મેગા પ્લાન:ટાટા મોટર્સ 4 વર્ષમાં 10 નવી ઇલેક્ટ્રિક ગાડીઓ લાવશે, હાલ નેક્સન EV દેશની સૌથી વધુ વેચાનારી કાર

4 મહિનો પહેલા

દેશના ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટમાં ઝડપથી વિકસી રહેલી ટાટા તેના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવાની તૈયારી કરી રહી છે. કંપની આગામી 4 વર્ષમાં 10 બેટરી ઇલેક્ટ્રિક વ્હીકલ લાવવાની યોજના બનાવી રહી છે. ટાટા મોટર્સના 76મા વાર્ષિક રિપોર્ટમાં શેરહોલ્ડર્સને સંબોધતા ચેરમેન એન.ચંદ્રશેખરને કહ્યું કે, ભારતમાં અમારા પોર્ટફોલિયોમાં ઇલેક્ટ્રિક વાહનો (EV)ની પહોંચ હવે આ વર્ષે બમણી થઇને 2% થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે, અમે આગામી વર્ષોમાં ઝડપી વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. ટાટા મોટર્સ ઇન્ડિયન માર્કેટમાં આ પરિવર્તન તરફ દોરી જશે. વર્ષ 2025 સુધીમાં ટાટા મોટર્સ પાસે 10 નવાં BEV વ્હીકલ હશે. બીજી એક EVને બે બ્રિટિશ લક્ઝરી ઓટોમેકર્સ, જગુઆર અને લેન્ડ રોવર સાથે સ્પર્ધા કરવા માટે પ્રોગ્રામ કરવામાં આવશે. ટાટા ગ્રુપ ભારતમાં અને બહાર સેલ અને બેટરીના પ્રોડક્શનમાં ભાગીદારીની શોધખોળ ઉપરાંત ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપવામાં પણ રોકાણ કરશે.

ટાટા નેક્સન સૌથી વધુ વેચાનારી ઇલેક્ટ્રિક કાર
અત્યારે ટાટા મોટર્સ માર્કેટમાં બે સંપૂર્ણ ઇલેક્ટ્રિક મોડેલ નેક્સન EV અને ટિગોર EV સાથે દેશની સૌથી મોટી EV પ્લેયર છે. અલ્ટ્રોઝનું ઇલેક્ટ્રિક વર્ઝન આવતા મહિને લોન્ચ થવાની સંભાવના છે. નેક્સન EV જાન્યુઆરી 2020માં લોન્ચ કરાઈ હતી. ત્યારથી લઇને અત્યાર સુધી તે 4,000થી વધુ યૂનિટ વેચાઈ ચૂકી છે. તે દેશમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર પણ છે.

કનેક્ટેડ અને ઓટોમેટિક વ્હીકલ્સના સેગમેન્ટ પર પણ નજર
ચંદ્રશેખરને કહ્યું કે, 'અમે ગ્રુપની અંદર એક ઓટોમોટિવ સોફ્ટવેર અને એન્જિનિયરિંગ વર્ટિકલનું પણ મૂલ્યાંકન કરી રહ્યા છીએ, જે કનેક્ટેડ અને ઓટોમેટિક વાહનોની એક નવી દુનિયામાં લીડ કરવામાં મદદ કરશે. ટકાઉ મોબિલિટી માટે આ ફેરફાર એક વિચાર છે જેનો સમય આવી ગયો છે. ટાટા ગ્રુપ તેને પકડવા માટે ઝડપ અને સ્કેલ સાથે આગળ વધશે.

જગુઆર લેન્ડ રોવર 10 નવી લક્ઝરી કાર લોન્ચ કરશે
ટાટા મોટર્સનું લક્ઝરી કાર યૂનિટ જગુઆર લેન્ડ રોવર ભારતમાં 10 નવાં મોડલ્સ રજૂ કરવાની તૈયારીમાં છે. કોવિડને કારણે કંપનીના વેચાણ પર ખરાબ અસર પડી છે. આવી સ્થિતિમાં, નાણાકીય વર્ષ 2022 (આવતા 12 મહિના)માં વેચાણ વધારવાની નવી રીતે પ્લાનિંગ કરી રહી છે. નવાં મોડેલ્સમાં ઇલેક્ટ્રિક કારનો પણ સમાવેશ કરવામાં આવશે. કંપની વર્ષ 2025 સુધીમાં ભારતીય ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં પોતાની પકડ મજબૂત બનાવવા માગે છે.

કંપનીએ ભારતમાં તેની પહેલી ઇલેક્ટ્રિક કાર I-Pace લોન્ચ કરી છે. તેમાં ફક્ત 15 મિનિટના ચાર્જિંગમાં 127km સુધીની રેન્જ મળવાની ક્ષમતા છે. કંપનીએ તેનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે. તેની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 1.06 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. તેના ટોપ વેરિઅન્ટની કિંમત 1.12 કરોડ રૂપિયા છે. તે ફક્ત 4.8 સેકંડમાં કલાક દીઠ 0થી 100 કિમીની ઝડપે ચાલી શકે છે.