મારુતિ સુઝુકી તેનાં ત્રણ સૌથી લોકપ્રિય મોડેલ - અલ્ટો, સેલેરિયો અને વિટારા બ્રેઝાને એક જનરેશન ફેરફાર સાથે માર્કેટમાં લોન્ચ કરવા તૈયાર છે. તાજેતરના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમાંથી ન્યૂ જનરેશન મારુતિ સુઝુકી સેલેરિયો રસ્તાઓ પર ફરનારી પહેલી કાર હશે. કંપની તેની હેચબેક કારના ઓલ-ન્યૂ મોડેલને ફેબ્રુઆરી મહિનામાં લોન્ચ કરવા જઈ રહી છે. જો કે, મારુતિએ આ કારની ઓફિશિયલ લોન્ચિંગ ડેટ જાહેર કરી નથી. 2021 મારુતિ સેલેરિયો વધુ પાવરફુલ એન્જિન સાથે આવી રહી છે અને તેનાં ઇન્ટિરિયર અને એક્સટિરિયર લુકમાં પણ ફેરફાર જોવા મળશે.
નવી કારમાં નવું શું હશે?
સૌથી મોટો ફેરફાર તેનાં પ્લેટફોર્મમાં કરવામાં આવી રહ્યો છે. 2021 ના મારુતિ સુઝુકી સેલેરિયોમાં જૂનું પ્લેટફોર્મ બંધ કરી દેવામાં આવ્યું છે અને હવે કંપની તેના નવા હાર્ટેક્ટ પ્લેટફોર્મ આર્કિટેક્ચરનો ઉપયોગ કરી રહી છે. કંપની આ નવાં પ્લેટફોર્મનો ઉપયોગ પહેલેથી જ તેની ઘણી નવી મોડેલ કારમાં કરી રહી છે. નવું 2021 મારુતિ સુઝુકી સેલેરિયોનું કોડ નેમ 'YNC' રાખવામાં આવ્યું છે. કારનાં ઇન્ટિરિયર હેચબેકમાં 7.0 ઇંચની સ્માર્ટપ્લે સ્ટુડિયો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે, જે એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો બંનેને સપોર્ટ કરે છે. જ્યારે કારના કરન્ટ મોડેલના ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો જ ઉપયોગ કરવામાં આવશે. આ સાથે કારનું ડેશબોર્ડ, સ્ટિયરિંગ વ્હીલ અને સેન્ટર કન્સોલ પણ અપડેટ કરવામાં આવી રહ્યું છે.
નવાં ફીચર્સ
નવી 2021 મારુતિ સેલેરિયો પણ ઓટોમેટિક ક્લાયમેટ કન્ટ્રોલ, સ્ટિયરિંગ માઉન્ટેડ કન્ટ્રોલ અને અન્ય ઘણાં ફીચર્સ સાથે આવી શકે છે. આ હેચબેક કારમાં ડ્યુઅલ ફ્રંટ એરબેગ પ્રોટેક્શન અને સીટબેલ્ટ રીમાઇન્ડર સ્ટાન્ડર્ડ આપવામાં આવશે. આ સિવાય, એન્ટિ-બ્રેક બ્રેકિંગ સિસ્ટમ સાથે ઇલેક્ટ્રોનિક બ્રેક-ફોર્સ ડિસ્ટ્રિબ્યુશન, રિઅર પાર્કિંગ સેન્સર અને રિવર્સ કેમેરા જેવાં ફીચર્સ પણ મળશે.
નવો લુક અને ડિઝાઇન
આ સાથે, કારના એક્સટિરિયરમાં પણ મોટા ફેરફારો કરવામાં આવશે. 2021 મારુતિ સુઝુકી સેલેરિયોમાં નવા ડિઝાઇન કરવામાં આવેલી નાની ફ્રંટ ગ્રિલ અને એર ડેમ, હેલોજન હેડલેમ્પ, ડોર્સના નવા હેન્ડલ, અપડેટેડ રિઅર બંપર અને ટેલલેમ્પ્સ હશે. નેક્સ્ટ જનરેશન મોડેલ સેલેરિયોની સરખામણીએ મોટી, ઉંચી અને વધુ સ્પેસવાળી હશે.
એન્જિન ડિટેલ્સ
નવી 2021 મારુતિ સેલેરિયો વધુ પાવરફુલ એન્જિન સાથે આવશે. આ કારમાં બે એન્જિન ઓપ્શન હશે. પ્રથમ 1.2-લિટર, 4-સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળશે. આ એન્જિન 83bhpનો પાવર જનરેટ કરે છે. આ સિવાય, આ હેચબેક કાર બીજા એન્જિન વિકલ્પ સાથે પણ ઉપલબ્ધ થશે. તેમાં 1.0-લિટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળશે. આ એન્જિન 68bhpનો પાવર જનરેટ કરે છે. આ મોડેલને 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ ઓપ્શન મળી શકે છે. જો કે, આ કારને AMT ગિયરબોક્સ ઓપ્શન પણ આપવામાં આવે એવી શક્યતા છે. મારુતિ સુઝુકી સેલેરિયોનું કરન્ટ મોડેલ 4.41 લાખ રૂપિયાથી લઇને 5.68 લાખ રૂપિયાની કિંમતે વેચાય છે. નવા ફેરફારો સાથે, તેની કિંમત ચોક્કસપણે વધી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.