ઓટો સેલ્સ:ડિસેમ્બરમાં મારુતિના વેચાણમાં 4% ઘટાડો નોંધાયો, ટાટા મોટર્સનાં 35,000 યૂનિટ વધુ વેચીને 50% વધારો નોંધાવ્યો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓટોમોબાઈલ કંપનીઓએ ડિસેમ્બરના વેચાણના આંકડા જાહેર કરી દીધા છે. આ વખતે મારુતિ સુઝુકી ઈન્ડિયાનું વેચાણ ડિસેમ્બર 2021માં 4% ઘટીને 1,53,149 ગાડીઓનું થઈ ગયું છે. જ્યારે ડિસેમ્બર 2020માં કંપનીએ 1,60,226 ગાડીઓનું વેચાણ કર્યું હતું. બીજીબાજુ, ટાટા મોટર્સે ડિસેમ્બર 2021માં કુલ 35,299 પેસેન્જર વ્હીકલ્સનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં વેચાયેલા 23,545 ગાડીઓની સરખામણીમાં 50%નો વધારો દર્શાવે છે. તો ચાલો જાણીએ ડિસેમ્બર મહિનામાં તમામ ઓટોમોબાઇલ કંપનીઓનું પર્ફોર્મન્સ કેવું રહ્યું...

મારુતિની ગાડીઓમાં 4%નો ઘટાડો નોંધાયો
ડોમેસ્ટિક માર્કેટમાં મારુતિનું વેચાણ ડિસેમ્બર, 2021માં 13% ઘટીને 1,30,869 યૂનિટ થયું હતું, જે એક વર્ષ અગાઉ ડિસેમ્બર મહિનામાં 1,50,288 યૂનિટ હતું. કંપનીએ કહ્યું કે ઈલેક્ટ્રોનિક પાર્ટ્સની અછતને કારણે ગાડીઓના પ્રોડક્શનને અસર થઈ છે. ડિસેમ્બર 2021માં મારુતિનું વેચાણ 4% ઘટીને 1,53,149 યૂનિટ રહ્યું હતું.

અલ્ટો અને S-Pressoનું વેચાણ ઘટીને 16,320 યૂનિટ
કંપનીની મિનિ કાર અલ્ટો અને S-Pressooનું વેચાણ એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 24,927 યૂનિટથી 35% ઘટીને 16,320 યૂનિટ થયું હતું. એ જ રીતે, કોમ્પેક્ટ સેગમેન્ટમાં સ્વિફ્ટ, સેલેરિયો, ઇગ્નિસ, બલેનો અને ડિઝાયર મોડેલનું વેચાણ ડિસેમ્બર 2020માં 77,641 યૂનિટની સરખામણીએ 11% ઘટીને 69,345 યૂનિટ થયું છે. બીજીબાજુ, સિડેન સિયાઝનું વેચાણ ડિસેમ્બર 2020માં 1,270 યૂનિટથી ઘટીને 1,204 યૂનિટનું રહ્યું હતું.

યુટિલિટી વ્હીકલ્સમાં વિટારા બ્રેઝા, એસ-ક્રોસ અને અર્ટિગાનું વેચાણ એક વર્ષ અગાઉના સમાન મહિનામાં 25,701 યૂનિટ્સની સરખામણીએ 5% વધીને 26,982 યૂનિટ પહોંચી ગયું છે. કંપનીએ ડિસેમ્બર મહિનામાં 22,280 ગાડીઓની નિકાસ કરી હતી. જ્યારે એક વર્ષ પહેલાં આ જ મહિનામાં કંપનીની નિકાસનો આંકડો 9,938 યૂનિટ હતો.

ટાટા મોટર્સે 50% વધારો નોંધાવ્યો
ટાટા મોટર્સે ડિસેમ્બર 2021માં કુલ 35,299 પેસેન્જર વ્હીકલનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં વેચાયેલા 23,545 ગાડીઓ કરતાં 50%નો ગ્રોથ દર્શાવે છે. ડિસેમ્બરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2021-22ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીએ કુલ 99,002 પેસેન્જર વ્હીકલનું વેચાણ કર્યું હતું, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં વેચાયેલાં 68,806 વાહનો કરતાં 44% વધુ છે. અત્યાર સુધીના એક ક્વાર્ટરમાં વેચાયેલી ટાટાની કારનો આ સૌથી મોટો આંકડો છે. કંપનીએ એમ પણ કહ્યું કે વર્ષ 2021માં ટાટાની કુલ 3,31,178 ગાડીઓ વેચાઈ છે, જે ટાટા પેસેન્જર વ્હીકલના ઈતિહાસમાં સૌથી વધુ વેચાઈ છે.

