જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે કારણ કે, એપ્રિલ-2023 પછી ભારતીય કાર બજારમાં 17 કાર બંધ થઈ જશે. તેમાં સૌથી વધુ હોન્ડાની 5, મહિન્દ્રાની 3, હ્યુન્ડાઈ અને સ્કોડાની 2-2, રેનો, મારુતિ, સુઝુકી, ટોયોટા અને ટાટાની 1-1 કાર સામેલ છે. મોટાભાગની કાર ડિઝલ છે. જો આ યાદીમાં તમારી કાર પણ સામેલ છે તો તમે પરેશાનીમાં મુકાઈ શકો.
ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રીમાં 1 એપ્રિલ, 2023 પછી રિયલ ડ્રાઈવિંગ એમિશન (RDE)નાં નવા એમિશન નોર્મ્સ લાગૂ થશે. આ નિયમો લાગૂ થતાં જ કાર નિર્માતા કંપનીઓએ પોતાની કારના એન્જિન અપડેટ કરવા પડશે અથવા તો તે કારનું પ્રોડક્શન બંધ કરવું પડશે.
હ્યુન્ડાઈએ કરી શરુઆત
સરકારનું કડકાઈ ભરેલું વલણ જોઈને હાલમાં જ હ્યુન્ડાઈએ પોતાની કાર i20ના ડિઝલ વેરિઅન્ટને બંધ કરી દીધુ છે. આ પહેલાં ટોયોટા અને ફોક્સવેગન પણ પોતાની ડિઝલ કાર બંધ કરવાની જાહેરાતો કરી ચૂકી છે.
નવા નિયમો અંતર્ગત ગાડીમાં ફેરફાર કરવા પડશે
વાહનોને RDE મુજબ BS6 ફેઝ-2નાં નિયમો પર રિયલ વર્લ્ડ કંડિશનમાં ખરું ઊતરવું પડશે. આવું ન થવા પર કાર મેકર્સે ગાડીઓનું વેચાણ બંધ કરવુ પડશે.
લોકોનાં ખિસ્સા પર ભાર પડશે
નવા એમિશન નોર્મ્સ મુજબ કંપનીઓનો ગાડી બનાવવા પાછળનો ખર્ચ વધી શકે કારણ કે, હાજર મોડલ્સનાં એન્જિનો અપડેટ કરવા પડશે. છેલ્લી વાર વર્ષ 2020માં BS6 એન્જિનો લાવવામાં આવ્યા હતા, જેના કારણે કારની કિંમતોમાં 50-90 હજાર રુપિયા અને ટુ વ્હીલરની કિંમતમાં 3-10 હજાર રુપિયાનો વધારો થયો હતો.
એવું એટલા માટે થયું કારણ કે, ટેકનોલોજી અપગ્રેડ કરવા માટે લગભગ 70 હજાર કરોડનું રોકાણ કાર મેન્યુફેક્ચરર્સે કર્યું હતું અને તેનો બોજ ગ્રાહકો પર પડ્યો હતો. એટલા માટે જ વર્તમાન સમયમાં પણ અમુક ગાડીઓનાં ભાવ વધી ચૂક્યા છે અને અમુક કંપનીઓ વધારવાની છે.
ડિઝલ ગાડીઓ પર આની કેવી અસર થશે?
નવા નોર્મ્સ મુજબ વધુ પડતા લોકો ડિઝલ ગાડીઓ લેવાનું ટાળી રહ્યા છે અને પેટ્રોલ ગાડીઓ તરફ ફોકસ કરી રહ્યા છે. બીજી તરફ કાર મેકર્સ પણ એક-એક કરીને પોતાની કાર બંધ કરી રહ્યા છે. જો કે, તેનું વેચાણ બંધ થવા છતાં તે કારની સર્વિસ તો ચાલુ જ રહેશે તેમછતાં લોકો ડિઝલ કાર ખરીદવામાં ખચકાટ અનુભવી રહ્યા છે.
તેનું એક કારણ એ પણ છે કે, દિલ્હી જેવી જગ્યાઓ પર 10 વર્ષ જૂની ડિઝલ ગાડીઓ ચલાવવા પર પ્રતિબંધ છે. બીજી તરફ પેટ્રોલવાળી ગાડીઓને પણ 15 વર્ષ સુધી ચલાવી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.