• Gujarati News
  • Utility
  • Automobile
  • Semiconductor Problems Will Be Solved By March, Vehicle Delivery Will Be On Time, 9 Lakh Jobs Will Be Created In Auto Sector.

ભાસ્કર એક્સક્લુઝિવ:માર્ચ સુધી સેમિકન્ડક્ટરની તકલીફો દૂર થશે, ગાડીની ડિલિવરી ટાઇમસર થશે, ઓટો સેક્ટરમાં 9 લાખ નોકરીઓ આવશે

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજકાલ કાર ડીલર્સ સામે સૌથી મોટો પડકાર કારની ડિલિવરી કરવાનો છે. ડીલર્સને બુકિંગ તો મળી રહ્યું છે પણ તેઓ સમયસર ડિલિવરી કરી શકતા નથી. આ સાથે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી સામે ચિપની અછત, ગાડીઓની ડિમાન્ડમાં મંદી, ફરી લોકડાઉન જેવા અનેક પડકારો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ અસોસિયેશન (FADA)ના પ્રમુખ વિંકેશ ગુલાટીએ કહ્યું કે, માર્ચ પછી સેમિકન્ડક્ટરની તકલીફો દૂર થઈ જશે. આ સાથે, કારની ડિલિવરી સમયસર થશે. તેમણે આ સેક્ટરમાં તેજી વિશે બીજું શું કહ્યું, ચાલો જાણીએ...

સવાલઃ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી માટે 2021 કેવું રહ્યું?
જવાબ: જો ઓવરઓલ એનાલિસિસ કરવામાં આવે તો 2021 સારું નહોતું. રૂરલ ઇન્ડિયા હંમેશાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરે છે. પરંતુ આ વખતે તેમનો સપોર્ટ મળ્યો નથી. રૂરલ ઇન્ડિયા ટૂ-વ્હીલરના વેચાણ માટે સૌથી મજબૂત કડી છે. પરંતુ છેલ્લાં બે વર્ષથી તે હચમચી ગયું છે. ઇન્ડસ્ટ્રીની ઓવરઓલ પોઝિશન ડાઉન રહી છે. પેસેન્જર વ્હીકલથી થોડો સપોર્ટ ચોક્કસ મળ્યો પણ સેમિકન્ડક્ટરની શોર્ટેજથી અહીં પણ અમે થોડા પાછા પડ્યા. અમને ઘણું બુકિંગ મળ્યું પરંતુ ડિલિવરી કરવામાં નિષ્ફળ ગયા. કાર વેટિંગ પિરિયડ પર છે.

સવાલઃ ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીને 2022 પાસેથી શું અપેક્ષાઓ છે?

જવાબ: હાલના સંજોગો 2022માં પણ બહુ બદલાશે નહીં. અમને બહુ સકારાત્મક અપેક્ષાઓ નથી. ટૂ-વ્હીલર ખરીદનારનો સૌથી મોટો વર્ગ રૂરલ ઇન્ડિયા અને લોઅર મિડલ ક્લાસ છે. હજી પણ તેમના તરફથી પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો નથી. જ્યાં સુધી ગ્રામીણ ભારત, ટિયર-2 અને ટાયર-3 શહેરોમાંથી ડિમાન્ડ નહીં આવે ત્યાં સુધી સ્થિતિ સામાન્ય થવાની નથી. સેમિકન્ડક્ટરના કારણે કાર માર્કેટ પણ ડાઉન છે. તેમાં સુધારો થશે. પરંતુ માર્ચ સુધી રાહ જોવી પડી શકે છે.

સવાલઃ ફરીથી લોકડાઉન આવ્યું તો તેના માટે શું તૈયારીઓ કરી છે?
જવાબ: 2020 અને 2021ની સ્થિતિ અલગ હતી. કોવિડની શરૂઆત 2020માં થઈ હતી. લાંબા સમય સુધી લોકડાઉન જોવું પડ્યું હતું. લોકો ઘરની બહાર નીકળતા ન હતા. 2021માં પરિસ્થિતિ થોડી અલગ હતી અને ગાડીઓના વેચાણમાં ડિમાન્ડ જોવા મળી. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વર્ષ 2022માં સ્થિતિ પહેલા જેવી નહીં હોય. જો સંપૂર્ણ લોકડાઉન નહીં થાય તો ડિમાન્ડ અને સેલિંગ ચાલુ રહેશે. જો શો રૂમ અડધા દિવસ માટે પણ ખુલ્લા હોય અને 50% સ્ટાફ આવે તો બધું એક ફ્લોમાં ચાલતું રહેશે. સરકારે પણ કહ્યું છે કે ઓમિક્રોનથી ગભરાવાની જરૂર નથી.

