પ્લાનિંગ:ઓકિનાવાની એક વર્ષમાં 10 લાખ EV બનાવવાની યોજના, કંપનીએ અત્યાર સુધી 90 હજારથી વધુ સ્કૂટર્સ વેચ્યાં

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓકિનાવા સ્કૂટર્સનું નામ સાંભળીને કદાચ એવું લાગે કે આ કોઈ વિદેશી બ્રાંડ હશે. પરંતુ આ ભારતના જીતેન્દ્ર શર્મા દ્વારા બનાવવામાં આવી છે. જાપાનમાં ઓકિનાવા નામનો એક ટાપુ છે. જ્યારે તેના ફાઉન્ડર જીતેન્દ્ર શર્મા ઓકિનાવા ફરવા ગયા હતા ત્યારે તેમને ત્યાંનું શાંત અને સ્વચ્છ વાતાવરણ ગમ્યું. તેથી, તેમણે આ ઇલેક્ટ્રિક વાહનનું નામ ઓકિનાવા રાખ્યું, જે વાતાવરણને કોઈ નુકસાન નથી પહોંચાડતું. તેમણે ભારતમાં ઇલેક્ટ્રિક વાહન સ્ટાર્ટઅપ શરૂ કરવાનું નક્કી કર્યું. હાલ ઓકિનાવાના ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર માર્કેટમાં બીજા નંબરે છે. તેમજ, હીરો ઇલેક્ટ્રિક વ્હીકલ પહેલા નંબરે છે.

ઓટોકાર પ્રોફેશનલના તાજેતરના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, હીરો ઇલેક્ટ્રિક 2020માં 8,111 યૂનિટના વેચાણ સાથે મોખરે હતું. ત્યારબાદ ઓકિનાવા ઓટોટેકે 5,564 યૂનિટના વેચાણ સાથે બીજા નંબરે હતું. ગયા વર્ષે રોગચાળાને લીધે ઇલેક્ટ્રિક વાહનનો ગ્રોથ ઘટવાનો અંદાજ હોવા છતાં ઓકિનાવા સ્કૂટર્સે ચાલુ વર્ષે ત્રણ ગણા સ્કૂટર્સ વેચવાની યોજના બનાવી છે.

માત્ર 10 ટૂ-વ્હીલર બ્રાંડને ફેમ-2ની સબસિડી મળી
આ જ ક્રમમાં રિસર્ચ એનાલિસ્ટ સૌમેન મંડલનું માનવું છે કે, ભારતમાં બીજી કોવિડ-19 લહેરથી EV સ્ટાર્ટઅપ્સને અસર થશે. ભારતમાં હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરનું વેચાણ 2020માં 5% ઘટીને 25735 યૂનિટ થઈ ગયું હતું. જ્યારે અગાઉના વર્ષ 2019માં 52,959 યૂનિટ વેચાયાં હતાં. ફક્ત 31,813 યૂનિટ જ ફેમ-2 (FAME) યોજના માટે પાત્ર હતા. તેમજ, ફક્ત 10 ટૂ-વ્હીલર બ્રાંડ્સને જ ફેમ-2ની સબસિડી મળી.

ફેમ યોજના અંતર્ગત ભારત સરકાર માર્ચ 2022 સુધીમાં 10 લાખ ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો વેચવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ ગ્રાહકને આકર્ષવામાં નિષ્ફળ ગઈ છે. કડક નિયમોને લીધે તેમને સામાન બનાવનારા સ્થાનિક લોકોની સહાય મળી નથી. જેના કારણે ગ્રાહકોને ઇલેક્ટ્રિક વાહનો સસ્તામાં નથી મળી રહ્યા.

