વર્ષ 2020 ઓટો ઈન્ડસ્ટ્રી માટે કોઈ ખરાબ સપનાથી ઓછું નથી રહ્યું. એપ્રિલમાં કંપનીઓનું 0% વેચાણ રહ્યું હતું. સમય પસાર થતો ગયો અને સેક્ટરમાં તેજી આવતી ગઈ અને ઇન્ડસ્ટ્રી ઝડપથી રિકવરી તરફ આગળ વધી. સેલ્સના આંકડા વધારવા માટે લગભગ તમામ કંપનીઓએ આકર્ષક ઓફર રજૂ કરી. પરંતુ નવા વર્ષમાં કાર ખરીદવાનું મોંઘું સાબિત થશે કારણ કે, લગભગ તમામ મોટી કંપનીઓએ તેમની ગાડીઓની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે, જો કે, કિંમત કેટલી વધારવામાં આવશે તે અંગે હજી પણ રહસ્ય છે. કઈ કંપનીઓની કાર મોંઘી થશે, જુઓ નીચે લિસ્ટ...
1. મારુતિ સુઝુકીની કાર જાન્યુઆરીમાં મોંઘી થશે
કાર માર્કેટની લીડર કંપની મારુતિ સુઝુકી જાન્યુઆરીથી પોતાની ગાડીઓની કિંમતમાં વધારો કરશે. તેનું કારણ રો મટિરિયલની કિંમત વધવાનું છે. આ કિંમતો છેલ્લા એક વર્ષથી સતત વધી રહી છે. તેનાથી કાર બનાવવાના ખર્ચમાં પણ વધારો થયો છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે, ઈનપુટ ખર્ચથી કારની કિંમતમાં વધારો કરવામાં આવી રહ્યો છે. શેર માર્કેટમાં આપેલી જાણકારીમાં કંપનીએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે, ગ્રાહકોએ પણ કેટલાક ખર્ચ ઉઠાવવા પડશે. કંપનીના જણાવ્યા પ્રમાણે, દરેક મોડેલ પર જુદા-જુદા ભાવો વધશે.
પોર્ટફોલિયોમાં એન્ટ્રી લેવલથી પ્રીમિયમ સિડેન સુધી સામેલ
અત્યારે મારુતિ સુઝુકી એન્ટ્રી લેવલની નાની કાર, જેમ કે અલ્ટોથી લઈને સિયાઝ જેવી મોટી કાર વેચે છે. તેની કિંમત 3 લાખથી 12 લાખ રૂપિયાની વચ્ચે હોય છે. કંપનીનો આ નિર્ણય એવા સમયમાં આવ્યો છે જ્યારે કાર કંપનીઓ કોવિડ-19 બાદ રિકવરી કરી રહી છે.
નવેમ્બરમાં તેના ડોમેસ્ટિક કારના વેચાણમાં 2.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કુલ 1.35 લાખ કાર વેચાઈ હતી. એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં તેણે 1.39 લાખ કાર વેચી હતી.
2. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જાહેરાત કરી, જાન્યુઆરીથી મોંઘી થઈ રહી છે ગાડીઓ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જાન્યુઆરીથી પેસેન્જર અને મુસાફરી બંને સેગમેન્ટના વાહનોની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. એક્સચેન્જમાં ફાઈલિંગ દ્વારા કંપનીએ તેની જાણકારી આપી હતી. મીડિયા રિપોર્ટ્સના અનુસાર નવી કિંમતો આગામી 1 જાન્યુઆરીથી લાગુ થશે. કંપનીનું કહેવું છે કે વાહનોના નિર્માણમાં ઈનપુટ કોસ્ટ વધવાથી અને કોમોડિટી કિંમતોમાં તેજીના કારણે વાહનોની કિંમતમાં વધારો કરવામાં આવી રહ્યો છે.
જો કે, હજી આ અંગે કંપનીએ કોઈ સ્પષ્ટા નથી કરી કે વાહનોની કિંમતમાં કેટલો વધારો કરવામાં આવશે. કંપની ટૂંક સમયમાં તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. તાજેતરમાં કંપનીએ ઘરેલુ માર્કેટમાં પોતાની લોકપ્રિય SUV મહિન્દ્રા થારના નેક્સ્ટ જનરેશન મોડેલને લોન્ચ કર્યું હતું. જેને ગ્રાહકોનો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે.
ટ્રેક્ટરની સંપૂર્ણ રેન્જ પણ મોંઘી થશે
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ફાર્મ ઈક્વિપમેન્ટ સેક્ટરની જાહેરાત કરી કે 1 જાન્યુઆરી 2021થી કંપની પોતાના ટ્રેક્ટરોની રેન્જની કિંમતમાં વધારો કરશે. જે તમામ મોડેલ માટે લાગુ હશે. કોમોડિટીની કિંમતમાં વધારો થવાને કારણે આવું કરવામાં આવ્યું છે. તમામ મોડેલોમાં ભાવ વધારાની વિગતો આગળ આપવામાં આવશે.
