અત્યાર સુધી આપણે ફોર વ્હીલરમાં જ બેલ્ટ સિસ્ટમ જોઈ છે. ગાડીમાં બેલ્ટ બાંધવાને કારણે ઘણા એક્સિડન્ટમાં રાઇડરનો જીવ બચી ગયો હોય એવું જોવા મળ્યું છે. તો હવે બેલ્ટ સિસ્ટમ ભવિષ્યમાં ટૂ-વ્હીલરમાં પણ આવવા જઈ રહી છે. ઇટાલિયન ડિઝાઇન અને એન્જિનિયરિંગ કંપની ઇટાલડિઝાઇને ટૂ-વ્હીલરના અકસ્માત દરમિયાન રાઇડર સલામત રહે એ માટે સ્માર્ટ સીટ બેલ્ટ સિસ્ટમની પેટન્ટ કરાવી છે. સીટ બેલ્ટ સિસ્ટમ ટૂ-વ્હીલર પર હાર્ડ-માઉન્ટેડ નથી. આ ક્રેશનો પ્રકાર નક્કી કરવા માટે ઓનબોર્ડ કોમ્પ્યૂટરનો ઉપયોગ કરે છે.
ઇટાલડિઝાઇનનું માનવું છે કે, અકસ્માત સમયે ઘણા લોકો સીટ બેલ્ટથી બચી ગયા છે. જો કે, અફસોસ એ છે કે હજી સુધી ટૂ-વ્હીલરને લઇને આ દિશામાં કોઈ કામ કરવામાં આવ્યું નથી. આ કંપનીએ ડુકાટી 860 GT, ફર્સ્ટ જનરેશન ફોક્સવેગન ગોલ્ફ, લેમ્બર્ગિની ગેલાર્ડો જેવી ઘણી ગાડીઓ ડિઝાઇન કરી છે.
ઇટાલડિઝાઇનના ટૂ-વ્હીલર સીટ બેલ્ટ પેટન્ટની ડિઝાઇન
ઇટાલડિઝાઇનની ટૂ-વ્હીલર સીટ બેલ્ટ સિસ્ટમ અકસ્માત દરમિયાન રાઇડરને સુરક્ષિત જગ્યાએ રાખવા માટે બનાવવામાં આવી છે. તેનો સૌથી મોટો કમ્પોનન્ટ શેલ જેવું બેકરેસ્ટ છે. આ બેકરેસ્ટ એક ફ્લેક્સિબલ જોઇન્ટની મદદથી ટૂ-વ્હીલર સાથે જોડાયેલું છે, જે રાઇડરને ફિક્સ ડિગ્રી પર જવા માટે મંજૂરી આપે છે. ફ્લેક્સિબલ જોઇન્ટ અને બેકરેસ્ટ વચ્ચે એક ક્વિક રિલીઝ સિસ્ટમ હોય છે, જે જરૂરી હોય તો બેકરેસ્ટ સાથે ટૂ-વ્હીલરથી રાઇડરને અલગ કરી દે છે.
એવું માનવામાં આવે છે કે, જો સામસામે અથડામણ થશે તો તે રાઇડરને તેની જગ્યાએ જ રાખશે. એટલે કે, ટૂ-વ્હીલર પરથી રાઇડરને પડતા અટકાવશે. બીજી બાજુ, જો સાઇડમાંથી અકસ્માત થાય તો આ સ્થિતિમાં રાઇડરને બેકરેસ્ટથી ડિસકનેક્ટ કરી દેશે. એટલે કે, રાઇડર ટૂ-વ્હીલરથી અલગ થઈ જવાને કારણે સુરક્ષિત થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.