જો સરકાર ઇલેક્ટ્રિક ગાડીઓ પરની ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડશે તો શક્ય છે કે તમે ટૂંક સમયમાં ટેસ્લા જેવી મોટી વિદેશી ઇલેક્ટ્રિક કાર ઝડપથી તમારી આસપાસ જોઈ શકશો. સરકાર 40 હજાર ડોલરથી ઓછી કિંમતની ઇલેક્ટ્રિક ગાડીઓને વિદેશથી મગાવવા પર લાગતો ટેક્સ 60%થી ઘટાડીને 40% કરવા પર વિચાર કરી રહી છે.
મોંઘી ગાડીઓની ઇમ્પોર્ટ ડ્યૂટી 100%થી ઘટાડીને 60% કરવામાં આવી શકે છે
સરકારી ઓફિસર્સે રોયટર્ને જણાવ્યું કે આ જ રીતે જે ગાડીઓની કિંમત (કિંમત, વીમા અને ભાડાં સહિત) 40,000 ડોલરથી વધુ હશે તેની પર લાગતી ઇમ્પોર્ટ ડ્યૂટી 100%થી ઘટાડીને 60% કરવામાં આવી શકે છે. જો કે, હજી સુધી કોઈ નિર્ણય નથી લેવાયો. વિચારણા ચાલી રહી છે. થોડા દિવસો પહેલા ટેસ્લાએ ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરવાની અપીલ કરી હતી.
દેશમાં ઇલેક્ટ્રિક ગાડીઓનું વેચાણ બહુ ઓછું થાય છે
ભારત વિશ્વનું પાંચમું સૌથી મોટું ઓટો માર્કેટ છે. અહીં દર વર્ષે લગભગ 30 લાખ ગાડીઓ વેચાય છે. આમાંથી મોટાભાગની કિંમત 20 હજાર ડોલરથી ઓછી છે. ઇન્ડસ્ટ્રીના અંદાજ મુજબ, દેશમાં ઇલેક્ટ્રિક ગાડીઓનું વેચાણ ગાડીઓની કુલ વેચાણની સરખામણીમાં કંઈ નથી. લક્ઝરી ઇલેક્ટ્રિક વાહનો અહીં બહુ ઓછી વેચાય છે.
40% ઇમ્પોર્ટ ડ્યૂટી કરવાથી ઇલેક્ટ્રિક ગાડીઓ સસ્તી થશે
ટેસ્લાની વાત કરીએ તો તેણે તાજેતરમાં જ કહ્યું હતું કે ઇલેક્ટ્રિક ગાડીઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધારીને 40% કરવાથી તેની ગાડીઓ સસ્તી થશે અને તેનું વેચાણ વધશે. પરંતુ લોકલ ઓટોમોબાઈલ કંપનીઓમાં એવા પ્રશ્નો ઉઠવા લાગ્યા કે શું સરકાર દ્વારા આવું કરવાથી ગાડીઓના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની વિચારસરણીની વિરુદ્ધ તો નહીં હોય ને.
નાણાં અને વાણિજ્ય મંત્રાલય ઉપરાંત નીતિ આયોગ આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે
એક સરકારી અધિકારીએ કહ્યું કે આ વિચાર માત્ર ઇલેક્ટ્રિક ગાડીઓ પર જ ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડવાનો છે. તેથી, પેટ્રોલ અને ડીઝલ વાહનોનું ઉત્પાદન કરતી સ્થાનિક ઓટોમોબાઈલ કંપનીઓએ ચિંતા કરવાની જરૂર નથી. નાણાં અને વાણિજ્ય મંત્રાલયો ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થિંક ટેંક નીતિ આયોગ આ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે.
જો લોકલ કંપનીઓને લાભ મળે તો સરકાર ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી શકે છે
એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, જો દેશમાં ટેસ્લા જેવી કંપનીઓની ગાડીઓની એન્ટ્રીથી લોકલ કંપનીઓને થોડો ફાયદો મળે છે જેમ કે, તેમને ઇલેક્ટ્રિક વાહનોનું લોકલ પ્રોડક્શન શરૂ કરવામાં અથવા તેના માટે સમય મર્યાદા નક્કી કરવામાં મદદ મળે તો સરકાર ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કરી શકે છે.
જો ઇમ્પોર્ટેડ ગાડીઓનો બિઝનેસ ચાલ્યો તો ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપશે
ટેસ્લાના CEO ઇલોન મસ્કે ગયા મહિને એક ટ્વીટમાં કહ્યું હતું કે, જો ભારતમાં તેની ઇમ્પોર્ટેડ ગાડીઓનો બિઝનેસ ચાલી ગયો તો કંપની ભારતમાં ફેક્ટરી સ્થાપવા પર વિચાર કરી શકે છે. તેમણે કહ્યું હતું કે અત્યારે ભારતમાં ઇલેક્ટ્રિક ગાડીઓ પર ઇમ્પોર્ટ ડ્યૂટી બહુ વધારે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.