2021નું ફર્સ્ટ બ્રેકઅપ:મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ફોર્ડનું જોઇન્ટ વેન્ચર બ્રેક કરવાનો નિર્ણય લેવાયો, કારણ કોવિડ ગણાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમેરિકાની ફોર્ડ મોટર કંપની અને ભારતની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જોઇન્ટ વેન્ચર બ્રેક કરવાની જાહેરાત કરી છે. બંને કંપનીઓએ કોવિડ-19 રોગચાળાને લઈને ઉદભવેલા પડકારોને કારણ જણાવ્યું છે. આ બાબતે બંને કંપનીઓએ અલગ અલગ નિવેદનો આપ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લાં દોઢ વર્ષમાં ગ્લોબલ આર્થિક પરિસ્થિતિમાં જે બદલાવ આવ્યા છે તેને જોતાં મૂડી ખર્ચની પ્રાથમિકતાઓ પર પુનર્વિચારણા કરવાની ફરજ પડી છે.

ઓક્ટોબર 2019માં જોઇન્ટ વેન્ચર બનાવવાની જાહેરાત કરાઈ હતી
ફોર્ડના પ્રવક્તા ટી.આર.રીડે જણાવ્યું કે, ગ્લોબલ આર્થિક સ્થિતિ અને બિઝનેસનું વાતાવરણ હવે ગત વર્ષના ઓક્ટોબર મહિનાની જેમ રહ્યું નથી. ઓક્ટોબર 2019માં જ બંને કંપનીઓએ જોઇન્ટ વેન્ચર બનાવવાની જાહેરાત કરી હતી. આ માટે બંને વચ્ચે થયેલા કરાર મુજબ કંપનીઓએ 31 ડિસેમ્બર 2020 સુધીમાં જોઇન્ટ વેન્ચરને અંતિમ રૂપ આપવાનું હતું. પરંતુ કંપનીઓએ કરારને અંતિમ સ્વરૂપ આપવાને બદલે તેને સમાપ્ત કરવાનું નક્કી કર્યું છે.

યુટિલિટી અને ઇલેક્ટ્રિક વ્હીકલ ડેવલપ કરવાની યોજના હતી
ઓક્ટોબર 2019માં કરાર થયા પછી ફોર્ડ અને મહિન્દ્રાએ કહ્યું હતું કે ગાડીઓ તૈયાર કરવાના ખર્ચ ઘટાડવા અને વિકાસશીલ દેશોમાં તેને વેચવા માટે જોઇન્ટ વેન્ચર બનાવવામાં આવશે. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, મિડ-સાઇઝ SUV સહિત ત્રણ યુટિલિટી વ્હીકલ લોન્ચ કરવામાં આવશે. આ ઉપરાંત, ઇલેક્ટ્રિક વાહનોને એકસાથે મળીને ડેવલપ કરવામાં આવશે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે ગાડીઓ માટેનો પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો છે, તો રીડે કહ્યું હતું કે અત્યારે આ વિશે કંઇ કહી શકાશે નહીં. રીડે સ્પષ્ટતા કરી હતી કે ભારતમાં ફોર્ડનો અલગ ધંધો પહેલાની જેમ ચાલુ રહેશે. મહિન્દ્રાએ કહ્યું હતું કે જોઇન્ટ વેન્ચર ટૂટવાની અસર તેના પ્રોડક્ટ પ્લાન પર નહીં પડે. તે ઇલેક્ટ્રિક SUV વિકસિત કરવાના પ્રયાસોને વધુ વેગ આપશે.

કંપનીઓ વધતા જતા ખર્ચને વહેંચવા માટે જોઇન્ટ વેન્ચર બનાવી રહી છે
ઇલેક્ટ્રિક અને સેલ્ફ ડ્રાઇવિંગ ગાડીઓ ડેવલપ કરવામાં આવતો ખર્ચ વધી રહ્યો છે. તેથી, કંપનીઓ મર્જર અને જોઇન્ટ વેન્ચર પર ભાર આપી રહી છે, જેથી ખર્ચ વહેંચી શકાય. આ મર્જરની જાહેરાત ફ્રાંસના PSA અને ફિયાટ ક્રાઇસ્લર દ્વારા ભૂતકાળમાં કરવામાં આવી હતી. 38 અબજ ડોલરનું આ મર્જર 2021ના ​​પહેલા ક્વાર્ટરમાં પૂર્ણ થવાની સંભાવના છે.