• Gujarati News
  • Utility
  • Automobile
  • Install 10 Accessories In The Vehicle, From The Wheel Lock To The Steering Lock And Gear Lock, The Thief Can't Move The Car Even An Inch

સેફ્ટી ટિપ્સ:વ્હીલ લોકથી લઇને સ્ટિયરિંગ લોક અને ગિયર લોક સહિત 10 એક્સેસરીઝ ગાડીમાં લગાવી લો, ચોર ગાડીને એક ઇંચ પણ આગળ નહીં લઈ જઈ શકે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હવે કારમાં એવા ઘણાં ફીચર્સ આવી રહ્યાં છે જે તેને ચોરી થતાં બચાવે છે. જો કે, એ વાતની ગેરંટી નથી કે કાર ચોરી નહીં જ થાય. તાજેતરમાં ઇંદોરમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અહીં વરૂણી પાલીવાલ (21) નામની મહિલાની હ્યુન્ડાઇ ક્રેટા કારને ચોરોએ ચોરી કરી નાખી. વરુણીનું કહે છે કે, તેની કારમાં ઘણાં હાઈ સિક્યોરિટી ફીચર્સ હતાં. આવી સ્થિતિમાં, અમે અહીં કેટલાક ગેજેટ્સ અને એક્સેસરીઝ વિશે જણાવી રહ્યાં છીએ, જે તમારી કાર ચોરી થતાં બચાવશે.

1. વ્હીલ લોક: પ્રારંભિક કિંમત 1,000 રૂપિયા
પાર્કિંગ પોલીસ ઘણીવાર આ લોકનો ઉપયોગ કરે છે. તે મેટલથી બનેલું હોય છે અને ખૂબ જ મજબૂત હોય છે. તેને તોડવું કે કાપવું એટલું સરળ નથી હોતું. તેનો પ્લસ પોઇન્ટ એ છે કે તે કારની બહારથી દેખાય છે. આવી સ્થિતિમાં, જો કોઈ ચોર તમારી ગાડી ચોરી કરવાનું વિચારી રહ્યો હોય તો પછી તેનો વિચાર બદલી નાખશે. તે ઓનલાઇન તેમજ ઓફલાઇન પણ સરળતાથી ઉપલબ્ધ છે.

2. સ્ટિયરિંગ વ્હીલ લોકઃ પ્રારંભિક કિંમત 600 રૂપિયા
આ લોક વિવિધ પ્રકારની ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. પરંતુ બધાનું કામ સ્ટિયરિંગ ફરતા અટકાવવાનું છે. કેટલાક નવા સ્ટિયરિંગ લોકમાં એક અલાર્મ ફીચર પણ હોય છે. જેવી કોઈ વ્યક્તિ તેને ખોલવાનો પ્રયત્ન કરશે અલાર્મ વાગશે. બજારમાં એવા કેટલાક લોક પણ ઉપલબ્ધ છે કે જે સ્ટિયરિંગને તેમજ બ્રેક અથવા એક્સિલરેટર પેડલ પણ લોક કરી દે છે.

3. પેડલ લોક: પ્રારંભિક કિંમત 700 રૂપિયા
સ્ટિયરિંગ વ્હીલની જેમ પેડલ લોકનો ઉપયોગ પણ એક્સિલરેટર અને બ્રેક લોક કરવામાં કામ આવે છે. જો આ ગાડીમાં લગાવવામાં આવ્યું હોય તો કોઈપણ ચોર તમારી કારને સરળતાથી ચોરી શકશે નહીં. આમાંથી કોઈપણ લોકને ગમે ત્યારે યુઝ કરી શકાય છે અથવા વધુ સેફ્ટી માટે એક કરતાં વધુ લોકનો ઉપયોગ કરી શકાય છે.

4. હુડ લોકઃ પ્રારંભિક કિંમત 500 રૂપિયા
ઘણા કેસમાં જ્યારે ચોર ગાડી નથી ચોરી શકતો તો તે એન્જિન અથવા બેટરીને નિશાન બનાવે છે. આવી સ્થિતિમાં, હૂડ લોક ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. જો ગાડીમાં હૂડ લોક હશે તો ચોર તમામ પ્રયત્નો કર્યા પછી પણ ગાડીની હૂડ ખોલી શકશે નહીં, જેના કારણે વાહનના બેટરી, એન્જિન અને અન્ય ભાગો સુરક્ષિત રહેશે.

5. ગિયર શિફ્ટ લોક: પ્રારંભિક કિંમત 500 રૂપિયા
ગાડી ચોરી થતા બચાવવા ગિયર શિફ્ટ લોકનો પણ ઉપયોગ કરી શકાય છે. આ ગિયર શિફટરને સંપૂર્ણપણે લોક કરે છે. આવી સ્થિતિમાં, જો ચોર કારમાં બેસીને એન્જિન શરૂ કરશે તો પણ ગાડી આગળ વધી શકશે નહીં. ગિયર શિફ્ટનું લોક ખૂબ મજબૂત હોય છે, તે સરળતાથી તોડી શકાતું નથી.