3. હોન્ડાએ પણ કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો
જાપાની કાર નિર્માતા કંપની હોન્ડા કારની ભારતીય સબ્સિડિયરી હોન્ડા કાસ ઈન્ડિયા લિમિટેડ (HCIL)એ પણ જાન્યુઆરીથી પોતાના તમામ મોડેલની કિંમતમાં વધારો કરવાની યોજના બનાવી છે. આ અંગે કંપનીએ તમામ ડીલર્સને જાણકારી આપી છે. જો કે, કિંમતમાં કેટલો વધારો કરવામાં આવશે, તે અંગે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
કંપનીના એક ડીલરે જાન્યુઆરીથી કિંમતોમાં વધારો થવાની પુષ્ટિ કરી છે. ડીલરનું કહેવું છે કે ઈનપુટ કોસ્ટના દબાણ અને કરન્સીની અસરના કારણે કંપની કિંમતોમાં વધારો કરી રહી છે. કંપનીના પ્રવક્તાએ પણ વધુ જાણકારી આપવાની ના પાડતા કિંમતમાં વધારો કરવાની પુષ્ટિ કરી છે.
HCIL વર્તમાન સમયમાં દેશમાં કોમ્પેક્ટ સેડાન હોન્ડા અમેઝથી લઈન હોન્ડા SUV CR-V ગાડીઓનું વેચાણ કરે છે. હોન્ડાની એન્ટ્રી લેવલ કાર અમેઝની કિંમત 6.17 લાખ રૂપિયાથી શરૂ થાય છે. એન્ટ્રી લેવલ પ્રીમિયમ SUV CR-Vની પ્રારભિંક કિંમત 28.71 લાખ રૂપિયા છે.
4. રેનો ઈન્ડિયા 28 હજાર સુધી કિંમત વધારશે
કાર નિર્માતા રેનો ઈન્ડિયાએ તેના તમામ મોડેલોના ભાવમાં આવતા મહિનાથી 28,000 રૂપિયા વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ભારતીય માર્કેટમાં ક્વિડ, ડસ્ટર અને ટ્રાયબર મોડેલોનું વેચાણ કરે છે. રેનો ઈન્ડિયાએ શુક્રવારે નિવેદનમાં કહ્યું કે પ્રોડક્શન ખર્ચ વધવાથી આ તેને પગલું ભરવું પડ્યું છે.
5. કિઆ મોટર્સ માત્ર સોનેટ-સેલ્ટોસના ભાવમાં જ વધારો કરશે
કિઆ મોટર્સ ઇન્ડિયાએ ડોમેસ્ટિક માર્કેટમાં તેના પહેલાં વર્ષમાં રેકોર્ડ ઓપરેશનલ પ્રોફિટ નોંધાવ્યો છે અને તેને સફળતામાં કંપનીની બે SUV - સેલ્ટોસ અને સોનેટનો મોટો રોલ રહ્યો. આ એકદમ સામાન્ય બાબત છે કે ઓટોમોબાઈલ કંપની કોઇપણ કેલેન્ડર વર્ષની શરૂઆતમાં અનેક કારણો દર્શાવીને તેમનાં વાહનોના ભાવમાં વધારો કરે છે અને વર્ષ 2021માં પણ કંઇક આવું જ જોવા મળશે.
કિઆ મોટર્સ તેની બંને SUV સેલ્ટોસ અને સોનેટ બંનેના ભાવમાં વધારો કરવા જઈ રહી છે જ્યારે પ્રીમિયમ, પ્રેસ્ટિજ અને લિમોઝિન જેવા ત્રણ વેરિઅન્ટમાં વેચાતી કિઆ કાર્નિવલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. કાર્નિવલ પ્રીમિયમ એમપીવી, જે સાત, આઠ અને નવ સીટર રૂપરેખાંકનોમાં વેચાય છે તેની કિંમત રૂ. 24.95 લાખથી લઈને રૂ. 33.95 લાખ (એક્સ-શો રૂમ) છે.
ગયા વર્ષે પણ કંપનીએ સેલ્ટોસની કિંમત વધારી હતી
સાઉથ કોરિયન કંપનીએ ઓગસ્ટ 2019માં સેલ્ટોસ લોન્ચ કરી હતી અને તેને જાન્યુઆરી 2020માં તેની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો.
HTE ટેક લાઇન પેટ્રોલમાં 20 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો, જ્યારે અન્ય ટેક લાઇનના વેરિઅન્ટના ભાવમાં 30,000 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો.
ટેક લાઇનના ડીઝલ વેરિઅન્ટમાં 35 હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો, જે GTX+ ઓટો સમાન હતો.
