મોબાઇલ કંપનીઓ કાર તરફ વળી:ઓપ્પો ભારતમાં 2024 સુધી ઈલેક્ટ્રિક કાર લાવશે, શાઓમી અને ગૂગલ પણ રેસમાં, એપલ ડ્રાઇવર વગર ચાલતી ઇ-કાર બનાવશે

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2024ની શરૂઆતમાં લોન્ચિંગની સાથે પહેલી ઇલેક્ટ્રિક કાર ઓપ્પોની હોઈ શકે છે

સ્માર્ટફોન કંપનીઓ પણ ઝડપથી ઈલેક્ટ્રિક વ્હીકલની સાથે ઓટોમોટિવ સ્પેસમાં એન્ટ્રી કરવાનો પ્લાન બનાવી રહી છે. મળતા સમાચાર અનુસાર, મોબાઈલ બનાવતી કંપની ઓપ્પો ભારતીય માર્કેટમાં ટૂંક સમયમાં ઈલેક્ટ્રિક કાર લાવશે. એક નવા રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કંપની ભારતમાં ઈલેક્ટ્રિક વાહન લાવવા પર કામ કરી રહી છે અને પહેલેથી જ એના માટે પ્લાન બનાવવાની પ્રોસેસમાં છે. કંપની કથિત રીતે ભારત માટે એક ઈલેક્ટ્રિક કાર પર કામ કરી રહી છે, જેને વર્ષ 2014માં લોન્ચ કરવામાં આવી શકે છે.

મીડિયા રિપોર્ટના અનુસાર, એક સ્રોત પાસેથી મળતી જાણકારીના આધારે BBK ઈલેક્ટ્રોનિક્સના સ્માર્ટફોન બ્રાન્ડ જેમ કે ઓપ્પો, રિયલમી અને વનપ્લસ આ સમયે ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલને ડેવલપ કરવા અને લાવવાનો પ્લાન બનાવી રહી છે. વર્ષ 2024ની શરૂઆતમાં લોન્ચિંગની સાથે પહેલી ઈલેક્ટ્રિક કાર ઓપ્પોની હોઈ શકે છે. જોકે આ બ્રાન્ડ્સે અત્યારસુધી પોતાની EVની ડિટેલ્સ અથવા આવા કોઈ પ્લાન વિશે કન્ફર્મ નથી કર્યું.

ઓપ્પો ઉપરાંત એપલ, શાઓમી, ગૂગલ પણ EV બનાવવા પર કામ કરી રહી છે, જાણો કઈ કંપની ક્યારે EV લાવવાની છે...

એપલની ડ્રાઈવરલેસ ઈલેક્ટ્રિક કાર
એપલ પોતાના પ્રોજેક્ટ ટાઈટન અંતર્ગત લાંબા સમયથી ફ્યુચરિસ્ટિક કાર એપલ ડ્રાઈવરલેસ કાર લાવવાની તૈયારીમાં છે. ડ્રાઈવરલેસ કાર સંપૂર્ણ રીતે સેન્સર બેસ્ડ હશે અને એમાં બેઠેલા લોકો પોતાના સ્માર્ટ ડિવાઈસથી જ કારને કંટ્રોલ કરી શકશે. એમાં કારને રાઈટ અથવા લેફ્ટ ફેરવવા માટે સ્ટીયરિંગની જરૂર નહીં પડે.

હુવાવેની 700 કિમીની રેન્જ આપતી ઈલેક્ટ્રિક કાર
હુવાવે પણ આ મહિને અવતાર 11 નામની ઈલેક્ટ્રિક કારથી પડદો ઉઠાવી દીધો છે. આ કારની ખાસિયત એ છે કે તે સિંગલ ચાર્જમાં 700 કિમી સુધી દોડી શકે છે. એમાં 200 kWhની હાઈ વોલ્ટેજ સુપર ચાર્જેબલ બેટરી આપવામાં આવી છે. એમાં 400 અલગ અલગ પ્રકારનાં ઈન્ટેલિજન્ટ ડ્રાઈવિંગ ફીચર્સ આપવામાં આવ્યાં છે. આ કારની સૌથી શાનદાર વાત એનો પિકઅપ છે. એ માત્ર 4 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. આ કારનું લોન્ચિંગ 2022ના બીજા ક્વાર્ટરમાં થઈ શકે છે.

2024માં શાઓમી ઈલેક્ટ્રિક કાર આવશે
શાઓમીના CEO લેઈ જૂને ઓક્ટોબરમાં જણાવ્યું હતું કે તેમની કંપની 2024ના પહેલા છ મહિનામાં પોતાની ઈલેક્ટ્રિક કારનું મોટે પાયે પ્રોડક્શન કરશે.