શાઓમી તેનું પહેલુ ઇલેક્ટ્રિક વાહન (EV)ને વિશ્વ સમક્ષ રજૂ કરવાની તૈયારીમાં છે અને આ ચાઇનીઝ ઇલેક્ટ્રોનિક્સ જાયન્ટે જાહેરાત પણ કરી છે કે, તે એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં એક EV કારનું ઉત્પાદન શરૂ કરશે. શાઓમીની આ ev કારને મોડેના નામ આપવામાં આવ્યુ છે. આ સિવાય તેને MS11 કોડનેમ પણ આપવામાં આવ્યું છે. તે લૂકમાં McLaren 720S જેવી જ લાગે છે. શાઓમીની આ કાર ઈલોન મસ્કની ટેસ્લાનાં મોડેલ S સાથે ટકરાશે એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.
‘હું મારો રોજનો અડધો દિવસ આ કાર પ્રોજેક્ટ પર કામ કરવામાં વિતાવું છું’ - લેઈ જુન
શાઓમી કંપનીનાં સ્થાપક CEO લેઈ જુને તાજેતરમાં જણાવ્યું હતું કે, મોડેનાનાં શિયાળા સત્ર દરમિયાનનાં તમામ પરીક્ષણો સંપૂર્ણપણે સફળ રહ્યા છે અને તેઓ અપેક્ષા રાખે છે કે, આ મોડેલ વર્ષનાં પહેલા છમાસિક ગાળામાં ગમે તે સમયે લોન્ચ થશે. લેઈ જુને આ ev વિશે વાત કરતા આગળ જણાવ્યું હતું કે, ‘હું મારો રોજનો અડધો દિવસ આ કાર પ્રોજેક્ટ પર કામ કરવામાં વિતાવું છું. અમારી આ પ્રથમ ev સાથેની અમારી અપેક્ષાઓ વધી ગઈ છે અને તેના મોટાપાયે ઉત્પાદનનો તબક્કો હવે દૂર નથી.’
શાઓમી ઉપરાંત, સોની અને એપલ બંને પણ પોતપોતાની ઇલેક્ટ્રિક કાર પર કામ કરી રહ્યા છે. જો કે, શાઓમી પોતાની ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરનારી પહેલી ગ્લોબલ ટેક દિગ્ગજ કંપની બની શકે છે.
શાઓમી મોડેના: ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ
(1) ચાર દરવાજાવાળી આ સેડાન, મોડેનામાં વ્હીલ્સની વચ્ચે ‘શાઓમી’ લોગો આપવામાં આવ્યો છે. એક મોટી વિન્ડશિલ્ડ છે, જેમાં વિન્ડશિલ્ડની ટોચ પર LiDAR સેન્સર છે.
(2) MS11ની આગળની બાજુએ LED લાઇટ્સ ત્રિશૂળનો આકાર દર્શાવે છે. વાહનમાં પેનોરેમિક સનરૂફ પણ આવે છે જે પાછળની તરફ વિસ્તરે છે.
(3) આ EV સ્વ-વિકસિત ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત હશે, જેમાં ચાઇનીઝ કંપનીઓ CATL અને BYD દ્વારા પૂરી પાડવામાં આવતી બેટરીઓ હશે. આ ઉપરાંત તેમાં 260 કિલોવોટ પાવર સાથે 800 વોલ્ટની સિસ્ટમ હોવાની શક્યતા છે.
(4) લાંબા સમયથી શાઓમીએ દાવો કર્યો છે કે, મોડના સિંગલ ચાર્જ પર 1,000 કિલોમીટર સુધી જવા માટે સક્ષમ છે. જો કે, તે જોવાનું બાકી છે કે આ સ્માર્ટફોન ઉત્પાદક તે આંકડાને લોન્ચિંગ સમયે વળગી રહે છે કે નહીં. (5) આ કારનું ઉત્પાદન બેઇજિંગમાં કંપનીની પોતાની સુવિધામાં કરવામાં આવે છે. આગામી મોડેલો માટે એક અલગ પ્લાન્ટ સ્થાપવાની યોજના છે. આ બીજી ફેક્ટરીમાં વાર્ષિક આશરે ૩ લાખ એકમોનું ઉત્પાદન થવાની ધારણા છે.
ગયા વર્ષ સુધીમાં આ પ્રોજેક્ટમાં 3 બિલિયન યુઆન કરતાં વધુનું રોકાણ કર્યું
ગયા વર્ષ સુધીમાં શાઓમીએ તેના ઓટોમોટિવ ડિવિઝનમાં 3 બિલિયન યુઆન (આશરે $433 મિલિયનમાં રૂપાંતરિત) કરતાં વધુનું રોકાણ કર્યું છે, જેમાં 2,300 થી વધુ લોકો સંશોધન અને વિકાસમાં કાર્યરત છે. તેણે ચીનની રાજધાની બેઇજિંગમાં પોતાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બનાવી છે. આગામી મોડલ્સનું ઉત્પાદન કરવા માટે એક અલગ સુવિધા સુયોજિત કરવાની પણ યોજના છે. તે પહેલુ મોડલ 2024 સુધીમાં એસેમ્બલી લાઇનમાંથી બહાર નીકળી જવાની અને મોટા પ્રમાણમાં ઉત્પાદન મેળવવાની અપેક્ષા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.