ગુડ ન્યૂઝ:હીરો મોટોકોર્પે હરિયાણા અને ઉત્તરાખંડના પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ કર્યું, કર્મચારીઓ હાલ માત્ર એક શિફ્ટમાં કામ કરશે

એક વર્ષ પહેલા

દેશની સૌથી મોટી ટૂ-વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપની હીરો મોટોકોર્પે આજથી તેના 3 પ્લાન્ટ્સ પર પ્રોડક્શન શરૂ કરી દીધું છે. જે પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ કર્યું છે તે હરિયાણા અને ઉત્તરાખંડમાં છે. હીરો મોટોકોર્પે તેના તમામ પ્લાન્ટમાં પ્રોડક્શન 22 એપ્રિલથી 2 મે દરમિયાન તબક્કાવાર રીતે બંધ કર્યું હતું. ત્યારબાદમાં 16 મે સુધી પ્રોડક્શન બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

એક શિફ્ટમાં કામ થશે
હીરો મોટોકોર્પે એક નિવેદનમાં જણાવ્યું છે કે, હરિયાણાના ગુડગાંવ-ધારુહેડા અને ઉત્તરાખંડના હરિદ્વાર પ્લાન્ટમાં પ્રોડક્શન શરૂ થવા જઈ રહ્યું છે. હાલમાં ત્રણેય પ્લાન્ટમાં શિફ્ટમાં કામ કરવામાં આવશે. ત્રણેય પ્લાન્ટમાં લોકલ માર્કેટ ઉપરાંત ગ્લોબલ માર્કેટ માટે પણ પ્રોડક્શન કરવામાં આવશે. અન્ય પ્લાન્ટમાં પ્રોડક્શન અંગે કંપનીએ કહ્યું કે, તે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. અન્ય મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અને સુવિધા ધીમે-ધીમે ખોલવામાં આવશે.

એપ્રિલમાં તમામ 6 પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા હતા
હીરો મોટોક્રોર્પે 22 એપ્રિલથી દેશના તમામ 6 પ્લાન્ટ બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ સમય દરમિયાન કંપનીએ તમામ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં જરૂરી મેન્ટેનન્સની કામગીરી કરવાનું કહ્યું હતું. હરિયાણા, ઉત્તરાખંડ ઉપરાંત આંધ્રપ્રદેશના ચિત્તૂર, રાજસ્થાનના નીમરાણા અને ગુજરાતમાં હાલોલમાં પણ હીરો મોટોકોર્પના પ્લાન્ટ છે. આ તમામ પ્લાન્ટ્સમાં 80 હજારથી વધુ કર્મચારીઓ કાર્યરત છે.

45 વયથી વધુ 90% કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી
કર્મચારીઓના વેક્સિનેશન અંગે હીરો મોટોકોર્પે જણાવ્યું કે, 45 વર્ષથી વધુ ઉંમરના 90%થી વધુ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવી ચૂકી છે. કંપનીએ કહ્યું કે, તમામ પ્લાન્ટમાં કડક સુરક્ષા અને હાઇજીન પ્રોટોકોલનો અમલ કરવામાં આવી રહ્યો છે. કંપનીની તમામ કોર્પોરેટ ઓફિસો પહેલેથી જ ઘરેથી કામ કરી રહી છે.

હીરો મોટોકોર્પ 2025 સુધીમાં 50 નવી પ્રોડક્ટ લોન્ચ કરશે
હીરો મોટોકોર્પ 2025 સુધીમાં દેશમાં કુલ 50 નવી પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. તેમાં નવા મોડેલ્સ, વેરિઅન્ટ અને કરન્ટ મોડેલના ફેસલિફ્ટ મોડેલ સામેલ છે. હીરોએ જણાવ્યું કે, કંપની આગામી પાંચ વર્ષ માટે દર વર્ષે ઓછામાં ઓછા 10 નવી પ્રોડક્ટ લોન્ચ કરવા પર કામ કરી રહી છે. હીરો મોટોકોર્પના ચેરમેન અને CEO ડો.પવન મુંજાલનું કહેવું છે કે, આ પગલું હીરો મોટોકોર્પને ચોક્કસપણે ભારતીય બજારમાં આગળ વધવામાં મદદ કરશે.

પોર્ટફોલિયોમાં 51 હજારથી 1.17 લાખ રૂપિયા સુધીના ટૂ-વ્હીલર સામેલ
અત્યાર સુધી હીરોના ભારતીય લાઇનઅપમાં 51,200 રૂપિયાથી લઇને 1.17 લાખ રૂપિયા સુધીની બાઇક્સ સામેલ છે. બીજીબાજુ, હીરોના ચાર સ્કૂટર્સ પ્લેઝર પ્લસ, મેસ્ટ્રો એજ 110, મેસ્ટ્રો એજ 125 અને ડેસ્ટિને 125 પણ સામેલ છે. આ સ્કૂટર્સના ભાવ 57,300 રૂપિયાથી લઈને 72,950 રૂપિયા સુધીના છે. (તમામ કિંમતો, એક્સ-શો રૂમ, નવી દિલ્હી)

ટૂ-વ્હીલર માર્કેટ શેરમાં પણ હીરોનું વર્ચસ્વ
માર્ચમાં ટૂ-વ્હીલર સેગમેન્ટના વ્હીકલ રજિસ્ટ્રેશનમાં 35.26%નો ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આ દરમિયાન, હીરો મોટોકોર્પ લિમિટેડે સૌથી વધુ કમાણી કરી છે. માર્ચમાં હીરોના 3,96,573 ટૂ-વ્હીલર્સનું રજિસ્ટ્રેશન થયું હતું અને તેનો માર્કેટ શેર 33.17% રહ્યો હતો. જો કે, માર્ચ 2020ની તુલનામાં તેનો માર્કેટ શેર 9.54% ઘટી ગયો. હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઈન્ડિયા 26.19% સાથે માર્કેટ શેરમાં બીજા નંબરે છે.