ગુડ ન્યૂઝ:ટેસ્લાને 4 મોડેલ બનાવવાની અથવા ઇમ્પોર્ટ કરવાની મંજૂરી મળી ગઈ, ઇમ્પોર્ટ ડ્યૂટીમાં આંશિક ઘટાડો કરવાનો લાભ મળી શકે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતના લોકોએ ટેસ્લાની ગાડીઓ અત્યાર સુધી માત્ર વીડિયોમાં અને ફોટોમાં જ જોઈ છે. તેની આઇકેચિંગ ડિઝાઇન અને પાવરફુલ બેટરી પર્ફોર્મન્સના આપણે સૌ કોઈ દીવાના છીએ. અત્યાર સુધી આ લક્ઝરી કાર ભારતના રસ્તા પર દોડતી જોવા મળશે એ એક દીવાસ્વપ્ન જ હતું. પરંતુ હવે આ સપનું પૂરું થવા જઈ રહ્યું છે. તમે ટૂંક સમયમાં જ ભારતના રસ્તા પર ટેસ્લા કારને દોડતી જોઈ જોઈ શકશો. કંપનીને દેશમાં જ ઇલેક્ટ્રિક ગાડીઓના ચાર મોડેલનું પ્રોડક્શન અથવા તેને ઇમ્પોર્ટ કરવાની મંજૂરી મળી ગઈ છે. એ ગાડીઓ અહીંના રસ્તાઓ પર ચાલવા માટે સક્ષમ હોવાનું સર્ટિફિકેટ પણ મળી ગયું છે. આને લગતી માહિતી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ટેસ્લાને કસ્ટમ ડ્યૂટીમાં આંશિક ઘટાડાથી રાહત મળી શકે છે
એવા પણ સમાચાર છે કે સરકાર ટેસ્લાને કસ્ટમ ડ્યૂટીમાં આંશિક ઘટાડો કરવા માટે રાહત આપી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ માટે તેણે કંપની પાસેથી ભારતમાં રોકાણ કરવાની તેની યોજનાઓ વિશે વિગતો માગી છે. તેમણે જણાવ્યું કે, સંબંધિત મંત્રાલયો કંપનીની માગ પર વિચાર કરી રહ્યા છે અને કંપનીનો પ્લાન મળ્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ટેસ્લાના મોડેલ અહીંના રસ્તાઓ પર દોડવા સક્ષમ
માર્ગ અને પરિવહન મંત્રાલયની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર, 'ટેસ્ટિંગ બાદ સુનિશ્ચિત થઈ ગયું છે કે ટેસ્લાની ગાડીઓ ભારતીય બજાર માટે યોગ્ય છે. તે એમિશન અને સેફ્ટી નોર્મ્સને પૂર્ણ કરે છે. તે અહીંના રસ્તાઓ પણ દોડવામાં સક્ષમ છે.' એક ટેસ્લા ફેન ક્લબે તાજેતરમાં જ આ અંગે ટ્વીટ કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે, મોડેલ 3 અને મોડેલ Y વેરિએન્ટ ભારતમાં આવી શકે છે.

સૌથી સસ્તાં મોડેલ 3નો ભાવ અમેરિકામાં 40,000 ડોલર
ટેસ્લાની સૌથી સસ્તી કાર મોડેલ 3ની કિંમત અમેરિકામાં 40,000 ડોલર છે. તે ફુલ ચાર્જ થયા બાદ 263 કિમી સુધીનું અંતર કાપી શકે છે. તેમાં પાંચ લોકો બેસી શકે છે. ટોપ સ્પીડ 140 kmph છે. આ કાર માત્ર 5.3 સેકન્ડમાં 60 માઇલ પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.

મોડેલ Y એ 7 સીટર કાર છે. તેનો ભાવ અમેરિકામાં 54,000 ડોલર છે. આ એકવાર ચાર્જ થઈ જાય એટલે 326 કિમી સુધી જઈ શકે છે. તેની ટોપ સ્પીડ કલાક દીઠ 135 કિમી છે. તે ફક્ત 4.8 સેકંડમાં કલાક દીઠ 60 માઇલની સ્પીડ પર પહોંચી શકે છે.

ટેસ્લા માટે ભારતમાં બિઝનેસ સ્થાપવો રહેશે પડકારજનક
ટેસ્લા માટે ઇન્ડિયન માર્કેટમાં પોતાનો બિઝનેસ સ્થાપવો અને માર્કેટમાં પોતાની પકડ જાળવી રાખવી સરળ નહીં રહે. તેના ઘણા કારણો છે - પહેલું એ કે અહીં દર વર્ષે વેચવામાં આવતા વાહનોમાંથી માત્ર 1% જ ઇલેક્ટ્રિક છે. બીજું, ટેસ્લાની ઇલેક્ટ્રિક ગાડીઓ બહુ મોંઘી છે. ત્રીજું, અહીં ચાર્જિંગની સુવિધા ઓછી છે. ચોથું, અહીં ઇમ્પોર્ટેડ ગાડીઓ પર ભારે ટેક્સ લાગે છે.

ઇમ્પોર્ટેડ ગાડીઓનું ટેસ્ટિંગ, સફળતા મળશે તો ફેક્ટરી સ્થપાશે
ટેસ્લાના CEO ઇલોન મસ્કે ગયા મહિને ટ્વીટ કર્યું હતું કે ભારતમાં ઇમ્પોર્ટ ડ્યૂટી બહુ વધારે છે. કરની દૃષ્ટિએ અહીં ઇલેક્ટ્રિક વાહનોને ડીઝલ અને પેટ્રોલ વાહનોની સમકક્ષ ગણવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો તેમને ઇમ્પોર્ટેડ ગાડીઓ સાથે વ્યવસાય સ્થાપવામાં સફળતા મળશે તો તે અહીંયા પોતાની ફેક્ટરી પણ સ્થાપશે.

ટેસ્લા ઈચ્છે છે કે તેની ગાડીઓને લક્ઝરી નહીં પણ EV માનવામાં આવે
ટેસ્લા સંપૂર્ણપણે એસેમ્બલ ગાડીઓ પર લાગતી ઇમ્પોર્ટ ડ્યૂટી ઘટાડીને 40% કરવાની માગ કરી રહી છે. અહીં, 40,000 ડોલર કરતાં સસ્તી ગાડીઓ પર 60% અને 40,000થી વધુ કિંમત ધરાવતી ગાડીઓ પર 100% ઇમ્પોર્ટ ડ્યૂટી લાગે છે. કંપની ઇચ્છે છે કે તેની ગાડીઓને લક્ઝુરિયસ ગાડી નહીં પણ એક ઇલેક્ટ્રિક ગાડી જ ગણવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...