ઓટો એક્સપો 2023 ગ્રેટર નોઈડામાં ગોલ્ફ કોર્સની પાસે ઈન્ડિયા એક્સપો માર્ટમાં શરૂ થઈ ગયો છે. 16મી આવૃત્તિનું આયોજન 'ધ મોટર શો' નામથી કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર મારુતિ છે. મારુતિએ એની પ્રથમ ઇલેક્ટ્રિક SUV કોન્સેપ્ટ EVXનું લોન્ચ કરી છે.
શોના પહેલા દિવસે કિંગ ખાન એટલે કે શાહરુખ ખાને હ્યુન્ડાઇની ઇલેક્ટ્રિક SUV આયનિક-5 લોન્ચ કરી છે. ભારતની બીજી સૌથી મોટી કારઉત્પાદક હ્યુન્ડાઈ મોટર્સની આ પ્રીમિયમ કારમાં 72.6 KwH બેટરી પેક છે. આ બેટરી 214BHPનો પાવર અને 350Nmનો ટોર્ક જનરેટ કરે છે. ફુલ ચાર્જ પર આ SUV 631 કિમીની રેન્જ આપે છે.
કંપનીનું જણાવ્યું છે કે આયનિક-5 ફક્ત 18 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ શકે છે. આ માટે 350kW ડીસી ચાર્જરનો ઉપયોગ કરવામાં આવશે. કંપનીએ કારની શરૂઆતી કિંમત 44.95 લાખ રૂપિયા રાખી છે, જેમાં વધારો થઈ શકે છે.
વેગન-Rનું ફ્લેક્સ ફ્યુઅલ વર્ઝન, 20થી 80% ઇથેનોલ પર ચાલી શકશે
ઓટો એક્સપોમાં મારુતિ વેગન-Rનું ફ્લેક્સ ફ્યુઅલ પ્રોટોટાઇપ વર્ઝન લોન્ચ કર્યું છે. આ કાર E85 ઈંધણ પર ચાલી શકે છે. આ પ્રકારની ગાડીઓ 20%થી 85% સુધીના ઇથેનોલ મિશ્રણ પર ચલાવવા માટે વિકસાવવામાં આવી છે.
આ પ્રકારની ગાડીઓ ચલાવવી માટે ખૂબ જ સસ્તી છે, કારણ કે ડીઝલ-પેટ્રોલની તુલનામાં ઇથેનોલ ઇંધણ ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ છે. આ વાહનોની ખાસ વાત એ છે કે એ ડીઝલ-પેટ્રોલની જેમ સારું પર્ફોર્મન્સ અને સારી રનિંગ કોસ્ટ આપે છે.
મારુતિ પહેલી ઇલેક્ટ્રિક SUV લાવ્યું, અદ્યતન કનેક્ટિવિટી ફીચર્સ મળશે
ઇવેન્ટમાં મારુતિનું પહેલું આકર્ષણ. મારુતિએ તેની પ્રથમ ઇલેક્ટ્રિક SUV કોન્સેપ્ટ EVXનું અનાવરણ કર્યું. ઇમેજનેક્સ્ટ વિઝન સાથે લાવવામાં આવેલી આ કાર અંગે કંપનીનો દાવો છે કે એ એક જ ચાર્જમાં 550 કિલોમીટર દોડી શકશે.
EVX એ ઇલેક્ટ્રિક વાહન સેગમેન્ટમાં મારુતિની પ્રથમ ઓફર છે, તેથી કંપનીએ તેની રજૂઆતમાં ‘મેટાવર્સ’નો ઉપયોગ કર્યો છે. મારુતિ કંપનીએ દાવો કર્યો છે કે સુઝુકી દ્વારા બનાવવામાં આવેલી નવી SUVમાં પર્ફોર્મન્સની સાથે એડવાન્સ્ડ કનેક્ટિવિટી ફીચર્સ પણ મળશે. કંપનીએ ઇલેક્ટ્રિક એસયુવી ઉત્પાદન માટે રૂ. 10,000 કરોડના રોકાણની પણ જાહેરાત કરી છે.
