ઑટો સેલ્સ ડેટા:ટાટા મોટર્સની કારનું વેચાણ 3 ગણું વધારે, મારુતિની મિની કારનું વેચાણ 17,408 યુનિટ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઑટોમોબાઈલ કંપનીઓએ આજે મે મહિના માટે વાહનોના વેચાણના આંકડા જાહેર કર્યા છે. કંપનીઓએ વાર્ષિક ધોરણે વેચાયેલા વાહનોના ડેટા જાહેર કર્યા છે. ગયા વર્ષે મે મહિનામાં લોકડાઉનના કારણે વાહનોના વેચાણ પર અસર પડી હતી ત્યારે આ વખતે મોટાભાગની ઑટો કંપનીઓના વેચાણમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ટાટા મોટર્સની વાત કરીએ તો આ વર્ષે દર વર્ષના આધાર પર તેના વેચાણમાં 3 ગણો વધારો જોવા મળ્યો છે.

વાર્ષિક ધોરણે ટાટા મોટર્સના વાહનોનું વેચાણ 3 ગણું વધારે
મે મહિનામાં ટાટા મોટર્સના વેચાણમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નવા આંકડા મુજબ મે 2022માં ભારતમાં અને વિદેશી બજારોમાં ટાટા મોટર્સનું વેચાણ 76,210 કારનું રહ્યું હતું, જે મે 2021ના સમયગાળામાં 26,661 યુનિટ હતું. આ સિવાય કંપનીએ મે 2022માં પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 43,341 કાર વહેંચી છે. વેચાણમાં 185 ટકાની વૃદ્ધિ સાથે કંપનીએ ગયા વર્ષે આ જ મહિનામાં 15,181 પેસેન્જર કાર વહેંચી હતી.

મારુતિ અલ્ટો અને S-પ્રેસોનું વેચાણ વધુ
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ મે મહિનામાં 1,61,413 યૂનિટ્સ કારનું વેચાણ કર્યું હતું. મે 2021માં 46,555 યુનિટ વેચાયા હતા. ગયા મહિને કંપનીનું ઘરેલું વાહન વેચાણ વધીને 1,34,222 યુનિટ થયું છે, જે મે 2021માં 35,293 યુનિટ હતું. કંપનીનું કહેવું છે કે, મે 2021માં લોકડાઉનને કારણે તેનું વેચાણ ઓછું હતું, તેથી મે 2022 સાથે તેની તુલના કરવી યોગ્ય રહેશે નહીં. ગયા મહિને અલ્ટો અને S-પ્રેસો સાથે મિની કારનું વેચાણ 17,408 યુનિટ હતું. ગયા વર્ષે આ જ મહિનામાં આ આંકડો 4,760 હતો. સ્વિફ્ટ, સેલેરિયો, ઇગ્નિસ, બલેનો અને ડિઝાયર જેવા મોડેલો સહિત કોમ્પેક્ટ સેગમેન્ટમાં વેચાણ આ વર્ષે મે મહિનામાં 67,947 યુનિટ રહ્યું હતું, એમ કંપનીએ જણાવ્યું હતું.

કિયાની કારના વેંચાણમાં 69%ની વૃદ્ધિ
મે મહિનામાં કિયા કારનું વેચાણ વાર્ષિક ધોરણે 69 ટકા વધીને 18,718 યુનિટ થયું છે. મે 2021માં, કોરોનાની બીજી લહેર વચ્ચે કંપનીએ ડીલર્સને 11,050 યુનિટ મોકલ્યા હતા. 7,899 યુનિટ્સ સાથે કિયા કારના કુલ વેચાણમાં સોનેટનું સૌથી વધુ વેચાણ થયું હતું, ત્યારબાદ સેલ્ટોસ (5,953 યુનિટ), કેરેન્સ (4,612 યુનિટ્સ) અને કાર્નિવલ (239 યુનિટ્સ) વેચાયા હતા.

