે છે. કંપનીના ચેરમેન અને CEO પવન મુંજાલ આ પડકાર પર કહે છે, ‘મને વિશ્વાસ છે કે, હીરો મોટોકોર્પ માત્ર ફરક જ નહીં પાડે પરંતુ ઇમર્જિંગ EV માર્કેટ પર પણ પ્રભુત્વ જમાવી શકે છે. અમારી પાસે ક્ષમતા છે, અમારી પાસે તાકાત છે, અમારી પાસે EV લીડર બનવાની આર્થિક તાકાત પણ છે. EV માર્કેટમાં ભલે ડઝનેક કંપનીઓ હોય, પરંતુ તેમછતાં લોકો તેને અત્યારે અપનાવવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી.
હીરો મોટોકોર્પના ઈ-સ્કૂટરના આવવાથી લોકોનો આત્મવિશ્વાસ વધશે અને વધુ લોકો તેને અપનાવવા માટે તૈયાર થશે. હીરો મોટોકોર્પે તેના Vida સ્કૂટરને ‘નૉટ ફર્સ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર’ તરીકે સ્થાન આપ્યું છે. આના દ્વારા તે ઇલેક્ટ્રિક સ્કૂટર્સ સાથે જોડાયેલી લોકોની સુરક્ષાની ચિંતાઓને દૂર કરવા માગે છે. હીરો મોટોકોર્પની આ પોઝિશનિંગ તેને લોકોનો વિશ્વાસ જીતવામાં મદદ કરશે. આ ઇ-સ્કૂટર બજારને સંપૂર્ણપણે બદલી શકે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.