MG એ દુનિયાની પ્રથમ ઇલેક્ટ્રિક MPV લોન્ચ કરી, 4 સેકન્ડમાં 0-100 સ્પીડ પકડશે
MG મોટર્સે વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક MPV લોન્ચ કરી છે. તેને MIFA-9 (Mifa-9) નામ આપવામાં આવ્યું છે. આ કારની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માત્ર 4 સેકન્ડમાં 0 થી 100ની સ્પીડ પકડી લેશે. હાલની ગ્લોસ્ટર એસયુવીની સાથે એ MGની લાઇન-અપની સૌથી મોટી કાર છે. કંપનીએ કહ્યું છે કે એ એક જ ચાર્જમાં 500 કિલોમીટરથી વધુ ચાલશે.
ઇલેક્ટ્રિક SUV MG5 લૉન્ચ, સિંગલ ચાર્જ પર 525 KMની રેન્જ આપશે
વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક EV સાથે MGએ ઑટો એક્સપોમાં ઇલેક્ટ્રિક SUV MG5 પણ લૉન્ચ કરી છે. આ કાર એક જ ચાર્જમાં 525 KMની રેન્જ આપશે. આ કાર MGની હાલની Aster SUV પર આધારિત હોવાની પણ માહિતી મળી રહી છે.
હેક્ટર ફેસલિફ્ટમાં 11-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ
એમજી મોટર્સે ઓટો શોમાં એની પ્રીમિયમ કાર હેક્ટરની ફેસલિફ્ટ પણ લોન્ચ કરી છે. કંપનીએ આ મોડલમાં 11 નવા ફીચર્સ આપવાનું પણ વચન આપ્યું છે. એમાં 11 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. હાલ તો કંપનીએ 5 અને 7 સીટર મોડલનાં વિવિધ વેરિયન્ટની કિંમત 15 લાખથી 22 લાખ સુધી નક્કી કરી છે.
લોન્ચિંગ પહેલાં વિન્ટેજ સ્પોર્ટ્સ કારની ઝલક દેખાડી
નવી હેક્ટરનું લોન્ચિંગ કરતાં પહેલાં MGએ એની વિન્ટેજ સ્પોર્ટ્સ કારનું પ્રદર્શન કર્યું. લીલા રંગની આ વિન્ટેજ કાર ખૂબ જ સુંદર લાગી રહી હતી. એને પહેલીવાર ઓટો એક્સપોમાં લાવવામાં આવી છે.
સામાન્ય લોકો માટે 13થી 18 જાન્યુઆરી સુધી ઓટો એક્સપો ચાલશે.
ઓટો એક્સપો-2023 11 જાન્યુઆરીથી યાને કે આજથી શરૂ થઈ રહ્યો છે, પરંતુ 11 અને 12 જાન્યુઆરી મીડિયા માટે રિઝર્વ્ડ (આરક્ષિત) છે. 13થી 18 જાન્યુઆરી દરમિયાન સામાન્ય લોકો માટે તેનું આયોજન કરવામાં આવશે. એનો સમય સવારે 11 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીનો રહેશે.
આ એક્સપો જોવા માટે કેટલી ટિકિટ રહેશે?
જો તમે આ કાર્યક્રમમાં ભાગ લેવા માગતા હો તો તમારે તેના માટે ટિકિટ લેવી પડશે. ટિકિટની કિંમત દિવસ પ્રમાણે બદલાશે. 13 જાન્યુઆરીએ તેની કિંમત 750 રૂપિયા રાખવામાં આવી છે. ટિકિટ પર માત્ર એક જ વ્યક્તિને એન્ટ્રી મળે છે. 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની ટિકિટ લેવી પડશે નહીં. આ ઇવેન્ટની ટિકિટ તમે ‘bookmyshow’ એપ પરથી ખરીદી શકો છો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.