6. કિલ સ્વિચઃ પ્રારંભિક કિંમત 2,000 રૂપિયા
આ એક નાની ડિવાઇસ હોય છે, જેને બેટરી ડિસનેક્ટ સ્વિચ પણ કહેવાય છે. તેને કારમાં એવી જગ્યાએ લગાવવામાં આવે છે જ્યાં તે સરળતાથી દેખાઈ ન જાય. આ સ્વિચ સીધી ગાડીની બેટરી અથવા ફ્યુલ પંપ સાથે કનેક્ટેડ હોય છે. ગાડી પાર્ક કરતી વખતે જો તમે સ્વિચ ઓફ કરી દેશો તો ગાડીની બેટરી અથવા ફ્યુલ પંપ ડિસકનેક્ટ થઈ જાય છે. હવે કોઈ તમારી કાર શરૂ કરી શકશે નહીં.

7. GPS ટ્રેકર: પ્રારંભિક કિંમત 1,000 રૂપિયા
આ એક ખૂબ જ જૂની ડિવાઇસ છે. તેની મદદથી ચોરાયેલી ગાડી શોધવી સરળ બને છે. તેની મદદથી તમે ગાડીનું લાઇવ લોકેશન ટ્રેસ કરી શકશો. આ ઉપરાંત, ગાડીના કેટલાક ફીચર્સ પણ કન્ટ્રોલ કરી શકાય છે જેમ કે, એપ્લિકેશનની મદદથી એન્જિન ચાલુ અને બંધ કરી શકાય છે. જો કાર કોઈને આપવામાં આવી હોય અને તમે ઇચ્છો છો કે ગાડી કોઈ ચોક્કસ વિસ્તારમાં રહે અને તેની બહાર ન જાય તો તમે ઇમેજીનરી જિયો બાઉન્ડ્રી ક્રિએટ કરી શકો છો. આવું કરવાથી જેવી ગાડી તે બાઉન્ડ્રીની બહાર જશે કે તરત જ તમને ફોન પર અલર્ટ મળી જશે. આ સાથે ગાડીનું લાઇવ લોકેશન, સ્પીડ, રનિંગ અને એવરેજ પણ જાણી શકાશે.

8. વીડિયો મોનિટર: પ્રારંભિક કિંમત 7,000 રૂપિયા
આ ડેડિકેટેડ એન્ટિ થેફ્ટ ડિવાઇસ નથી અને ન તો તેને ગાડીની ચોરી અટકાવવા બનાવવામાં આવ્યું છે. તે બાળકોની સંભાળ રાખવા માટે બનાવવામાં આવ્યું હતું. પરંતુ ઘણા લોકો તેની મદદથી ગાડીની સંભાળ લઈ રહ્યાં છે. આ પ્રોડક્ટ કેમેરા સાથે આવે છે, જે વાહનની અંદર ઇન્સ્ટોલ કરવો પડે છે, અને આ સાથે એક ડિસપ્લે મળે છે. આ ડિસપ્લેમાં ગાડીની અંદરની વીડિયો જોઈ શકાય છે, ફોટા ક્લિક કરી શકાય છે, રાત્રે વધુ સારી રીતે જોવા માટે તેને નાઇટ વિઝન પણ મળે છે. આ મોનિટર સાઉન્ડ સેન્સિટિવ છે. ગાડીની અંદર કોઈપણ અવાજ થાય તો તે તરત જ એક્ટિવેટ થઈ જશે અને યુઝરને નોટિફાય કરી દેશે.

9. એન્જિન ઇમોબિલાઇઝર: પ્રારંભિક કિંમત 1,500 રૂપિયા
સામાન્ય રીતે તો ઘણી ગાડીઓમાં કંપનીની તરફથી જ એન્જિન ઇમોબિલાઇઝર મળી જાય છે. પરંતુ હજી પણ ઘણી ગાડીઓમાં આ ફીચર અવેલેબલ નથી. જો ગાડીમાં એન્જિન ઇમોબિલાઇઝર હોય તો ગાડી અન્ય કોઈ ચાવીથી સ્ટાર્ટ નહીં થાય, માત્ર ઓરિજિનલ ચાવીથી જ શરૂ થશે. જો ચોર બનાવેલી ડુપ્લિકેટ ચાવી મળી જાય તો પણ તે કાર શરૂ કરી શકશે નહીં. કારની ઓરિજિનલ ચાવીમાં એક ચિપ આપવામાં આવી હોય છે, જે ગાડીમાં લાગેલી ECU (એન્જિન કંટ્રોલ યુનિટ)ને સિગ્નલ મોકલે છે. આ સિગ્નલ વિના કાર શરૂ થશે નહીં.

10. સેન્ટ્રલ લોક સિસ્ટમ: પ્રારંભિક કિંમત 500 રૂપિયા
આ સમયે મોટાભાગની ગાડીઓ સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ સાથે ફીટ થયેલી આવી રહી છે. પરંતુ જો તમારી કારમાં તે ના હોય તો પણ તે બહારથી પણ ઇન્સ્ટોલ કરાવી શકો છો. જો કે, ઘણા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે, સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ હોવા છતાં પણ ગાડી ચોરી થાય છે. તેથી તેના પર 100% વિશ્વાસ કરી શકાતો નથી. પરંતુ તે ઘણી હદ સુધી અસરકારક છે. તેનું ફિટિંગ કંપનીના શો રૂમમાં પણ કરવામાં આવે છે.

ભાવ વિશે: અહીં જણાવવામાં આવેલ ગેજેટ્સ અને એક્સેસરીઝની કિંમત ઓનલાઇન પ્લેટફોર્મ પરથી લેવામાં આવે છે. વિવિધ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર તેમની કિંમત અલગ હોઈ શકે છે.