કોરિયાની ઓટોમોબાઇલ કંપની કિઆ કોર્પોરેશને તેની ઇલેક્ટ્રિક કાર EV6 લોન્ચ કરી દીધી છે. આ કારનું વેચાણ હજી શરૂ નથી થયું. પરંતુ આ કારના 7,000થી વધુ બુકિંગ થઈ ચૂક્યાં છે. જે રીતે અન્ય ઓટોમોબાઇલ કંપનીઓ ઇલેક્ટ્રિક કારના સેગમેન્ટમાં કામ કરી રહી છે તેને ધ્યાનમાં રાખીને કંપની આ કારનું પ્રોડક્શન ઓક્ટોબર સુધીમાં શરૂ કરવાનું વિચારી રહી છે. તેના બે મહિનાની અંદર જ આ કારની ડિલિવરી શરૂ કરી દેવામાં આવશે.
કંપનીએ આ કારની ડિઝાઇન અને બોડીને તો પ્રીમિયમ લુક આપ્યો જ છે પણ સાથે આ કાર પાવરફુલ પાવર અને ફીચર્સથી પણ સજ્જ છે. કિઆ EV6માં 77.4KWHની યુઝેબલ બેટરી આપવામાં આવી છે. તેની સાથે 800 વોલ્ટની ચાર્જિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
4 મિનિટના ચાર્જિંગમાં 100 કિમી અંતર કાપશે
કિઆ EV6ની બેટરી ક્વોલિટીને લઇને કંપનીનો દાવો છે કે, આ બેટરી ફક્ત 18 મિનિટમાં 80% સુધી ચાર્જ થઈ જશે. આ સાથે કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે, આ કાર માત્ર 4 મિનિટના ચાર્જિંગમાં 100 કિમી સુધીનું અંતર કાપી શકે છે. તેમાં કલાક દીઠ 260 કિમીની ટોપ સ્પીડ મળશે. આ કારને લઇને કંપનીનો સૌથી મોટો દાવો એ છે કે, આ કાર એકવાર ફુલ ચાર્જ કર્યા બાદ 510 કિમીની લાંબી રેન્જ આપશે. તેમાં આ કાર માત્ર 3.5 સેકંડમાં કલાક દીઠ 100 કિમીની સ્પીડ પકડી શકે છે.
યુરોપ અને અમેરિકા માટે લોન્ચ કરવામાં આવી
કિઆ EV6નાં ડાયમેન્શનની વાત કરીએ તો આ કારની લંબાઈ 4,680mm અને પહોળાઈ 1,880mm રાખવામાં આવી છે. ઊંચાઈની વાત કરીએ તો તેને 1,550mm ઊંચાઈ આપવામાં આવી છે. કિઆએ તેની આ ઇલેક્ટ્રિક કારને એક મિડ લેવલ SUV તરીકે લોન્ચ કરી છે. જેને અત્યારે માત્ર યુરોપ અને અમેરિકા માટે લોન્ચ કરવામાં આવી છે. ભારતમાં આ કાર ક્યારે લોન્ચ થશે અને તેની કિંમત શું હશે તે વિશે હજી સુધી કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી. પરંતુ ભારતમાં લોન્ચ થયા બાદ આ કારનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ જોયા બાદ આ કાર BMWની અપકમિંગ ઇલેક્ટ્રિક કારને ટક્કર આપશે એવી ધારણા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.