સવાલઃ ચિપની અછતને કારણે ઇન્ડસ્ટ્રીને કેટલી અસર પહોંચી? શું નવાં વર્ષમાં પણ આ અછત રહેશે?
જવાબ: ચિપની સમસ્યા વર્ષ 2020માં શરૂ થઈ હતી, જે 2021માં ઝડપથી વધી ગઈ. આ 2022માં પણ ચાલુ રહેશે. પરંતુ પરિસ્થિતિમાં સુધારો થશે. વર્ષ 2021ના ​​અંત સુધીમાં તેની સ્થિતિ કન્ટ્રોલમાં હતી. પરંતુ તેનો અર્થ એ નથી કે ચિપની સમસ્યા દૂર થઈ જશે. ફેબ્રુઆરી, માર્ચ સુધીમાં તેના સપ્લાયમાં સુધારો જોવા મળશે. અત્યારે વાહનોની માગમાં તેજી આવી રહી છે. જો બધુ બરાબર રહ્યું તો માર્ચથી ચિપની સમસ્યા પૂરી થઈ જશે.

સવાલઃ ચિપના પ્રોડક્શન માટે સરકાર 76 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. તેનો ફાયદો ક્યાં સુધી મળશે?

જવાબ: મોદી સરકાર ભારતમાં ચિપનું પ્રોડક્શન શરૂ કરવા જઈ રહી છે. પરંતુ તેમાં ઘણા પડકારો હશે. ચિપ સંબંધિત પ્રોજેક્ટ શરૂ કરવાથી તેને પ્રોડક્શનમાં લાવવામાં 2 વર્ષ લાગી શકે છે. ચિપનું પ્રોડક્શન શરૂ થયા પછી પણ એવું નથી કે કોઈ કંપની તેને ખરીદીને ઇન્સ્ટોલ કરી દેશે. વિવિધ કંપનીઓ માટે બનાવવામાં આવતી ચિપ્સ દેખાવમાં સમાન હોઈ શકે છે. પરંતુ તેનું પ્રોગ્રામિંગ સંપૂર્ણપણે અલગ હોય છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ કંપની મહિન્દ્રા માટે ચિપ બનાવતી હોય અને મહિન્દ્રા તેને લેવાનું બંધ કરી દે તો તે મારુતિ, હ્યુન્ડાઈ અથવા અન્ય કોઈ કંપનીની કારમાં ઉપયોગમાં લેવામાં આવશે નહીં, કારણ કે તે મહિન્દ્રાની પેટન્ટ સાથે તૈયાર કરવામાં આવી છે. દેશમાં ચિપ્સનું પ્રોડક્શન શરૂ થતાં જ વિશ્વભરમાં ચિપ્સને લઈને જે શોર્ટેજ પડી રહી છે તે હવે ફરી નહીં સર્જાય.

સવાલઃ ડીલર્સને બુકિંગ તો મળી રહ્યું છે પણ તેઓ ડિલિવરી નથી કરી શકતા. શું આવી સ્થિતિમાં ડીલર્સ પ્રત્યે ગ્રાહકોનો વિશ્વાસ ઓછો થઈ રહ્યો છે?
જવાબ: છેલ્લાં કેટલાક સમયથી કેટલીક વસ્તુઓ ડીલર્સના હાથમાં નથી. તેમને બુકિંગ મળી રહ્યું છે. પરંતુ ચિપ્સના અભાવે કંપની પ્રોડક્શન કરી શકતી નથી. આ જ કારણ છે કે કારની ડિલિવરી પણ સમયસર નથી મળી રહી. જ્યારે ગ્રાહકને સમયસર ડિલિવરી ન મળે તો તેને હેરાન થવું જ પડે છે. જો ગ્રાહક સાથેનો સંબંધ શરૂઆતમાં જ બગડી જાય તો તે ભવિષ્યમાં તે ડીલર પાસે આવવા માગતો નથી. ડીલર્સની પબ્લિસિટી પણ ખરાબ થાય છે. જો કે, ગ્રાહક પણ સમજી રહ્યા છે કે આજકાલ ચિપની અછતને કારણે ડિલિવરીમાં સમસ્યાઓ આવી રહી છે.

સવાલઃ આ વર્ષે ઓટોમોબાઇલ સેક્ટરમાં નવી નોકરીઓને લઇને શું સંભાવનાઓ છે?