સ્કોડાના વેચાણમાં 6 ગણો વધારો
સ્કોડા ઑટો ઇન્ડિયાએ મે મહિનામાં 4,604 વાહનોનું વેચાણ કર્યું હતું. આ સાથે જ કંપનીના વેચાણમાં આ મહિને 6 ગણો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2021 દરમિયાન મે મહિનામાં કંપનીએ 716 કારનું વેંચાણ કર્યું હતું. કંપનીએ જણાવ્યું હતું કે, સ્લાવિયા અને કુશાક મોડેલોના રેકોર્ડબ્રેક વેચાણથી મે મહિનામાં કંપનીને વેચાણમાં મદદ મળી છે. સ્કોડા ઑટો ઇન્ડિયાના બ્રાન્ડ ડિરેક્ટર જેક હોલિસે જણાવ્યું હતું કે, 'સેમીકન્ડક્ટરની અછતના પડકારો છતાં અમે વેચાણની ગતિ જાળવી રાખી રહ્યા છીએ તે અમારા માટે ખુશીની વાત છે. તેમણે જણાવ્યું હતું કે, ઑટો-મોબાઇલ ઉદ્યોગમાં હાલના વેઈટિંગ પીરીયડના સમયમાં વધુ ઝડપથી કારની ડિલીવરી કરનાર સ્કોડાને વેચાણમાં તેના કારણે ઘણો ફાયદો થયો છે.

એમજી મોટર ઈન્ડિયા બમણી થઈને 4,008 યુનિટ થઈ
એમજી મોટર ઈન્ડિયાનું વેચાણ મે 2022માં બમણું થઈને 4,008 યુનિટ થઈ ગયું છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે વર્ષ 2021માં તેનું વેચાણ તે જ મહિનામાં 1016 યુનિટ હતું. એપ્રિલ 2022માં, એમજીએ 2,008 કારનું વેચાણ કર્યું હતું. કંપનીએ કહ્યું કે, સ્થાનિક બજારમાં માગ મજબૂત છે, પરંતુ વિશ્વના કેટલાક ભાગોમાં કોવિડ -19 સંબંધિત પ્રતિબંધોને કારણે ઉત્પાદન પરની અસર હજી પણ અકબંધ છે.

બજાજ ઑટોનું કુલ સ્થાનિક વેચાણ 85 ટકા વધ્યું
મે મહિનામાં બજાજ ઑટોનું વેચાણ વધ્યું છે, પરંતુ કંપનીએ ગયા મહિને 2,75,868 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જે એક વર્ષ અગાઉ આ મહિનામાં 2,71,862 યુનિટ્સ હતું. બજાજ ઑટોનું કુલ ઘરેલુ વેચાણ 85% વધીને 1,12,308 યૂનિટ રહ્યું છે. મે 2021માં તેણે કુલ 60,830 કારનું વેચાણ કર્યું હતું. જોકે, મે 2022માં કંપનીની નિકાસ 22 ટકા ઘટીને 1,63,560 યૂનિટ રહ્યું, જે એક વર્ષ પહેલાં 2,11,032 યૂનિટ હતું. કંપનીએ કહ્યું કે, ટુ-વ્હીલર્સનું કુલ વેચાણ 4 ટકા વધીને 2,49,499 યુનિટ થયું છે, જે મે-2021માં 2,40,554 યુનિટ હતું. સ્થાનિક બજારમાં ટુ-વ્હીલરનું વેચાણ 59 ટકા વધીને 96,102 યુનિટ થયું છે, જે એક વર્ષ અગાઉ 60,342 યુનિટ હતું. જોકે, તેની ટુ-વ્હીલરની નિકાસ મે મહિનામાં 15 ટકા ઘટીને 1,53,397 યુનિટ થઈ છે, જે મે-2021 માં 1,80,212 યુનિટ હતું. તે જ સમયે કંપનીનું કોમર્શિયલ કારનું વેચાણ પણ 16% ઘટીને 26,369 યુનિટ થયું છે, જે એક વર્ષ પહેલાં આ મહિનામાં 31,308 યુનિટ હતું.