ભાવવધારો:જાન્યુઆરીથી હોન્ડાની ગાડીઓ મોંઘી થઈ જશે, કંપનીએ તમામ ડીલર્સને જાણ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હોન્ડા કાર્સના પ્રવક્તાએ ભાવવધારાની પુષ્ટિ કરી છે
  • મારુતિ સહિત અન્ય ઘણી કંપનીઓએ પણ ભાવમાં વધારો કર્યો

જાપાની ઓટોમોબાઇલ કંપની હોન્ડા કાર્સની ઇન્ડિયન સબ્સિડરી હોન્ડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL) જાન્યુઆરીથી તેના તમામ મોડેલોના ભાવમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. આ સંદર્ભે, કંપનીએ તમામ ડીલર્સને જાણ કરી છે. જો કે, કંપની કિંમત કેટલી વધારશે એ અંગે માહિતી આપી નથી.

હોન્ડાની કાર કિંમત 6.17 લાખ રૂપિયાથી શરૂ થાય છે
HCIL અત્યારના સમયમાં દેશમાં કોમ્પેક્ટ સિડેન હોન્ડા અમેઝથી લઇને હોન્ડા SUV CR-V ગાડીઓનું વેચાણ કરે છે. હોન્ડાની એન્ટ્રી લેવલ કાર અમેઝની કિંમત 6.17 લાખ રૂપિયાથી શરૂ થાય છે. એન્ટ્રી-લેવલ પ્રીમિયમ SUV CR-Vની 28.71 લાખથી શરૂ થાય છે. કંપનીના એક ડીલરે જાન્યુઆરીથી ભાવવધારાની પુષ્ટિ કરી છે. ડીલરનું કહેવું છે કે, ઇનપુટ કોસ્ટના દબાણ અને કરન્સી ઇફેક્ટના કારણે કંપની ભાવમાં વધારો કરી રહી છે. કંપનીના પ્રવક્તાએ પણ વધુ વિગતો આપવાની ના પાડતાં ભાવવધારો થવાની પુષ્ટિ કરી હતી.

રેનો ઇન્ડિયાએ 28 હજાર રૂપિયા સુધી કિંમત વધારી
ગયા અઠવાડિયે ઓટોમોબાઇલ કંપની રેનો ઇન્ડિયાએ પણ જાન્યુઆરીથી તમામ મોડેલ્સ પર 28,000 રૂપિયા સુધીનો વધારો કરવાની જાહેરાત કરી છે. રેનો ક્વિડ, ડસ્ટર અને ટ્રાઇબરના નામથી ગાડીઓ વેચે છે. કંપનીનું કહેવું છે કે, કિંમતમાં વધારો તમામ વેરિઅન્ટ અને પ્રોડક્ટ્સ પર લાગુ થશે. આ અગાઉ, મારુતિ સુઝુકી, ફોર્ડ ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ જાન્યુઆરીથી ભાવવધારાની જાહેરાત કરી છે.

હીરો મોટોકોર્પ પણ ભાવમાં વધારો કરશે
દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર ઓટોમોબાઇલ કંપની હીરો મોટોકોર્પે પણ વાહનોના ભાવમાં વધારાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે, 1 જાન્યુઆરી, 2021થી તેના તમામ ટૂ-વ્હીલર્સના ભાવમાં 1,500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે, ઇનપુટ કોસ્ટ વધવાને કારણે કિંમતમાં વધારો કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...