રાત્રે લોન્ગ ડ્રાઇવ કરવાનું હોય તો ઊંઘ ભગાડવા મનપસંદ મ્યૂઝિક વગાડો, સમયાંતરે ટી બ્રેક લેતા રહો

3 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ગાડી લઇને લાંબું અંતર કાપવાનું હોય તો હંમેશાં તેને અવોઇડ કરવાનું કહેવામાં આવે છે. રાત્રે લોન્ગ ડ્રાઇવ કરવું ક્યારેય સલાહભર્યું નથી, પરંતુ ઘણી વાર સંજોગો એવા બને છે કે રાત્રે કાર ચલાવવી ફરજિયાત બની જાય છે. જ્યારે આવી પરિસ્થિતમાં ડ્રાઇવ કરવાનું આવે ત્યારે ઊંઘ દૂર કરવી એક પડકાર બની જાય છે. ત્યારે ડ્રાઇવ કરતી વખત ઝોકું ન આવી જાય તેના માટે નીચે આપેલી સેફ્ટી ટિપ્સ ફોલો કરી શકાય.
 

મિત્રોને સાથે રાખો
કોઇને સાથે રાખીને ડ્રાઇવ કરવું હંમેશાં સારું સાબિત થાય છે. એમાં પણ જો તેને કાર ચલાવતા આવડતું હોય તો સૌથી સારું. જેથી તે થોડા સમય માટે કાર ચલાવવાની જવાબદારી લઈ શકે. તેની સાથે વાતો કરીને પણ તમે જાગતા રહેશો અને પ્રવાસ લાંબો હોવાનો અને થાક લાગવાનો અનુભવ નહીં થાય.
 

ગાડી ચલાવતા પહેલાં થોડી ઊંઘ
લોન્ગ ડ્રાઇવ પર જતા પહેલાં થોડો આરામ કરવો જરૂરી છે. મુસાફરી શરૂ કર્યાં પહેલાં જો તમે 15 અથવા 30 મિનિટની ઊંઘ લઈ લેશો તો તમને થાક નહીં લાગે અને ગાડી ચલાવતી વખતે ઊંઘ પણ નહીં આવે.
 

સંગીત પણ મદદગાર
તમારું મનપસંદ સંગીત પણ તમને ઊંઘ નથી આવવા દેતું. આ ગીતોના શબ્દો તમને યાદ હોય તો તમે સાથે ગણગણો પણ છો, જેનાથી મગજ ઊંઘના વિચારથી દૂર રહે છે. મ્યૂઝિક એવું વગાડવું જેનાથી ઊંઘ ન આવે.
 

કેફીન
કેફીન વિશ્વનું સૌથી લોકપ્રિય ઉત્તેજક માનવામાં આવે છે. ડ્રાઇવિંગ દરમિયાન ચા-કોફી પીવા માટે લીધેલો બ્રેક તમારી ચેતના પર ખૂબ અસર કરે છે. જો આંખો ભારે થઈ જાય તો વ્યક્તિએ ચા-કોફી પીવા માટે એક બ્રેક લઈ લેવો જોઇએ.
 

સેફ ડ્રાઇવિંગ માટે જરૂરી છે

 • યોગ્ય બ્લડ પ્રેશર
 • યોગ્ય હાર્ટ રેટ અને નજર
 • અવાજ આવવા પર તરત પ્રતિક્રિયા આપવાની ક્ષમતા
 • પ્રકાશ પડવા પર તરત પ્રતિક્રિયા આપવાની ક્ષમતા
 • સ્પીડ સમજવાની કેપેસિટી

આ સ્થિતિમાં ડ્રાઇવિંગ તરત જ અટકાવી દેવું

 • સતત અને અસહ્ય બગાસાં આવવા લાગે.
 • તમને થોડા કિલોમીટર પસાર થવાનો અનુભવ ન થઈ રહ્યો હોય.
 • મનમાં સતત વિચારો આવતા હોય અને આજુબાજુ થઈ રહેલી વાતોનો તમને અનુભવ ન થઈ રહ્યો હોય.
 • પોપચા ભારે લાગતા હોય.
 • તમારું માથું એકબાજુ વળી જતું અનુભવાય.
 • અચાનક બીજી લેનમાં જતા રહો તો તરત જ કારને બાજુમાં રોકી દો.