કાર સેફ્ટી:દેશની દરેક ગાડીને સુરક્ષિત કરવા સેફ્ટી પ્રોગ્રામ આવશે, સીટ બેલ્ટ અને EV માટે નવા નિયમો તૈયાર, નવાં સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ વિશે જાણો A to Z

10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટો સેક્ટર ગ્રાહકોની માગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને દરરોજ નિતનવી શોધ કરતી રહી છે અને ગાડીઓમાં વધુ સારાં ફીચર્સ આપવા લાગી છે. જો કે, આ ફીચર્સથી ગાડીમાં બેઠેલાં મુસાફરો ખરેખર કેટલા સુરક્ષિત છે તે વિશે હવે સરકાર જાગૃત થઈ છે. સરકારે કાર અને પેસેન્જર બંનેની સુરક્ષા વધારવા માટે કામ શરૂ કરી દીધું છે. સરકાર કોઈપણ કારના બેઝ વેરિઅન્ટમાં 6થી 7 સેફ્ટી ફીચર્સ નાખવાનું પહેલેથી જ ફરજિયાત કરી ચૂકી છે. આવી સ્થિતિમાં હવે કારની તમામ સીટ્સ માટે થ્રી-પોઈન્ટ બેલ્ટ ફરજિયાત બનાવવા નવો નિયમ તૈયાર કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, દેશમાં વેચાતી ગાડીઓ કેટલી સુરક્ષિત છે તે માટે સેફ્ટી સ્ટાન્ડર્ડ રેટિંગ આપવાનું કામ પણ હવે સરકાર કરશે.

સરકાર દેશમાં વેચાતાં વાહનો માટે પોતાના સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ લાગુ કરવાની યોજના બનાવી રહી છે. તે દેશમાં માર્ગ અને વાહન સલામતી સુધારવા માટે નવા પ્રયાસો કરશે. જેમાં વિશ્વનો સૌથી ખરાબ માર્ગનો સલામતીનો રેકોર્ડ પણ સામેલ રહેશે. હાલ ગ્લોબલ અને યુરોપિયન NCAP દ્વારા સેફ્ટી રેટિંગ આપવામાં આવે છે.

લોકોને સેફ્ટી માટે જાગૃત કરવા પર ફોકસ રહેશે

હાલ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મિનિસ્ટ્રીએ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ રજૂ કરવા માટે કોઈ સમયમર્યાદા આપી નથી. નિતિન ગડકરીએ કહ્યું કે કન્ઝ્યુમર સેફ્ટી અને પબ્લિક અવેરનેસ એ હવે મંત્રાલયનું મુખ્ય ફોકસ છે.

કારનું સેફ્ટી રેટિંગ શું હોય છે? આ રેટિંગ કોણ આપે છે? આ કેવી રીતે આપવામાં આવે છે? આ રેટિંગનો અર્થ શું છે? શું સેફ્ટી રેટિંગ સચોટ હોય છે? સેફ્ટી રેટિંગમાં સરકારની ભૂમિકા શું છે? આ બધા સવાલોના એક પછી એક જવાબ જાણીએ...

કાર સેફ્ટી રેટિંગઃ તમામ કંપનીઓ તેમની કારના દરેક મોડેલ અને વેરિઅન્ટ પર અલગ-અલગ સેફ્ટી ફીચર્સ આપે છે. તેમાં એરબેગ્સ, ABS, EBD, સેફ્ટી બેલ્ટ, બેક સેન્સર, કેમેરા, સ્પીડ એલર્ટ જેવાં ફીચર્સ સામેલ હોય છે. જ્યારે કારનો ક્રેશ ટેસ્ટ કરવામાં આવે ત્યારે તેને આ સેફ્ટી ફીચર્સના આધારે રેટિંગ આપવામાં આવે છે.