ટાટાનો વાર્ષિક ગ્રોથ 345%
ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ યૂનિટના પ્રમુખ શૈલેષ ચંદ્રાના જણાવ્યા અનુસાર, 'અમે ઇલેક્ટ્રિક ગાડીઓના વેચાણમાં પણ રેકોર્ડ બનાવ્યો છે. નાણાકીય વર્ષ 2021-22માં કુલ 5,592 EVનું વેચાણ થયું હતું અને આ આંકડો વાર્ષિક ધોરણે 345%નો ગ્રોથ દર્શાવે છે. કંપની સેમિકન્ડક્ટર ચિપની અછત અને કોવિડ-19 મહામારીના પડકારોને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે અને તેનો સામનો કરવા તમામ પ્રયાસો કરી રહી છે.

2021માં કંપનીએ કુલ 35,151 ગાડીઓ વેચી
કોમર્શિયલ વ્હીકલ્સની વાત કરીએ તો ટાટાએ ડિસેમ્બર 2021માં કુલ 35,151 ગાડીઓનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 32,869 યૂનિટની સરખામણીએ છે, જે વાર્ષિક ધોરણે 4%નો ગ્રોથ દર્શાવે છે. ડિસેમ્બર 2021ના ​​રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 22ના ત્રીજા ક્વાર્ટરમાં ટાટાએ કુલ 1,00,070 પેસેન્જર વ્હીકલ્સનું વેચાણ કર્યું હતું, જેમાં વાર્ષિક ધોરણે 12%નો ગ્રોથ નોંધાવ્યો હતો.

મહિન્દ્રાએ 39,157 વ્હીકલ્સ વેચીને 9% ગ્રોથ નોંધાવ્યો
ડિસેમ્બર 2021માં મહિન્દ્રાનું કુલ ઓટો વેચાણ 39,157 ગાડીઓનું હતું. યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં મહિન્દ્રાએ ડિસેમ્બર 2021માં 17,469 વાહનોનું વેચાણ કર્યું હતું, જે ડિસેમ્બર 2020માં વેચાયેલા 16,050 વાહનોની સરખામણીમાં 9% વધારે છે. પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં કંપનીએ ડિસેમ્બર 2021માં 17,722 વાહનોનું વેચાણ કર્યું હતું, જે ડિસેમ્બર 2020માં વેચાયેલા 132 વાહનોની સરખામણીમાં 92% વધારે છે.

હ્યુન્ડાઈનું ડિસ્પેચ 21.6% વધીને 6,35,413 યૂનિટ થયું
કંપનીની કુલ ડિસ્પેચ 2020માં 5,22,542 યૂનિટની સરખામણીએ 2021માં 21.6% વધીને 6,35,413 યૂનિટ થઈ હતી. ઓટોમેકરે ગયા વર્ષે ડોમેસ્ટિક માર્કેટમાં 5,05,033 યૂનિટનું વેચાણ નોંધાવ્યું હતું, જે વર્ષ 2020માં 4,23,642 યૂનિટથી 19.2% વધુ હતું. એ જ રીતે, વર્ષ 2020માં 98,900 યૂનિટની સરખામણીએ ગયા વર્ષે નિકાસ વધીને 1,30,380 યૂનિટ થઈ ગઈ.
ઓટોમેકરે ડિસેમ્બર 2020માં 66,750 યૂનિટની સરખામણીએ એકંદર રિટેલ વેચાણમાં 26.6નો ઘટાડો નોંધાવ્યો હતો, જે 48,933 યૂનિટ પર નોંધાયો હતો. બીજીબાજુ, લોકલ ડિસ્પેચ 31.8% ઘટીને 32,312 યૂનિટ થયો છે, જે ગયા વર્ષના સમાન મહિનામાં 47,400 યૂનિટ હતો. ડિસેમ્બર 2020માં 19,350 યૂનિટની સામે નિકાસ 16,621 યૂનિટ્સ થઈ હતી.

હોન્ડામાં વાર્ષિક આધારે 26%નો ગ્રોથ
હોન્ડાએ 89,152 યૂનિટ સાથે ડોમેસ્ટિક રિટેલ સેલ્સમાં 26%નો વાર્ષિક ગ્રોથ નોંધાવ્યો. છે. કંપનીએ 2020ના જાન્યુઆરી-ડિસેમ્બરના સમયગાળામાં ડોમેસ્ટિક માર્કેટમાં ડીલરોને 70,593 યૂનિટ મોકલ્યાં હતાં. ઓટોમેકરે જણાવ્યું કે, ડિસેમ્બર 2021માં તેની નિકાસ વધીને 16,340 યૂનિટ થઈ હતી, જે 2020માં 2,334 યૂનિટ હતી.

ઓટોમેકરે ડિસેમ્બર 2021માં તેના ડોમેસ્ટિક વેચાણમાં 8%નો ઘટાડો નોંધાવ્યો હતો, જે 7,973 યૂનિટ પર પહોંચી ગયો હતો. તેણે ડિસેમ્બર 2020માં ડોમેસ્ટિક માર્કેટમાં 8,638 યૂનિટ ડિસ્પેચ કર્યાં હતાં. કંપનીએ ગયા મહિને પણ 1,165 યૂનિટની નિકાસ કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં માત્ર 713 યૂનિટની નિકાસ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...