ગેજેટ NDTV સાથે વાતચીતમાં કંપનીના ફાઉન્ડરે કંપનીની જર્ની અને ભવિષ્યના પ્લાન વિશે વાત કરી
ઓટોમોબાઇલના 20 વર્ષના અનુભવથી શરૂ કરી પોતાની કંપની

તેમણે પ્રથમ સાડા ત્રણ વર્ષ LML ક્વોલિટી ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું. ત્યારબાગ તેઓ ભારતના ગુડગાવમાં હોન્ડાના ટૂ-વ્હીલર પ્લાન્ટમાં રહ્યા. ટૂ-વ્હીલર સેગમેન્ટમાં 20 વર્ષ ગાળ્યા પછી તેમણે નવું ટૂ-વ્હીલર બ્રાંડ બનાવવાનું નક્કી કર્યું. એવું ટૂ-વ્હીલર જે લોકોની સુવિધા સાથે ઇકો-ફ્રેન્ડલી પણ હોય. જેથી, ભવિષ્યમાં આવનારી પેઢીને પ્રદૂષણ મુક્ત હવા મળી રહે.

જાપાનના ઓકિનાવા આઇલેન્ડની જર્નીએ ઇલેક્ટ્રિક વાહન બનાવવાની પ્રેરણા આપી. ઓછા પ્રદૂષણને કારણે ઓકિનાવાના લોકો વધુ વર્ષ જીવે છે. ઓકિનાવા ઓટોટેક કંપની લાવવાનું કારણ એક સારું વાતાવરણ બનાવવું છે. હજી સુધી 90 હજારથી વધુ ઓકિનાવા ઇલેક્ટ્રિક સ્કૂટર રસ્તા પર દોડી રહ્યા છે. અમે લોકોને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ અંગે સતત જાગૃત કરી રહ્યા છીએ.

શરૂઆતમાં ફાઇનાન્સર અને સપ્લાયર્સ પણ નહોતા મળી રહ્યા
શરૂઆતમાં કન્ઝઅયુમરના ફાઇનાન્સ અને સારા સપ્લાયરને લાવવાનો પડકાર હતો, જે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ બનાવી શકે. મહત્ત્વની બાબત એ હતી કે ગ્રાહકને ઇલેક્ટ્રિક વાહન અંગે સમજાવવું. શરૂઆતમાં લોકોને તેના વિશે ઘણી ગેરસમજો હતી.

કિંમત અને બેટરી
સૌથી સસ્તું સ્કૂટર ઓકિનાવા R30 છે, જે ભારતમાં 58,785 રૂપિયાથી શરૂ થાય છે. તેમાં 5 કલર ઓપ્શન મળે છે. ગાડીમાં લિથિયમ આયન બેટરી આપવામાં આવી છે, જે ઓકિનાવાની ઓળખ છે. યુઝર્સ કોઇપણ સામાન્ય પ્લગ પોઇન્ટનો ઉપયોગ કરીને બેટરી કાઢીને ચાર્જ કરી શકે છે. આ તમારા મોબાઇલ ફોનને ચાર્જ કરવા જેવું જ છે. 80% બેટરી ચાર્જ થવામાં તેને ફક્ત 45 મિનિટ જ લાગે છે. ફુલ બેટરી ચાર્જ કરવામાં બેથી ત્રણ કલાકનો સમય લાગે છે.

રાજસ્થાનમાં નવો પ્લાન્ટ બનાવવાની પહેલ
જીતેન્દ્ર શર્મા 150 કરોડનું રોકાણ કરવા માગે છે. આ સાથે તેઓ રાજસ્થાનમાં નવી મેન્યુફેક્ચરિંગ સુવિધા બનાવશે. શરૂઆતમાં પ્રથમ તબક્કામાં 5 લાખથી 6 લાખ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર યૂનિટ્સ બનાવવામાં આવશે અને ભવિષ્યમાં 10 લાખ યૂનિટ સુધી બનશે. કંપની ટૂંક સમયમાં ભારતીય બજારમાં ઇ-બાઇક રજૂ કરવાની પણ યોજના બનાવી રહી છે.