નાની ગાડીઓ ડિમાન્ડમાં:મારુતિએ સ્વિફ્ટ અને વેગનઆરની સરખામણીએ અલ્ટો અને S-Presso ગાડી વધારે વેચી, ટાટાની ઇલેક્ટ્રિક કારના વેચાણમાં 234%નો વધારો નોંધાયો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓગસ્ટ મહિનો વાહનોના વેચાણ માટે સારો રહ્યો છે. મારુતિ, હ્યુન્ડાઇથી ટાટા, બજાજ ઓટો સહિત લગભગ તમામ કંપનીઓની વાર્ષિક ધોરણે વૃદ્ધિ થઈ છે. જો કે, મહિન્દ્રાનું વેચાણ વાર્ષિક ધોરણે 21.6% ઘટ્યું છે. સેમિકન્ડક્ટર સપ્લાયની સમસ્યા હજુ પણ મોટાભાગની કંપનીઓ સામે છે. જો કે, તેમ છતાં એવું માનવામાં આવી રહ્યું છે કે વેચાણના આંકડા ગયા વર્ષની સરખામણીમાં સતત સુધરશે.

મારુતિ સુઝુકીની વાર્ષિક વૃદ્ધિ 4.8% થઈ છે. કંપનીની એન્ટ્રી લેવલ ગાડીઓની ડિમાન્ડ પ્રીમિયમ હેચબેકની સરખામણીએ વધુ રહી છે. કંપનીએ ઓગસ્ટમાં 130,699 ગાડીઓ વેચી હતી. આ સમયગાળા દરમિયાન તેનું ડોમેસ્ટિક સેલ્સ 105,775 યૂનિટ રહ્યું હતું. તેમજ, કંપનીએ 20,619 ગાડીઓની નિકાસ કરી છે.

એન્ટ્રી લેવલ કારની વધુ ડિમાન્ડ

  • ગયા મહિને મારુતિ સુઝુકીની એન્ટ્રી લેવલની કારની ડિમાન્ડ ભારે રહી હતી. પેસેન્જર વ્હીકલ સેગમેન્ટના મિનિ સેગમેન્ટમાં અલ્ટો અને S-Pressoના કુલ 20,461 યૂનિટ વેચાયાં. જ્યારે ઓગસ્ટ 2020માં કંપનીએ આ બંને ગાડીઓના 19,709 યૂનિટ વેચ્યાં હતાં.
  • પેસેન્જર વ્હીકલના કોમ્પેક્ટ સેગમેન્ટમાં મારુતિએ 45,577 યૂનિટ વેચ્યાં. ઓગસ્ટ 2020માં કંપનીએ આ સેગમેન્ટમાં 61,956 ગાડીઓ વેચી. કોમ્પેક્ટ સેગમેન્ટમાં WagonR, Swift, Celerio, Ignis, Baleno, DZire અને Tour Sનો સમાવેશ થાય છે.
  • પેસેન્જર વ્હીકલ મિડ-સાઇઝ સેગમેન્ટમાં સામેલ સિયાઝનાં 2,146 યૂનિટ વેચાયાં. તેણે ગયા વર્ષના સમાન મહિનામાં 1,223 યૂનિટ વેચ્યાં હતાં.
  • મારુતિએ ગયા મહિને પેસેન્જર કાર સેગમેન્ટમાં કુલ 68,184 ગાડીઓ વેચી હતી. ઓગસ્ટ 2020ની સરખામણીમાં આ 14,704 યૂનિટ ઓછા છે. એક વર્ષ પહેલા કંપનીએ આ સેગમેન્ટમાં 82,888 ગાડીઓ વેચી હતી.

યુટિલિટી વ્હીકલમાં પણ ગ્રોથ નોંધાયો
મારુતિએ ગયા મહિને યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં 24,337 વાહનો વેચ્યાં હતાં. ઓગસ્ટ 2020 માં આ આંકડો 21,030 યૂનિટનો હતો. એટલે કે, કંપનીએ 3,307 યૂનિટ વધુ વેચ્યાં. આ સેગમેન્ટમાં Ertiga, S-Cross, Vitara Brezza, XL6 અને Gypsyનો સમાવેશ થાય છે. તેમજ, વાનના 10,666 યૂનિટ વેચાયાં હતાં. ઓગસ્ટ 2020માં 9,115 વાન વેચાઈ હતી.

ટાટાની ઇલેક્ટ્રિક કારની માગ વધી
ટાટાની કારને ઇલેક્ટ્રિક વાહનો પર મળતી સબસિડીનો લાભ મળ્યો છે. ટાટાએ ગયા મહિને 1,022 ઇલેક્ટ્રિક કાર વેચી હતી. તેને વાર્ષિક ધોરણે 234%ની વૃદ્ધિ મળી છે. કંપનીએ ઓગસ્ટ 2020માં 306 ઇલેક્ટ્રિક કાર વેચી હતી. ટાટાની નેક્સન દેશની લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર પણ છે. તેમજ, કંપનીએ ગયા અઠવાડિયે ટિગોર ઇલેક્ટ્રિક પણ લોન્ચ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...