6. ફોર્ડની તમામ ગાડીઓ એક જાન્યુઆરીથી 35 હજાર રૂપિયા સુધી મોંઘી થશે
1 જાન્યુઆરીથી ફોર્ડ ઇન્ડિયાની તમામ ગાડીઓ મોંઘી થઈ જશે. કંપનીએ તેની કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેમના ભાવમાં 3 ટકાનો વધારો થશે. વધતા ઇનપુટ કોસ્ટને ધ્યાનમાં રાખીને કંપનીએ આ નિર્ણય લીધો છે.
ફોર્ડ ઇન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ સેલ્સ એન્ડ સર્વિસ) વિનય રૈનાએ જણાવ્યું હતું કે, ભાવવધારો 1 ટકાથી 3 ટકાની રેન્જમાં રહેશે. આ રીતે ભાવ આશરે 5,000 રૂપિયાથી વધીને 35,000 રૂપિયા થશે. આ વિવિધ મોડેલો પર નિર્ભર રહેશે. તેમણે કહ્યું કે કાચા માલના વધતા ભાવને કારણે ભાવમાં વધારો કરવો જરૂરી છે.
7. BMW 4 જાન્યુઆરીથી નવી કિંમત લાગુ કરશે
BMW ગ્રુપ ઈન્ડિયાએ જાહેરાત કરી હતી કે એક અભૂતપૂર્વ વર્ષમાં BMW ગ્રુપ ઇન્ડિયાએ તેના ગ્રાહકોને બેસ્ટ ઇન ક્લાસ પ્રોડક્ટ અને સર્વિસિસ આપવા માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. 4 જાન્યુઆરી 2021થી કંપની BMW અને મિનિ પોર્ટફોલિયોના માટે નવી કિંમતો રજૂ કરશે. વધતા ઇનપુટ ખર્ચને કારણે કિંમતમાં 2 ટકાનો નજીવો વધારો કરવામાં આવશે.
ભારતમાં સ્થાનિક રીતે ઉત્પાદિત ગાડીઓની રેન્જમાં BMW 2 સિરીઝ ગ્રેન કૂપ, BMW 3 સિરીઝ, BMW 3 સિરીઝ ગ્રેન ટૂરિસ્મો, BMW 5 સિરીઝ, BMW 6 સિરીઝ ગ્રેન ટૂરિસ્મો, BMW 7 સિરીઝ, BMW X1, BMW X3, BMW X 4, બીએમડબ્લ્યુ એક્સ 5, બીએમડબ્લ્યુ એક્સ 7 અને મિનિ કન્ટ્રીમેનનો સમાવેશ થાય છે.
8. ઇસુઝુ 10 હજાર રૂપિયા સુધી કોમર્શિયલ પિકઅપ રેન્જની કિંમત વધારશે
ઇસુઝુ મોટર્સ ઇન્ડિયાએ તેની કમર્શિયલ પીકઅપ રેન્જ - ડી-મેક્સ રેગ્યુલર કેબ અને ડી-મેક્સ એસ-કેબના ભાવ 01 જાન્યુઆરી 2021થી વધારવાની જાહેરાત કરી છે. હાલના એક્સ શો રૂમ ભાવ કરતાં આશરે 10,000 રૂપિયા વધારો થવાની ધારણા છે. કંપનીનું કહેવું છે કે, વધતા જતા ભાવના ઇનપુટ અને ડિસ્ટ્રીબ્યુશન કોસ્ટને કારણે આ વધારો થયો છે. કંપનીનું કહેવું છે કે, ગ્રાહકો વધુ માહિતી માટે તેની નજીકના ઇસુઝુ ઓથોરાઇઝ્ડ સેલ્સ આઉટલેટનો સંપર્ક કરી શકે છે.
ઘણા ઉદ્યોગો ઓટો સેક્ટર સાથે સીધા જોડાયેલા છે
ઓટોમોટિવ સેક્ટરની વૃદ્ધિ હાંસલ કરવી મહત્ત્વપૂર્ણ છે કારણ કે, તેમાં ઘણા ઉદ્યોગો જોડાયેલા છે. વાહનોના મેન્યુફેક્ચરિંગ માટે સ્ટીલ, આયર્ન, એલ્યુમિનિયમ, પેઇન્ટ, પ્લાસ્ટિક, ગ્લાસ, ચામડા, ઇલેક્ટ્રોનિક્સ, રબર વગેરે જરૂરી છે. આ ક્ષેત્રમાં ઓટોમોબાઈલ ફાઇનાન્સિંગના રૂપમાં બેંકિંગ/ NBFC ઉદ્યોગનું નોંધપાત્ર યોગદાન છે, જે રિટેલ લોનનું એક સૌથી સામાન્ય સ્વરૂપ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.