જવાબ: આ વર્ષે ઓટોમોબાઈલ સેક્ટરમાં આ વર્ષે બંપર નોકરીઓ નીકળશે. હાલ 45 લાખ કર્મચારીઓ FADA સાથે જોડાયેલા છે. આ એવા કર્મચારીઓ છે જેમને પગાર ચૂકવવામાં આવે છે. FADAમાં જ 15થી 20% નોકરીઓનું સર્જન થશે. એટલે કે લગભગ 9 લાખ નવી રોજગારીની તકો ઊભી થશે. આ વર્ષે કાર, ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર સહિત અન્ય વાહનોનું પ્રોડક્શન વધવાની પણ ધારણા છે. આવી સ્થિતિમાં વેચાણ વધારવા માટે વધુ મેન પાવરની પણ જરૂર પડશે. જો કે, એ બાબત પણ ધ્યાનમાં રાખવાની છે કે 4-6 મહિના પછી કોઈને પણ નોકરીમાંથી કાઢી નાખવામાં ન આવે.

સવાલઃ તમે જે ફ્રેન્ચાઇઝી એક્ટ લાવવા માગતા હતા, તેની વર્તમાન પરિસ્થિતિ શું છે?
જવાબ: ફોર્ડ જેવી કંપનીએ ભારત છોડ્યું હોવાથી ગ્રાહકોનો વિશ્વાસ તૂટી ગયો છે. ગ્રાહકોને કેટલું નુકસાન સહન કરવું પડશે તે તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. જ્યારે કંપનીઓ દેશ છોડે છે ત્યારે ગ્રાહકોને હાલાકી ભોગવવી પડે છે. તેનાથી સર્વિસિસ મોંઘી થઈ જાય છે. પાર્ટ્સની ઉપલબ્ધતા ઘટી જાય છે. લેટેસ્ટ અપગ્રેડેશન શક્ય નથી બનતું. રિકોલ થાય તો શું થાય તેની પર સવાલ ઊભા થાય છે.

આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અમે ફ્રેન્ચાઈઝી એક્ટ લાવવા માગીએ છીએ. હાલ ફ્રેન્ચાઈઝી એક્ટ અમલમાં આવ્યો નથી. જો કે, આ એક્ટ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે સુધી પહોંચ્યો છે. આ અંગે અત્યારે કામ ચાલી રહ્યું છે. અમે વારંવાર આને અમલમાં મૂકવાની માગણી કરતા આવ્યા છીએ. તેનો અમલ કરવાનું સરકારના હાથમાં છે.

સવાલઃ 2022માં EV ઇન્ડસ્ટ્રીને કેટલો ગ્રોથ મળી શકે એમ છે?
જવાબ: ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ડિમાન્ડ વધી રહી છે. તેમજ, 45%થી વધુ થ્રી-વ્હીલર્સ ઇલેક્ટ્રિક તરફ વળ્યા છે. ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર માર્કેટ હાલમાં માત્ર 2થી 2.5% છે. હીરો અને બજાજ જેવી મોટી કંપનીઓએ પણ ઇલેક્ટ્રિક મોડેલ લાવવાની તૈયારી કરી લીધી છે. જો કે, ઈ-વ્હીકલના વેચાણમાં તેજી આવતા બે વર્ષ લાગશે. તેનું મોટું કારણ સેમિકન્ડક્ટર્સની સમસ્યા સાથે બેટરીના ભાવમાં વધારો છે. જ્યાં સુધી બેટરીના ભાવ ઓછા નહીં થાય ત્યાં સુધી ઈ-વ્હીકલ માટે લોકોનો રસ ઓછો રહેશે. ઇલેક્ટ્રિક પેસેન્જર વ્હીકલનું વધુ સારું વેચાણ થાય એ માટે હવે રાહ જોવી પડશે.

સવાલઃ ફ્યુલ અને ઇલેક્ટ્રિક વ્હીકલમાં સારો ઓપ્શન શું છે? શું EV ખરીદવાનો યોગ્ય સમય આવી ગયો છે?

જવાબ: તે યુટિલિટી, યુઝ અને લોકેશન પર આધાર રાખે છે. જો કોઈ ઈ-વ્હીકલ તમારી ડેઇલી રેન્જને ફુલફિલ કરે તો તમારે ચોક્કસપણે તેના માટે જવું જોઈએ. વાહન ખરીદતી વખતે એ પણ જોવું જોઈએ કે અત્યારે પેટ્રોલ બાઈક 80 હજારમાં મળે છે, જ્યારે ઈ-બાઈક ખરીદવા માટે 1.30 લાખ રૂપિયા ખર્ચવા પડે છે. આવી સ્થિતિમાં 50 હજાર રૂપિયાની રકમ મોટી છે. જો તમને EV ખરીદવા પર સબસિડીનો લાભ મળી રહ્યો હોય તો તેનો લાભ લઈ શકાય છે. તમારા શહેરમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું સારું છે તે પણ ધ્યાનમાં રાખો.