• Gujarati News
  • Utility
  • Automobile
  • New Rules For Child Safety, Children Will Now Have To Wear Harness Belts On Two wheelers, ₹ 1,000 Fine For Breaking The Rules

નવા નિયમો:બાળકોની સુરક્ષા માટે હવે નવા નિયમો, ટૂ-વ્હીલર પર હવે બાળકોએ હાર્નેસ બેલ્ટ પહેરવો પડશે, નિયમ તોડ્યો તો ₹1,000 દંડ

6 મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં થોડા સમયમાં રોડ એક્સિડન્ટ બહુ વધ્યા છે અને તેમાં ખાસ કરીને ટુ-વ્હીલર ચલાવતા લોકોને વધુ ઈજા પહોંચતી હોવાના કેસ વધુ સામે આવી રહ્યા છે. જો કે, સરકાર હવે આ મામલે જાગૃત થઈ છે અને આ અંગે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે ટુ-વ્હીલર ચાલકો માટે નવા ટ્રાફિક નિયમો બહાર પાડ્યા છે. નવા નિયમો અનુસાર હવે 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ટુ-વ્હીલર પર લઈ જવા માટે સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે. ડ્રાઇવરોએ બાળકો માટે હેલ્મેટ અને હાર્નેસ બેલ્ટનો ઉપયોગ કરવો જરૂરી રહેશે. તેમજ, ટુ-વ્હીલરની સ્પીડ 40 કિમી પ્રતિ કલાકથી વધુ ન હોવી જોઈએ.

મોટર વ્હીકલ એક્ટના નવા નિયમો કેવાં હશે?
મોટર વ્હીકલ એક્ટ, 1988 (1988 ક 59)ની કલમ 137ની કલમ (કક)ની સત્તાઓનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારે સેન્ટ્રલ મોટર એક્ટ નિયમ 1989માં વધુ સુધારો કરવા માટે નીચેના નિયમો બનાવ્યા છે. નવા નિયમોનું સંક્ષિપ્ત નામ સેન્ટ્રલ મોટર વ્હીકલ (બીજો સુધારો) નિયમો, 2022 છે. કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989ના નિયમ 138ના પેટા-નિયમ (6) પછી નીચેના પેટા-નિયમો દાખલ કરવામાં આવશે:
સેન્ટ્રલ મોટર વ્હીકલ (બીજો સુધારો) નિયમો, 2022ના પ્રકાશનની તારીખથી એક વર્ષ પછી મોટરસાયકલ ચાલકે 9 મહિનાથી 4 વર્ષની વયના બાળકને વ્હીકલમાં પાછળ બેસાડતી વખતે સેફ્ટી હાર્નેસનો ઉપયોગ કરવો પડશે.

સેફ્ટી હાર્નેસ બેલ્ટ એટલે શું?
સેફ્ટી હાર્નેસ એ અડજસ્ટેબલ બેલ્ટ છે, જે બાળક દ્વારા પહેરવામાં આવે છે. આ બેલ્ટ ભલે બાળકે પહેરેલો હોય પરંતુ તેનો એક ભાગ ટુ-વ્હીલર રાઇડર સાથે જોડાયેલો રહે છે. બાળક આ બેલ્ટને સ્કૂલ બેગની જેમ પહેરી શકે છે. પછી તેનો એક ભાગ રાઇડરની કમર અથવા પેટથી બંધ થઈ જાય છે. એટલે કે, બાઈક રાઇડર સાથે તે સંપૂર્ણ રીતે જોડાયેલું રહે છે. તેનો મોટો ફાયદો એ છે કે બાઈક કે સ્કૂટર પરથી બાઈક પડી નહીં જાય. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, 2016 (2016A 11) હેઠળ તૈયાર કરવામાં આવનાર હાર્નેસ સેફ્ટી બેલ્ટનાં સ્પેસિફિકેશન્સ નીચે પ્રમાણેના હોવાં જોઇએ.

  • લાઇટ કેરિંગ, અડજસ્ટેબલ, વોટરપ્રૂફ અને ડ્યુરેબલ હોય
  • હેવી નાયલોન, પૂરતો કમ્ફર્ટેબલ હોય અને ફોમવાળા મટિરિયલથી બનેલો હોય
  • 30 કિલો સુધીનું વજન ઉઠાવવાની કેપેસિટી હોય

ક્રેશ અથવા સાયકલ હેલ્મેટ પહેરવું પણ જરૂરી
ટુ-વ્હીલર પર મુસાફરી કરતી વખતે બાળકને સુરક્ષિત રાખવા માટે ડ્રાઇવરે ચાઇલ્ડ સેફ્ટી હાર્નેસ બેલ્ટ બાંધવો પડશે, જે 2 સ્ટ્રેપ સાથે આવે છે. નવા નિયમ હેઠળ, મુસાફરી કરતી વખતે ક્રેશ હેલ્મેટ અથવા સાયકલ હેલ્મેટ પહેરવું જરૂરી રહેશે. કેન્દ્રએ બાળકો માટે હેલ્મેટ બનાવવાનું શરૂ કરવા માટે ઉત્પાદકોને પહેલેથી જ સૂચના આપી દીધી છે.

નિયમ તોડ્યો તો 1000 રૂપિયાનો દંડ
નવા ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવા પર 1,000 રૂપિયાનો દંડ અને 3 મહિના માટે ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં ટુ-વ્હીલરની પાછળ બેઠેલા બાળકો માટે વધુ સલામતી સુનિશ્ચિત કરવા માટે નવા નિયમનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિયમ ચાર વર્ષ સુધીના બાળકોને આવરી લે છે.

સ્પીડ 40 કિમીથી વધુ ન હોવી જોઇએ
નવો નિયમ ટુ-વ્હીલર રાઇડર્સ માટે એ પણ સુનિશ્ચિત કરે છે કે બાળકો સાથે મુસાફરી કરતી વખતે વાહનની સ્પીડ કલાક દીઠ 40 કિમી કરતાં વધુ ન હોવી જોઇએ. અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં મંત્રાલયે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડીને નિયમમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેમાં વાહન ચાલકો માટે સેફ્ટી હાર્નેસ અને ક્રેશ હેલ્મેટનો ઉપયોગ ફરજિયાત બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ નિયમ 15 ફેબ્રુઆરી 2023થી લાગુ થશે.

અન્ય સમાચારો પણ છે...