બજેટ ફ્રેન્ડલી કાર ખરીદવા માટે મારુતિ પહેલેથી જ લોકોની પસંદગી બનીને રહ્યું છે ત્યારે હાલ આ કંપનીએ એક એવો નિર્ણય લીધો છે, જે કદાચ ચાહકોને નિરાશ કરી શકે છે. મારુતિએ પોતાની બજેટ ફ્રેન્ડલી હેચબેક કારમાંની એક અલ્ટોના અમુક વેરિએન્ટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ એન્ટ્રી-લેવલ અલ્ટો હેચબેકમાંથી ત્રણ વેરિએન્ટને હટાવી દીધા છે. હવે CNG મોડેલમાં ફક્ત એક જ વિકલ્પ મળશે. બીજી તરફ મારુતિ પોતાનું K10 મોડેલ ફરીથી લાવવાની તૈયારીમાં છે, જેને BS6 આવવાના કારણે વર્ષ 2020માં બંધ કરી દેવામાં આવી હતી.
LXi અને LXi CNG વેરિએન્ટ્સ બંધ કરવામાં આવી રહ્યા છે
મારુતિએ અલ્ટોના સ્ટાન્ડર્ડ, LXi અને LXi CNG વેરિએન્ટને હટાવવાનો નિર્ણય લીધો છે. આની જગ્યાએ હવે તમને (o), LXi(o), LXI(o) CNG, VXi અને VXi પ્લસ વેરિએન્ટમાં મળશે. હવે અલ્ટોના CNG સેગ્મેન્ટમાં તમને ફક્ત એક જ ઓપ્શન જોવા મળશે.
800cc નું પેટ્રોલ એન્જિન
મારુતિ સુઝુકી અલ્ટોમાં 800cc પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 47bhpની પાવર અને 69nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. જ્યારે બીજી તરફ આ કારનું CNG મોડેલ 40bhpની પાવર અને 60nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ હેચબેક કાર 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવે છે.
ફિચર્સથી લેસ છે આ હેચબેક કાર
અલ્ટોમાં તમને 7 ઈંચની ટચસ્ક્રિન ઈન્ફોટેન્મેન્ટ સિસ્ટમ ડ્યુઅલ-ટોન ઈન્ટિરીયર, સેન્ટ્રલ લૉકિંગ, કીલેસ એન્ટ્રી, ફ્રન્ટ અને રિયર કપ હોલ્ડર, રિવર્સ પાર્કિંગ સેન્સર અને ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ જોવા મળશે. જો, કિંમતની વાત કરીએ તો આ કારનું બેસ વેરિએન્ટ બંધ થયા બાદ અલ્ટો કાર પેટ્રોલ વેરિએન્ટની શરુઆતી કિંમત 3.39 લાખ રુપિયા રાખવામાં આવી છે જ્યારે CNG વેરિએન્ટની શરુઆતી કિંમત 5.03 લાખ રુપિયા રહેશે.
નવા K10 મોડેલ પર કામ ચાલી રહ્યું છે
મીડિયા રિપોર્ટસ મુજબ મારુતિએ પોતાની K10 ને માર્કેટમાં લાવવાની તૈયારી કરી દિધી છે. આ કારને એક નવા જ અવતારમાં અપડેટેડ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવશે. આ કારમાં લેટેસ્ટ BS6 એન્જિન મળશે. આ કારને હાલ પૂરતું Y0K કોડનેમ આપવામાં આવ્યું છે અને તે નેક્સ્ટ જનરેશન અલ્ટો પર આધારિત હશે. K10 ને ભારતમાં પહેલીવાર વર્ષ 2010માં લાવવામાં આવી હતી અને વર્ષ 2020માં આ મોડેલ બંધ કરી દેવામાં આવ્યું હતું.
મારુતિ K10થી કંપનીને ફાયદો મળશે
ફાયનાન્શિયલ વર્ષ 2022ના ડેટાની વાત કરીએ તો મારુતિ સુઝુકીએ અલ્ટો અને એસ્પ્રેસોનાં 2,11,762 યુનિટ્સ વેચ્યા છે જ્યારે બીજી એન્ટ્રી-લેવલ હેચબેક જેમકે, રેનોએ ક્વિડના 26,535 યુનિટ્સ વેચ્યા હતાં. એન્ટ્રી-લેવલ હેચબેકનું વાર્ષિક બજાર લગભગ 2.5 લાખ ચુનિટ્સ છે. જો મારુતિ સુઝુકી K10ને બજારમાં યોગ્ય રીતે માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે તો તે ક્વિડને પણ ટક્કર આપશે. અત્યારે ક્વિડમાં 800cc ની સાથે 1000cc એન્જિનનો વિકલ્પ પણ મળે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, કંપની ફેસ્ટિવલ સિઝનની આસપાસ આ નવી હેચબેક કારને લોન્ચ કરી શકે છે.
6 એરબેગ્સ અને ભારત NCAP ટેસ્ટ વર્તમાન સમયમાં ઓટો કંપની માટે ચેલેન્જ બની ગયા છે
ભારત સરકાર લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કારમાં સુરક્ષાના ફિચર્સ વધારવા પર જોર દઈ રહી છે. એવામાં નિતિન ગડકરીએ કારમાં 6 એરબેગ્સનો નિયમ ફરજિયાત કરી દીધો છે. બીજી તરફ આવતાં વર્ષથી ભારતમાં કાર ક્રેશ ટેસ્ટ પણ ફરજીયાત બનાવી દેવામાં આવ્યું છે. આ માટે ભારતમાં NCAP ની શરુઆત કરી દેવામાં આવી છે. આ નાનાકડી એવી કારમાં 6 એરબેગ્સ લગાવવી પડકારરૂપ સાબિત થઈ શકે છે.મારુતિના ચેરમેન આર સી ભાર્ગવે કહ્યું છે કે, સરકારની પોલિસીની અસર તેની નાની ગાડીઓ પર પડી રહી છે. આવી સ્થિતિમાં કંપની તેમને બંધ કરવામાં અચકાશે નહીં. કારમાં 6 એરબેગના નિયમને કારણે મારુતિની સસ્તી હેચબેક સામાન્ય લોકોના બજેટથી પણ આગળ નીકળી જશે. આ કારણોસર કંપની હવે અલ્ટો K10ને નવી જનરેશન અલ્ટો 800 સાથે લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.