સેફ્ટી રેટિંગ કોણ આપે છેઃ વિશ્વભરની તમામ ગાડીઓને સેફ્ટી રેટિંગ આપવાનું કામ ગ્લોબલ NCAP અને યુરોપિયન NCAP દ્વારા કરવામાં આવે છે. ગ્લોબલ NCAP ટુવર્ડ્સ ઝીરો ફાઉન્ડેશનનો એક ભાગ છે. આ યુકેની ચેરિટી સંસ્થા છે. આ સંસ્થાઓ અલગ-અલગ કાર અથવા તેના વેરિઅન્ટના ક્રેશ ટેસ્ટ કરીને સેફ્ટી રેટિંગ આપે છે.

સેફ્ટી રેટિંગ મેળવવાની પ્રોસેસ: સેફ્ટી રેટિંગ માટે કારનો ક્રેશ ટેસ્ટ કરવામાં આવે છે. આ માટે માણસ જેવી ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. ટેસ્ટિંગ દરમિયાન ગાડી એક નિશ્ચિત ગતિએ સખત વસ્તુ સાથે અથડાય છે. આ દરમિયાન કારમાં 4થી 5 ડમીનો ઉપયોગ કરવામાં આવે છે. પાછળની સીટ પર એક બેબી ડમી બેસાડવામાં આવ્યું હોય છે. તે ચાઇલ્ડ સેફ્ટી સીટ પર ફિક્સ કરવામાં આવે છે.

સેફ્ટી રેટિંગનો અર્થ: ક્રેશ ટેસ્ટ પછી કારની એરબેગ્સ કામ કરતી હતી કે નહીં. ડમીને કેટલું નુકસાન થયું? કારના અન્ય સેફ્ટી ફીચર્સ કેટલી સારી રીતે કામ કરે છે? આ બધાના આધારે રેટિંગ આપવામાં આવે છે. આ રેટિંગ ગ્રાહકોને સુરક્ષિત કાર ખરીદવામાં મદદ કરે છે.

સેફ્ટી રેટિંગ કેટલું સચોટ છે: ઘણી કંપનીઓ NCAPને પૈસા આપીને ટેસ્ટ કરાવે છે. આ ટેસ્ટને વોલિયન્ટર ટેસ્ટ કહેવામાં આવે છે. તેની ખાસ વાત એ છે કે ક્રેશ ટેસ્ટનો તમામ ખર્ચ ઓટોમોબાઇલ કંપની દ્વારા ઉઠાવવામાં આવે છે. આ ટેસ્ટમાં પૈસાની લેવડદેવડથી કારને સારું રેટિંગ મળી જાય છે. આ જ કારણ છે કે દેશની ઘણી કંપનીઓ આ ટેસ્ટને સપોર્ટ કરતી નથી.

સેફ્ટી રેટિંગમાં સરકારની ભૂમિકા: ભારત સરકારે કોઈને પણ ક્રેશ ટેસ્ટ કરવા માટે મંજૂરી આપી નથી. આવી સ્થિતિમાં, ગ્લોબલ NCAP પોતાની પર્સનલ એબિલિટી પર માર્કેટમાંથી ગાડીઓના બેઝ વેરિઅન્ટ ખરીદીને પર્સનલી તેમનો ટેસ્ટ કરે છે.

દેશનાં વ્હીકલ સેફ્ટી સ્ટાન્ડર્ડ કેવાં હશે?
ભારતની ક્રેશ ટેસ્ટ સિસ્ટમનું નામ ભારત ન્યુ વ્હીકલ સેફ્ટી અસેસમેન્ટ પ્રોગ્રામ (BNVSAP) છે. તે વર્ષ 2018માં શરૂ થવાનું હતું. પરંતુ કેટલાક કારણોસર તે શરૂ થઈ શક્યું નથી. નીતિન ગડકરીના નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં જ તેનો અમલ કરશે. આ એવો જ પ્રોગ્રામ છે જેનો ભારતમાં પહેલેથી ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI) કરી રહ્યો છે. જે સોફ્ટવેર પર BNVSAP કામ કરશે તે NCAPમાંથી જ ખરીદવામાં આવશે.

