હાલ તો પેટ્રોલના ભાવે સદી ફટકારી દીધી છે. પેટ્રોલનો ભાવ 108 રૂપિયા સુધી પહોંચી ગયો છે. પરંતુ આવનાર સમયમાં ફ્યુઅલ 60-62 રૂપિયામાં મળી શકે છે. પેટ્રોલ-ડીઝલ વાહનોથી થતા વાયુ પ્રદૂષણને રોકવા અને ઈંધણના ભાવને ઘટાડવા માટે વિશ્વભરની સરકારો ઈથેનોલ મિશ્રિત ઈંધણ પર કામ કરી રહી છે. ભારતમાં પણ ઇથેનોલને પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. જો વાહનોમાં ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવશે તો વાહનોની માઈલેજમાં પણ વધારો થશે.
આપણ દેશમાં 2008માં 5% ઇથેનોલનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો, જે હવે 10% સુધી પહોંચી ગયો છે. તો બીજી તરફ સરકાર નેશનલ બાયો ફ્યુઅલ પોલિસી લાગુ કરીને 22મી એપ્રિલથી E-20 (20% ઇથેનોલ + 80% પેટ્રોલ)થી E-80 (80% ઇથેનોલ + 20% પેટ્રોલ) પર જવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. આવનારા એપ્રિલથી માત્ર ફ્લેક્સ ફ્યુઅલ કમ્પ્લાયન્ટ વાહનોનું જ વેચાણ કરવામાં આવશે. તો આ સાથે જૂનાં વાહનોને ઇથેનોલ કમ્પ્લાયન્ટ વાહનોમાં બદલી શકાય છે.
હાલમાં ગ્રેટર નોઇડામાં ચાલી રહેલા ઓટો એક્સપોમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, 'હું 2004થી ફ્લેક્સ ફ્યુઅલનું સપનું જોઈ રહ્યો છું'. વધુમાં નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, બ્રાઝિલ પહેલેથી જ ફ્લેક્સ ફ્યુઅલ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. ઓટો એક્સપો 2023માં ઇથેનોલ પેવેલિયનની સ્થાપના કરવામાં આવી છે. અહીં ફ્લેક્સ ફ્યુઅલ પર ચાલતાં ભાવિ વાહનોની ઝલક પણ જોવા મળી હતી.
આવો જાણીએ ઈથેનોલ પર ચાલતાં વાહનો વિશે...
શું હોય છે ઇથેનોલ?
સામાન્ય રીતે જોવા જઈએ તો ઇથેનોલ એક પ્રકારનું આલ્કોહોલ જ છે જે સ્ટાર્ચ અને ખાંડના આથામાંથી બનાવવામાં આવે છે અને પેટ્રોલમાં મિક્સ કરવામાં આવે છે. વાહનોમાં ઇકો-ફ્રેન્ડલી ઇંધણ તરીકે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. ઇથેનોલ મુખ્યત્વે શેરડીના રસમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ ઇથેનોલ સ્ટાર્ચ ધરાવતી સામગ્રી જેમ કે મકાઈ, સડેલા બટાકા, કસાવા અને સડેલા શાકભાજીમાંથી પણ બનાવી શકાય છે.
1G ઇથેનોલ : ફર્સ્ટ જનરેશન ઇથેનોલ શેરડીનના રસ, બીટ, સડેલા બટાકા, જુવાર અને મકાઈમાંથી બનાવવામાં આવે છે.
2G ઇથેનોલ : સેકન્ડ જનરેશન ઇથેનોલ સેલ્યુલોઝ અને લિગ્નોસેલ્યુલોઝિક સામગ્રી જેમ કે ચોખાનું ભૂસું, ઘઉંના ભૂસુલા, કોર્નકોબ, વાંસ અને વુડી બાયોમાસમાંથી બનાવવામાં આવે છે.
3G ઇથેનોલ : થર્ડ જનરેશન બાયોફ્યુઅલ એલગીમાંથી બનાવવામાં આવશે. હાલ એના પર કામ ચાલી રહ્યું છે.
ઇથેનોલથી શું ફાયદો થાય છે?
જો પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવે તો પેટ્રોલના ઉપયોગથી થતાં પ્રદૂષણને ઘટાડવામાં મદદ થાય છે. તેથી વાહનો 35% ઓછા કાર્બન મોનોક્સાઇડનું ઉત્સર્જન કરે છે. ઇથેનોલ સલ્ફર ડાયોક્સાઇડ અને હાઇડ્રોકાર્બનના ઉત્સર્જનને પણ ઘટાડે છે.
ઇથેનોલમાં 35% ઓક્સિજનને કારણે આ ઇંધણ નાઇટ્રોજન ઓક્સાઇડના ઉત્સર્જનને પણ ઘટાડે છે. આ જ કારણ છે કે, 63 હજાર ગાડી દર વર્ષે કાર્બન જેટલું ઉત્સર્જન કરે છે. તેટલા કાર્બન રેડિયેશન એટલે કે લગભગ 320 કિલોમીટર ટન બચાવે છે.
સામાન્ય માણસને શું ફાયદો થશે?
ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ પર ચાલતી કાર પેટ્રોલની સરખામણીએ ઘણી ઓછી ગરમી થાય છે. ઇથેનોલમાં આલ્કોહોલ ઝડપથી બાષ્પીભવન થાય છે, જેના કારણે એન્જિન ઝડપથી ગરમ થતું નથી. આ સિવાય તે ક્રૂડ ઓઈલ કરતાં ઘણું સસ્તું હશે. તેનાથી મોંઘવારીમાંથી પણ રાહત મળવાની આશા છે.
ખેડૂતોને થશે અઢળક ફાયદો
જો ઇથેનોલનો ઉપયોગ વધારવામાં આવે તો ખેડૂતોની આવકમાં પણ વધારો થશે. કારણ કે ઈથેનોલ શેરડી, મકાઈ અને અન્ય ઘણા પાકોમાંથી બનાવવામાં આવે છે. સુગર મિલોને આવકનો નવો સ્ત્રોત મળશે અને તેમની આવકમાં વધારો થશે. ઇથેનોલથી ખેડૂતોને 21 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થઇ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.