વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ ગુજરાતમાં થયેલી ઈન્વેસ્ટર સમિટમાં વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી લોન્ચ કરી છે. આ પોલિસી હેઠળ માત્ર ગાડીની ઉંમર જોઈને એને સ્ક્રેપ નહીં કરાય. પરંતુ ફિટનેસ ટેસ્ટમાં અનફિટ હશે એવી ગાડીઓને પણ સ્ક્રેપ કરવામાં આવશે. એટલે કે ગાડી 10 વર્ષ જૂની હશે ત્યારે પણ એને સ્ક્રેપ કરી શકાશે. હવે આ પોલિસીમાં એક નવી બાબત ઉમેરમાં આવી છે. વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી હેઠળ જૂની ગાડીઓને ભંગારમાં વેચીને નવી ખરીદવા પર ગ્રાહકોને રોડ ટેક્સ પર રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત ડિસ્કાઉન્ટ મળશે. માર્ગ પરિવહન મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે, આ ડિસ્કાઉન્ટ કોમર્શિયલ વ્હીકલ પર 1%થી 15% સુધી હોઇ શકે છે, જ્યારે પેસેન્જર ગાડીઓ પર 1%થી 25% સુધી હોઈ શકે છે. જો કે, જૂની ગાડીઓને ભંગારમાં વેચીને ખરીદવામાં આવેલી નવી ગાડીઓ પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તે રાજ્ય સરકારો દ્વારા નક્કી કરવામાં આવશે.
રોડ ટેક્સમાં ડિસ્કાઉન્ટ માટે નિયમોમાં ફેરફાર કરાયો
સરકારી અધિકારીઓએ કહ્યું કે, લોકોને જૂની અને પ્રદૂષણ ફેલાવતી ગાડીઓ કાઢી નાખવા માટે સમજાવવા સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. જોઇન્ટ સેક્રેટરી અમિત વરદાનના જણાવ્યા અનુસાર, 'રોડ ટેક્સમાં ડિસ્કાઉન્ટ માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ એડવાઇઝરી નહીં હોય. ટેક્સના સિદ્ધાંત પર નિર્ણય લેવાની સત્તા કેન્દ્ર પાસે છે. તેથી, આ કામ કાયદાકીય માળખામાં રહીને કરવામાં આવી રહ્યું છે.'
નવી ગાડીઓના વેચાણમાં 30% સુધીનો વધારો થશે
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વ્હીકલ સ્ક્રેપેજ પોલિસી લાગુ કરવામાં તમામ રાજ્યોનો સહકાર મળશે એવી આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 'રાજ્ય સરકારો સ્ક્રેપેજ પોલિસી અપનાવીને વધુ આવક મેળવશે કારણ કે, નવી ગાડીઓના વેચાણમાં 25%થી 30%નો ઉછાળો આવશે. તેનાથી રાજ્યો અને કેન્દ્ર સરકાર બંનેને વધુ ટેક્સ રેવન્યૂ મળશે. તેનાથી વધુ રોજગારીનું સર્જન કરશે અને વાહનો દ્વારા થતા પ્રદૂષણમાં ઘટાડો થશે.'
રજિસ્ટ્રેશન ફી સંપૂર્ણપણે માફ
સરકારે જૂની ગાડીઓને ભંગારમાં વેચીને નવી ગાડીઓ ખરીદનારાઓને રજીસ્ટ્રેશન ફીમાં સંપૂર્ણ છૂટ આપતું એક જાહેરનામું બહાર પાડ્યું છે. રોડ ટેક્સમાં ડિસ્કાઉન્ટ, ઝીરો રજિસ્ટ્રેશન ફી અને ગાડી બનાવતી કંપનીઓ તરફથી 5% સુધીનું ડિસ્કાઉન્ટ ત્યારે જ મળશે જ્યારે સ્ક્રેપેજ સર્ટિફિકેટ બતાવવામાં આવશે. લોકો અન્ય લોકોને પણ આવા સર્ટિફિકેટ વેચી શકશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.