આજથી ટાટાની ગાડીઓ થઇ મોંઘી:કંપનીએ કિંમતોમાં 0.90%નો વધારો કર્યો, આ વર્ષે ચોથી વાર ભાવ વધતા ગ્રાહકોને ખિસ્સા પર પડશે ભાર

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાટા મોટર્સની ગાડીઓના કિંમતમાં ફરી વધારો થયો છે. કંપનીએ જણાવ્યું કે, ટાટા મોટર્સની પેસેન્જર વ્હીકલની કિંમતોમાં 0.90%નો વધારોકરવામાં આવ્યો છે. આ વધેલા ભાવનો અમલ આજથી શરૂ કરી દેવામાં આવ્યો છે. ટાટાનાં પેસેન્જર વ્હીકલ સેગ્મેન્ટમાં સફારી, હેરિયર, અલ્ટ્રોઝ, નેક્સન, ટિયાગો અને ટિગોર જેવી કારનો સમાવેશ થાય છે. આ વર્ષમાં ચોથીવાર ટાટાની ગાડીઓનાં ભાવમાં વધારો થયો છે.

વેરિઅન્ટ અને મોડલ મુજબ ભાવમાં વધારો થશે
ટાટા મોટર્સ મુજબ તેના પેસેન્જર વ્હીકલ્સની કિંમતોમાં અંદાજે 0.90%નો વધારો જોવા મળ્યો છે. જો કે, કિંમતોમાં કેટલો વધારો થશે તે વેરિઅન્ટ અને મોડલ મુજબ નક્કી થશે.

છેલ્લે જુલાઈમાં કર્યો હતો ભાવ વધારો
ટાટા મોટર્સે અગાઉ જુલાઈમાં ખર્ચમાં વધારો થવાને કારણે કિંમતોમાં વધારો કર્યો હતો. કંપનીએ જુલાઈમાં પેસેન્જર વાહનોનાં ભાવમાં 0.55 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પહેલાં એપ્રિલમાં કિંમતોમાં લગભગ 1.1 ટકાનો વધારો થયો હતો. ફક્ત એટલું જ નહીં આ પહેલા જાન્યુઆરી 2022માં કંપનીએ અલગ-અલગ મોડલ અને વેરિએન્ટનાં આધારે 0.9 ટકાનો વધારો કર્યો હતો. તે સમયે પણ ઇનપુટ કોસ્ટ વધવાના કારણે કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો.

ઓક્ટોબરમાં ગાડીઓના વેચાણમાં 15.49%નો વધારો
ઓક્ટોબર 2022 મા, ટાટા મોટર્સનું કુલ વેચાણ વાર્ષિક ધોરણે 15.49% વધીને 78,335 યુનિટ થયું હતું. કંપનીએ એક વર્ષ અગાઉનાં સમયગાળામાં 67,829 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. ટાટા મોટર્સનું કુલ સ્થાનિક વેચાણ ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે 17 ટકા વધીને 76,537 યુનિટ થયું છે. જે 2021ના ઓક્ટોબરમાં 65,151 યુનિટ હતું.

ઓક્ટોબર 2022માં, ટાટા મોટર્સે સ્થાનિક બજારમાં ઇલેક્ટ્રિક વાહનો સહિત કુલ 45,423 પેસેન્જર વાહનોનું વેચાણ કર્યું હતું. ઓક્ટોબર 2021માં કંપનીએ સ્થાનિક બજારમાં કુલ 34,155 પેસેન્જર વાહનો વેચ્યા હતા.

હાલમાં જ કંપનીએ સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી
ટાટા મોટર્સે તેની લોકપ્રિય હેચબેક ટાટા ટિયાગોનું EV વેરિઅન્ટ સપ્ટેમ્બરનાં અંતમાં લોન્ચ કર્યું હતું. તેની શરૂઆતી કિંમત 8.49 લાખ રૂપિયા છે. તે દેશની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. આ EVને સિંગલ ચાર્જમાં 315 કિમીની રેન્જ મળશે.