Divyabhaskar.com
Dec 03, 2019, 11:33 AM ISTઓટો ડેસ્કઃ કિઆ મોટર્સે ઇન્ડિયન માર્કેટમાં ધૂમ મચાવી દીધી છે. તેની કંપનીની પહેલી SUV કાર સેલ્ટોસ બીજા મહિને પણ વેચાણમાં ટોપ પર રહી છે. સેલ્ટોસે નવેમ્બર મહિનામાં 14,005 યૂનિટ્સ વેચ્યાં છે. આ સાથે સેલ્ટોસે હ્યુન્ડાઇ ક્રેટા, મારુતિ બ્રેઝા અને હ્યુન્ડાઇ વેન્યૂ જેવી લોકપ્રિય SUVને પછાડીને નંબર -1 પર પોતાનું સ્થાન બનાવી દીધું છે. ખાસ વાત એ છે કે સાઉથ કોરિયન કંપની કિઆ મોટર્સની આ SUVનું વેચાણ સતત વધી રહ્યું છે.
સેલ્ટોસનું વેચાણ ઓગસ્ટમાં શરૂ થયું હતું. ઓગસ્ટમાં કંપનીએ 6,236 સેલ્ટોસનું વેચાણ કર્યું હતું. ત્યારબાદ સપ્ટેમ્બરમાં વેચાણનો આંકડો 7,754 યૂનિટ રહ્યો. સપ્ટેમ્બરની તુલનામાં ઓક્ટોબરમાં સેલ્ટોસના વેચાણમાં લગભગ 65%નો વધારો થયો છે. ઓક્ટોબરમાં સેલ્ટોસના 12,854 યૂનિટ્સ વેચાઈ ગયાં. નવેમ્બરમાં વેચાણનો ગ્રોથ ચાલુ રહ્યો. નવેમ્બરમાં 14,005 કિઆ સેલ્ટોસ વેચાઈ છે.
ટૂંક સમયમાં ભાવવધારો થશે
એકબાજુ જ્યાં સેલ્ટોસનું વેચાણ વધી રહ્યું છે ત્યાં બીજીબાજુ કંપની તેની કિંમત વધારવાની તૈયારી કરી રહી છએ. અત્યારે સેલ્ટોસની કિંમત 9.69-16.99 લાખ રૂપિયા વચ્ચે છે. કંપની 1 જાન્યુઆરીથી તેની કિંમત વધારી રહી છે. કિંમતમાં વધારો તેના તમામ વેરિઅન્ટ્સમાં થશે. વધેલા ભાવો 31 ડિસેમ્બર પછી ડિલિવર થનારી તમામ સેલ્ટોસ પર લાગુ થશે. આનો અર્થ એ થયો કે જે ગ્રાહકોએ આ SUV બુક કરાવી છે પરંતુ 31 ડિસેમ્બર પછી ડિલિવરી મળશે તેમણે સેલ્ટસની નવી કિંમત ચૂકવવી પડશે.