8 પેસેન્જર કાર હશે તો તેમાં 6 એરબેગ્સ ફરજિયાત

નિતિન ગડકરીએ 6 એરબેગ્સ ફરજિયાત બનાવવાના GSR નોટિફિકેશનને પહેલેથી જ મંજૂરી આપી દીધી છે. તેમણે કહ્યું કે 8 પેસેન્જર સુધીના મોટર વાહનોમાં સેફ્ટી વધારવા માટે હવે ઓછામાં ઓછી 6 એરબેગ્સ આપવી ફરજિયાત છે. એટલે કે હવે તમામ કંપનીઓએ કોઈપણ કારના બેઝ મોડલમાં 6 એરબેગ્સ આપવાની રહેશે. આ નિયમ ઓક્ટોબર 2022થી લાગુ કરવામાં આવશે. અગાઉ મંત્રાલયે 1 જુલાઈ, 2019થી ડ્રાઇવર એરબેગ્સ ફરજિયાત બનાવી હતી અને 1 જાન્યુઆરી, 2022થી ફ્રંટ પેસેન્જર એરબેગ્સ ફરજિયાત બનાવી હતી. ગડકરીએ જણાવ્યું કે, પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ જેવાં પગલાંને કારણે એરબેગ્સના ડોમેસ્ટિક પ્રોડક્શનમાં વધારો થયો છે. જેના કારણે તેના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. અગાઉ 2 એરબેગ્સ ઇન્સ્ટોલ કરવા માટે ઓટોમોબાઇલ કંપનીઓએ આશરે 12,000 રૂપિયાનો ખર્ચ ભોગવવો પડતો હતો. હવે એરબેગ્સની કિંમત ઘટીને 3,000 રૂપિયા થઈ ગઈ છે. આવી સ્થિતિમાં એરબેગ્સની કિંમત ઓછી થવાને કારણે કારની સુરક્ષા વધુ વધશે.

EVમાં અવાજ માટે નિયમ આવશે

સરકાર વાહનને સુરક્ષિત બનાવીને દેશમાં રોડ એક્સિડન્ટમાં ઘટાડો કરવા માગે છે. ગડકરીએ ધ્યાન દોર્યું કે, દર વર્ષે લગભગ 150,000 રોડ એક્સિડન્ટ થાય છે, જેના કારણે દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)ને 3.1%નું નુકસાન થાય છે. સરકારનું લક્ષ્ય વર્ષ 2025 સુધીમાં રોડ એક્સિડન્ટની સંખ્યા અડધી કરવાનું છે.

સરકાર ઈલેક્ટ્રિક વાહનોમાં અવાજ માટે પણ નિયમો લઈને આવી રહી છે. હાલ EVમાં અવાજ નહીં આવવીને કારણે રસ્તા પર રાહદારીઓ અને સાઇકલ સવારોના અકસ્માત થવાની શક્યતાઓ વધારે છે. આ અકસ્માતો અટકાવવા ડ્રાઇવર ડ્રાઉઝીનેસ અટેન્શન ડ્રાઇવિંગ સિસ્ટમને પણ પ્રોત્સાહન આપશે. તે ડ્રાઈવરની નિદ્રા, સુસ્તી અને ઊંઘ પર નજર રાખશે.

દરેક પેસેન્જર માટે થ્રી-પોઇન્ટ સીટ બેલ્ટ ફરજિયાત
નિતિન ગડકરીએ ઓટોમોબાઇલ કંપનીઓને ગાડીની તમામ સીટો પર થ્રી-પોઈન્ટ સીટ બેલ્ટ ફરજિયાત બનાવવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, કંપનીઓએ ગાડીની પાછળની સીટમાં વચ્ચે બેઠેલા મુસાફર માટે પણ થ્રી-પોઈન્ટ સીટ બેલ્ટ આપવો પડશે. હાલ જે ગાડીઓ બનાવવામાં આવી રહી છે તેમાં આગળની સીટ અને પાછળની સીટમાં બે લોકો માટે થ્રી-પોઇન્ટ સીટ બેલ્ટ આપવામાં આવતા હોય છે. સેન્ટર અથવા મિડલ રિઅર સીટ માટે માત્ર ટુ-પોઇન્ટ અથવા લેપ સીટ બેલ્ટ હોય છે. સરકારે પેસેન્જરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીટ બેલ્ટની સંખ્યા વધારવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...