રાહત:મારુતિએ 31 જુલાઈ સુધી ગાડીઓની ફ્રી સર્વિસ અને વોરંટી ટાઇમ વધાર્યો, જૂનમાં કંપનીના વેચાણમાં 217%નો ગ્રોથ નોંધાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનમાં ઓટોમોબાઈલ કંપનીઓના વેચાણના આંકડા વધુ સારા રહ્યા છે. દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએ માસિક ધોરણે 217%ની વૃદ્ધિ હાંસલ કરી છે. તેણે ગયા મહિને 1,47,368 ગાડીઓનું વેચાણ કર્યું હતું. મે મહિનામાં કંપનીએ ફક્ત 46,555 યૂનિટનું વેચાણ કર્યું હતું. મારુતિએ આ ગ્રોથને સેલિબ્રેટ કરવા તેના ગ્રાહકોની ગાડીઓનો વોરંટી પિરિયડ 31 જુલાઇ સુધી લંબાવી દીધો છે.

કંપનીએ કહ્યું કે, ફ્રીસ સર્વિસ અને વોરંટી એક્સટેન્ડ કરવાનો લાભ એ ગ્રાહકોને મળશે જેનો સમયગાળો 15 માર્ચ, 2021થી 30 જૂન, 2021 વચ્ચેનો હતો. એટલે કે, હવે આ ગ્રાહકો માટેનો વોરંટી પિરિયડ એક મહિના માટે વધારી દેવામાં આવ્યો છે.

ટ્રાવેલિંગના અભાવને કારણે વોરંટી પિરિયડ વધાર્યો
મારુતિ સુઝુકી ઇન્ડિયાના સિનિયર એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર (સર્વિસ) પાર્થો બેનર્જીએ કહ્યું, 'અમે અમારા ગ્રાહકોને સુવિધા આપવા માટે વોરંટી પિરિયડ લંબાવી રહ્યા છીએ. રોગચાળાના સમયમાં, ગ્રાહકો વાહનો દ્વારા મુસાફરી કરવામાં અસમર્થ હોય છે. આવી સ્થિતિમાં, હવે તમે તમારી સુવિધા મુજબ અમારી સર્વિસિસનો લાભ લઈ શકશો. કંપનીની વર્કશોપ સરકાર દ્વારા ફરજિયાત તમામ સલામતી એસઓપીનું પાલન કરી રહી છે.

2 મહિના પહેલા પણ વોરંટી પિરિયડ એક્સટેન્ડ કરાયો હતો
મારુતિ સુઝુકી ઈન્ડિયાએ અગાઉ 15 માર્ચથી 31 મે વચ્ચે પૂરી થતી વાહનોની વોરંટી પિરિયડ 30 જૂન સુધી લંબાવ્યો હતો. જ્યારે પાર્થો બેનર્જીએ કહ્યું કે, ઘણા રાજ્યોમાં ગ્રાહકો કોવિડ -19 રોગચાળાને કારણે લોકડાઉનનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, કંપનીએ તેના ગ્રાહકો માટે ફ્રી સર્વિસિંગ અને વોરંટી પિરિયડ 30 જૂન સુધી વધારવાનો નિર્ણય કર્યો છે.

મારુતિની ગાડીઓની ખૂબ જ ડિમાન્ડ

  • જૂનમાં મારૂતિ કારની માગ સાતમા આસમાને રહી હતી. કંપનીએ 217%ની વૃદ્ધિ સાથે માસિક ધોરણે 1,47,368 યૂનિટનું વેચાણ કર્યું છે. મે મહિનામાં કંપનીએ ફક્ત 46,555 યૂનિટનું વેચાણ કર્યું હતું. મારુતિના કોમ્પેક્ટ વ્હીકલ અને યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં વૃદ્ધિ જોવા મળી.
  • કંપનીએ જૂનમાં 17,237 યૂનિટ વેચ્યાં હતાં જ્યારે મે મહિનામાં 11,262 યૂનિટ હતાં. એ જ રીતે, તેણે મિનિ અને કોમ્પેક્ટ વ્હીકલ સેગમેન્ટમાં ચાર ગણી વૃદ્ધિ સાથે 97,359 યૂનિટનું વેચાણ કર્યું. યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં તેણે મે મહિનામાં 6,355 યૂનિટ સામે 25,484 યૂનિટ વેચ્યાં હતાં.
  • જૂન 2021માં કંપનીએ અલ્ટો અને S-Pressoના 17,439 યૂનિટ વેચ્યાં. ગયા વર્ષે જૂનમાં તેણે આ બંને ગાડીઓના 10,458 યૂનિટ વેચ્યાં હતાં. એ જ રીતે, વેગનઆર, સ્વિફ્ટ, સેલેરિયો, ઇગ્નિસ, બલેનો, ડિઝાયર અને ટૂર એસના ગયા મહિને 68,849 યૂનિટ વેચ્યાં હતાં. ગયા વર્ષે જૂનમાં તેણે આ બધાના 26,696 યૂનિટનું વેચાણ કર્યું હતું.