બજાજ ઓટો અને પિયર મોબિલિટી AGની પાર્ટનરશિપમાં તૈયાર થઈ રહેલું હસ્કવર્ના ઇલેક્ટ્રિક સ્કૂટરનું વેટિંગ હવે વધી ગયું છે. નવા રિપોર્ટમાં જણાવ્યા મુજબ, હવે આ ઇ-સ્કૂટર વર્ષ 2022માં લોન્ચ થશે. અગાઉ આ સ્કૂટર આ વર્ષે લોન્ચ થવાની ધારણા હતી. તેનું પ્રોડક્શન બજાજના ચાકન (મહારાષ્ટ્ર) પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યું છે. કંપની વર્ષ 2022માં ઇ-પ્લેન (E-Pilen)ઇલેક્ટ્રિક બાઇક પણ લોન્ચ કરશે.
બજાજની સાથે પિયર મોબિલિટી AG, KTM અને હસ્કવર્નાની પેરેન્ટ કંપની છે. બંને કંપનીઓ વચ્ચેની પાર્ટનરશિપ લગભગ 15 વર્ષથી કાર્યરત છે. ભારતમાં વેચાણ સાથે નિકાસ બજારો માટે KTM અને તાજેતરમાં જ હસ્કવર્નાનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવ્યું છે.
ચેતક ઇલેક્ટ્રિક જેવી મોટર આપવામાં આવશે
હસ્કવર્ના ઇ-સ્કૂટરમાં 4kW ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. આ મોટરનો ઉપયોગ બજાજ ચેતક ઇલેક્ટ્રિકમાં પણ કરવામાં આવ્યો છે. તેમજ, બેંગલુરુના એથર 450X ઇલેક્ટ્રિક સ્કૂટરમાં પણ આ જ મોટર આપવામાં આવી છે. બંને કંપનીઓ 4થી 10kWની પાવર રેન્જમાં એક સામાન્ય 48-વોલ્ટ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર પ્લેટફોર્મ ડેવલપ કરી રહી છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા તમામ મોડેલ્સ બજાજ દ્વારા ચાકન ખાતે બનાવવામાં આવશે તેવી અપેક્ષા છે.
100 કિમીની રેન્જ હોઈ શકે છે
અત્યારે આ ઇ-સ્કૂટરની રેન્જ વિશે કોઈ માહિતી બહાર આવી નથી. એવું માનવામાં આવે છે કે 4KW ઇલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે અને બજાજ ચેતકની જેમ બેટરીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, તેની રેન્જ 95થી 100 કિમીની આસપાસ હોઈ શકે છે. જો કે, જુદા જુદા રાઇડિંગ મોડ્સ પર તેની રેન્જ અલગ હશે. તેની ડિઝાઇન ચેતક ઇલેક્ટ્રિક કરતાં સંપૂર્ણપણે અલગ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.