શું હવે ગાડી ખરીદવાનું સપનું સાકાર થશે?:જુલાઈથી ફરી એકવાર ગાડી અને ટૂ-વ્હીલરના ભાવ વધશે, મારુતિ સાથે રેનો પણ ભાવ વધારી શકે છે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મોંઘવારીએ ચારે બાજુથી સામાન્ય માણસને ઘેરી લીધો છે. પછી ભલે તે ખાણી-પીણીની વાત હોય કે પછી પેટ્રોલની મોંઘવારી તેને ક્યાંય છોડતી નથી. મામલો અહીં સમાપ્ત થતો નથી. આ વર્ષે બે વાર મોંઘા થઈ ગયેલા વાહનોના ભાવ ફરી એકવાર વધવા જઇ રહ્યા છે. એટલે કે, કાર ચલાવવી તો મોંઘી પડતી જ હતી પણ હવે તો તેને ખરીદવી પણ પહેલાં કરતાં વધારે મોંઘી પડશે. મારુતિએ પણ આગામી મહિનાથી કારની કિંમતોમાં વધારો કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. બીજી તરફ, ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે પણ કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલની કિંમત 90 રૂપિયાને પાર કરી ગઈ છે અને ડીઝલની કિંમત 101 રૂપિયાને પાર થઈ ગઈ છે.

વધતા ભાવના 3 મુખ્ય કારણો
1. મોંઘુ સ્ટીલ:
વાહનોના ભાવમાં વધારાને કારણે કંપનીનું કહેવું છે કે, કાચા માલની કિંમતમાં વધારાને કારણે વાહન બનાવવાની કિંમત પણ વધી રહી છે. ખાસ કરીને સ્ટીલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લાં એક વર્ષમાં સ્ટીલના ભાવમાં 50 ટકાનો વધારો થયો છે.
2. સેમીકન્ડક્ટરની અછત: વિશ્વભરમાં સેમીકન્ડક્ટરની સપ્લાય અને ડિમાન્ડ વચ્ચે એક મોટો તફાવત રહ્યો છે. ઘણી કંપનીઓને ખરાબ વાતાવરણ અને રોગચાળાને કારણે તેમના પ્લાન્ટ બંધ કરવા પડ્યા છે. આવી સ્થિતિમાં, ઓટોમોબાઇલ કંપનીઓએ વધુ પૈસા આપીને તેને ખરીદવાં પડી રહ્યાં છે.
3. મોંઘુ ટ્રાન્સપોર્ટેશનઃ આ બધાની સાથે બહારથી આવતા વાહનો ઉપર વધુ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. તેમજ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાને કારણે ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘુ થઈ ગયું છે. આ બધી બાબતો વાહનના ભાવને અસર કરી રહી છે.

જાન્યુઆરીમાં ગાડીઓ 34,000 રૂપિયા અને એપ્રિલમાં 22,500 રૂપિયા મોંઘી થઈ હતી
18 જાન્યુઆરીએ મારુતિ સુઝુકી ઇન્ડિયાએ તેની ગાડીઓની કિંમત 34,000 રૂપિયા સુધી વધારી દીધી હતી. તે સમયે લગભગ તમામ કંપનીઓએ તેમના ભાવમાં વધારો કર્યો હતો. તે પછી પણ કંપનીએ કાચા માલના ભાવ વધારવાની વાત કરી હતી. ત્યારબાદ કંપનીએ 16 એપ્રિલથી કેટલાક મોડેલના ભાવમાં 22,500 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. નવી કિંમતો પછી અલ્ટો 12,500 રૂપિયા સુધી મોંઘી થઈ હતી. તેમજ, અર્ટિગાના ભાવમાં 22,500 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કંપનીની મિનિ SUV ગણાનારી કાર S-Presso પણ 7,500 રૂપિયા સુધી મોંઘી થઈ ગઈ હતી.

હીરોનાં ટૂ-વ્હીલર્સ પણ મોંઘા થશે
ટૂ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પે પણ કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. જુલાઈથી હીરોની ગાડીઓ 3,000 રૂપિયામાં મોંઘી થઈ જશે. અગાઉ, કંપનીએ એપ્રિલમાં પણ કિંમતોમાં વધારો કર્યો હતો. તેમજ, જ્યારે ટૂ-વ્હીલરને BS6 એન્જિનથી રિપ્લેસ કરવામાં આવ્યાં ત્યારે પણ કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો.

આ કંપનીઓ ભાવ વધારી શકે છે
બધી કંપનીઓ માટે વાહનના ઉત્પાદનનો ખર્ચ વધ્યો છે. હજી સુધી કોઈએ મારુતિ અને હીરો સિવાય કોઈ કંપનીએ ભાવ વધારવાની જાહેરાત કરી નથી. જો કે, એવા રિપોર્ટ્સ છે કે, રેનોની ગાડીઓ 39,030 રૂપિયા સુધી મોંઘી થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, ટૂંક સમયમાં અન્ય કંપનીઓ પણ કિંમતોમાં વધારાની જાહેરાત કરી શકે છે. તેમજ, જુલાઈથી મોટાભાગની કંપનીઓના વાહનો મોંઘા થઈ જશે. અગાઉ, જ્યારે એપ્રિલમાં કારના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે મારુતિની સાથે નિસાને પણ કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.