ટેસ્લાની એન્ટ્રી પર મસ્કનું ટ્વિટ:પહેલાં ટેસ્લાની કાર વેચવામાં આવશે પછી પ્લાન્ટ, ટેસ્લા અને સરકાર પોતાની શરતોને વળગી રહી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતમાં ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના ભવિષ્યને લઈને ચાલી રહેલી મૂંઝવણ હજુ સુધી દૂર થઈ નથી. ટેસ્લાના માલિક ઈલોન મસ્કે એક ટ્વીટ દ્વારા ટેસ્લાના ભારતમાં ઉત્પાદન પર પોતાની શરત જણાવી છે. તેમના આ ટ્વિટથી ખબર પડે છે કે, તે ભારતમાં પહેલાં ટેસ્લાની ગાડીઓ વેચવા માંગે છે, તે પછી જ તે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા પર વિચાર કરશે.

પહેલા કાર વેચવા દો પછી પ્લાન્ટ લગાવીશું
ઇલેક્ટ્રિક કાર બનાવતી ટેસ્લા કંપનીના માલિક ઈલોન મસ્કે ફરી એકવાર ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવાની જરૂરિયાતનો પુનરોચ્ચાર કર્યો છે. ટ્વિટર પર એક પોસ્ટનો જવાબ આપતાં તેમણે કહ્યું, "ટેસ્લા એવા સ્થળે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે નહીં જ્યાં તેની પાસે પહેલેથી જ કાર વેચવાની અને સર્વિસ કરવાની મંજૂરી નથી. " ઈલોન મસ્કનો આ જવાબ ત્યારે આવ્યો જ્યારે ટ્વિટર યુઝર મધુ સુધન વીએ પૂછ્યું કે ટેસ્લાનું શું? શું ટેસ્લા ભવિષ્યમાં ભારતમાં પ્લાન્ટ બનાવી રહી છે?

સ્ટારલિંક પર મંજૂરીની રાહ જોઈ રહ્યા છે
અન્ય એક યુઝર પ્રણય પેથોલે ઈલોન મસ્કને ભારતમાં સ્ટારલિંકનો ઉપયોગ કરવાની મંજૂરી અંગેના અપડેટ વિશે પણ પૂછ્યું હતું, જેના જવાબમાં મસ્કે કહ્યું હતું કે, તે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે.

ઈલોન મસ્કના ટ્વીટ પર ઓલા ઇલેક્ટ્રિકના CEOનો જવાબ
ઓલા ઇલેક્ટ્રિકના ભાવિશ અગ્રવાલે પણ મસ્કના ટ્વીટનો જવાબ આપ્યો હતો, તેમણે ટ્વીટનો જવાબ આપતાં લખ્યું હતું કે- "થૈંક્સ, બટ નો થૈંક્સ."

ચીનથી ગાડીઓ આયાત કરીને ભારતમાં વેચવી યોગ્ય નથી
ગયા મહિને કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, જો ટેસ્લા ભારતમાં પોતાના ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન કરશે તો કંપનીને પણ તેનો લાભ મળશે. આ પહેલાં 26 એપ્રિલના રોજ ગડકરીએ કહ્યું હતું કે, જો ટેસ્લા ભારતમાં પોતાના ઇવીનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે તો કોઈ સમસ્યા નથી, પરંતુ કંપની માટે ચીનથી કારની આયાત કરવી અને તેને ભારતમાં વેચવી યોગ્ય નથી. જો ઈલોન મસ્ક ભારતમાં કાર બનાવવા માટે તૈયાર છે તો પછી કોઈ સમસ્યા નથી... ભારત આવો, કાર બનાવવાનું શરૂ કરો, ભારત એક મોટું બજાર છે, તે ભારતમાંથી કારની નિકાસ પણ કરી શકે છે. તેમણે રાયસીના ડાયલોગમાં આ વાત કહી હતી.

ટેસ્લા કારની આયાત પર 31 લાખ રૂપિયાનો ટેક્સ
ગયા વર્ષે હેવી ઈન્ડસ્ટ્રી મંત્રાલયે ટેસ્લાને કહ્યું હતું કે, તે પહેલાં ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન શરૂ કરે, ત્યારબાદ કોઈપણ પ્રકારની કરમુક્તિ પર વિચાર કરવામાં આવશે. હાલમાં ભારતમાં ટેસ્લા કાર આયાત કરવા પર 40,000 ડોલર એટલે કે 60-100 ટકા સુધીનો ટેક્સ લાગે છે. આ ટેક્સ કારના એન્જિન સાઇઝ, કોસ્ટ, ઇન્શ્યોરન્સ અને ફ્રેઇટ પર નક્કી કરવામાં આવે છે.