ભાવવધારો:હીરો મોટોકોર્પનાં બાઇક્સમાં 1,500 રૂપિયા સુધીનો વધારો નોંધાશે, 1 જાન્યુઆરીથી નવી કિંમત લાગુ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ કહ્યું - સ્ટીલ, પ્લાસ્ટિક સહિત તમામ પ્રકારના કાચા માલની કિંમત વધી
  • મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિત અનેક કાર કંપનીઓએ પણ કિંમત વધારી

કાર કંપનીઓ પછી હવે મોટરસાઇકલ કંપનીઓએ પણ વ્હીકલ્સના ભાવ વધારવા શરૂ કરી દીધા છે. તેની શરૂઆત દેશની સૌથી મોટી મોટરસાઇકલ બનાવતી કંપની હીરો મોટોકોર્પ દ્વારા કરવામાં આવી છે. કંપનીએ કહ્યું કે, 1 જાન્યુઆરી 2021થી તમામ બાઇક્સની કિંમતમાં રૂ. 1500નો વધારો કરવામાં આવશે. ઇનપુટ ખર્ચમાં વધારો થવાને કારણે કંપનીએ આ નિર્ણય લીધો છે.

તમામ પ્રકારના કાચા માલના ભાવમાં વધારો થયો
કંપનીએ નિવેદનમાં કહ્યું કે, બાઇક્સના પ્રોડક્શનમાં ઉપયોગમાં લેવાતા તમામ પ્રકારના કાચા માલના ભાવમાં વધારો થયો છે. આમાં સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક અને ધાતુની કિંમત સામેલ છે. કાચા માલના ભાવમાં થયેલા વધારાની અસરને ઘટાડવા કંપનીએ બાઇક્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જો કે, ભાવમાં વધારો મોડેલ અનુસાર બદલાશે.

ગ્રાહકો પર ઓછામાં ઓછી અસર પડે એ માટે પ્રયત્નશીલ
કંપનીનું કહેવું છે કે, અમે પહેલાં જ Leap-2 અમ્બ્રેલા હેઠળ બચત કાર્યક્રમનો ઝડપથી અમલ કરી દીધો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ વધતા ખર્ચની અસર ઘટાડવાનો છે. કંપનીનું કહેવું છે કે, આ કાર્યક્રમ ગ્રાહકો પરનો ભાર ઓછો કરવા અને તેમના માર્જિનને સુરક્ષિત રાખવા માટે શરૂ કરવામાં આવ્યો છે.

મારુતિ સુઝુકી સહિત અનેક ઓટોમોબાઇલ કંપનીઓએ ભાવવધારાની જાહેરાત કરી હતી
કાચા માલના ખર્ચમાં વધારો થવાને કારણે ઘણી કાર કંપનીઓએ ભાવ વધારાની જાહેરાત કરી છે, જેમાં મારુતિ સુઝુકી ઇન્ડિયા, ફોર્ડ ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને કિઆ મોટર્સ સામેલ છે. તમામ કંપનીઓએ જણાવ્યું કે, નવી કિંમત 1 જાન્યુઆરી 2021થી લાગુ થશે. જો કે, કોઈપણ કંપનીએ ભાવવધારાની રકમની જાહેરાત કરી નથી.