વિશ્વભરમાં ઈલેક્ટ્રિક કારોની માગ દિન-પ્રતિદિન વધતી જઈ રહી છે પરંતુ, ભારતમાં ઈલેક્ટ્રિક કારોની ખરીદીની સંખ્યા ખૂબ જ ઓછી છે. દેશમાં અનેક લોકોનાં મગજમાં એ વાત ઘર કરી ગઈ છે કે, તમે ઈલેક્ટ્રિક કારમાં લાંબા ગાળાની યાત્રા કરી શકો નહી. આ જ કારણોસર ગ્રાહકો હજુ પણ ઈલેક્ટ્રિક કારની ખરીદી કરવામાં ખચકાય છે. જો કે, દેશની સૌથી વધુ વેચાતી ઈલેક્ટ્રિક કાર ટાટા નેક્સોન ઈવીએ લોકોનાં આ ભ્રમને દૂર કર્યો છે અને એક નવો રેકોર્ડ સર્જ્યો છે.
‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ’માં નામ નોંધાવ્યુ
ટાટા મોટર્સે હાલમાં જ જણાવ્યું કે, ‘તેની ઈલેક્ટ્રિક SUV Nexon EV એ શ્રીનગરથી કન્યાકુમારી સુધી પહોંચીને એક નવો રેકોર્ડ સર્જ્યો છે. વિશેષ વાત તો એ છે કે, તેણે ફક્ત 95 કલાક 46 મિનિટમાં 4003 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે એટલે કે આ કાર એક દિવસમાં 1000 કિમીનું અંતર કાપી ચૂકી છે. હાલ આ કારનું નામ ‘ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ’માં નામ નોંધાવ્યુ છે. ટાટા નેક્સન પોતાના નામે પહેલા જ એક મોટી સિદ્ધિ નોંધાવી ચૂકી છે. આ કાર લદ્દાખનાં ‘ઉમલિંગ લા દર્રે’ પર સફળતાપૂર્વક પહોંચી ગઈ છે. તે વિશ્વનો સૌથી ઉંચો મોટરેબલ માર્ગ છે. જે સમુદ્રની સપાટીથી 19,024 ફૂટ ઉંચાઇ પર છે.
કારની રેન્જ શું છે?
ટાટા નેક્સન ઇવીની આ યાત્રા ફક્ત 453 કિ.મી.ની રેન્જ અને દેશભરનાં હાઇવે પર ટાટા પાવર દ્વારા બનાવવામાં આવેલા ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા જ સફળ રહી હતી. આ યાત્રા દરમિયાન નેક્સોન ઇવી દેશનાં ઘણા રાજ્યોમાંથી પસાર થઇ હતી. આ સમગ્ર યાત્રા દરમિયાન નેક્સને લગભગ 300 કિલોમીટરની રેન્જ આપી છે. તમને જણાવી દઈએ કે, ટાટા નેક્સન ઇવી દેશની સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર છે. દર વર્ષે કારનાં હજારો યુનિટ વેચાઇ રહ્યા છે. તે રેન્જના આધારે 2 મોડેલોમાં ઉપલબ્ધ છે.
જાણો શું છે કિંમત?
નેક્સન ઇવી પ્રાઇમની કિંમત હવે 14.49 લાખ રૂપિયાથી 16.99 લાખ રૂપિયાની વચ્ચે છે. તે જ સમયે ટાટા નેક્સન ઇવી મેક્સની કિંમત 17.51 લાખ રૂપિયાથી વધીને 21.22 લાખ રૂપિયા થઈ જાય છે. નેક્સન ઇવી મેક્સમાં 40.5kWh બેટરી પેક છે જે 141bhp અને 250Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ મોડલ સિંગલ ચાર્જ પર 437 કિલોમીટર સુધી ચાલી શકે છે. આ સિવાય આ કાર 9 સેકન્ડથી પણ ઓછા સમયમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે. તેની ટોપ સ્પીડ 140 કિમી પ્રતિ કલાકની છે. આ ઉપરાંત તેમાં 7.2kW ફાસ્ટ ચાર્જર આપવામાં આવ્યું છે, જે 6.5 કલાકમાં બેટરીને 0 થી 100 ટકા સુધી ચાર્જ કરી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.