સ્વીચ CSR 762 લોન્ચ:ઈલેક્ટ્રિક બાઈકમાં ગુજરાતના સિંહોની ઝલક, 40,000 રૂપિયાની સબસિડી ને કિંમત માત્ર 1.65 લાખ રૂપિયા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈલેક્ટ્રિક બાઈક નિર્માતા કંપની સ્વિચ (સ્વિચ) મોટોકોર્પે આખરે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો છે. કંપનીએ પોતાની પહેલી ઈલેક્ટ્રિક મોટરસાઈકલ CSR 762 લોન્ચ કરી છે. તેની એક્સ-શોરૂમ કિંમત માત્ર 1.65 લાખ રૂપિયા છે. વિશેષ વાત તો એ છે કે, તમને આ બાઈક પર 40 હજાર રૂપિયાની સબસિડી પણ મળી રહી છે. કંપની વર્ષ 2022માં CSR 762 પ્રોજેક્ટમાં પણ 100 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. CSR 762ની ડિઝાઈન ગુજરાતના સિંહોની જેમ કરવામાં આવી છે. અગાઉ આ બાઈક જુલાઈ-ઓગસ્ટ 2022 સુધીમાં લોન્ચ થશે તેવી સંભાવનાઓ જણાઈ રહી હતી, પરંતુ અત્યારે આ બાઈકે લોન્ચ થતાંની સાથે જ ગુજરાતના ઓટો માર્કેટમાં પગપેસારો કરી લીધો છે.

સિંગલ ચાર્જ પર 110Kmની રેન્જ
સ્વીચ CSR 762 ઇલેક્ટ્રિક મોટરસાયકલ એક શક્તિશાળી સિરીઝ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે, સિંગલ ચાર્જ બાદ આ ઇલેક્ટ્રિક મોટરસાઈકલ 110Km સુધી ચાલી શકશે. તેની ટોપ સ્પીડ પણ 120Km/h છે. આ મોટરસાઈકલ 10 kW અને 56nm નો પીક ટોર્ક બનાવે છે. તેમાં 3.7 kWhની લિથિયમ-આયન બેટરી આપવામાં આવી છે જેને બદલી શકાય છે. તે ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ CCS (કમ્બાઈન્ડ ચાર્જિંગ સિસ્ટમ) બેટરી ચાર્જરનો ઉપયોગ કરે છે. આ બાઇકની ડિઝાઇન દમદાર સ્પોર્ટ્સ બાઇક જેવી લાગે છે.

કૂલિંગ સિસ્ટમ મળશે
CSR 762માં ત્રણ સ્ટાન્ડર્ડ રાઇડિંગ મોડ્સ છે, જેમાં સ્પોર્ટ્સ, રિવર્સ અને પાર્કિંગ મોડ્સ છે. આ મોટરસાઈકલ 5 ઇંચની TFT કલર ડિસ્પ્લે સાથે 3 kW PMS (પરમેનન્ટ મેગ્નેટ સિન્ક્રોનસ) પાવરફૂલ મોટર અને 'થર્મોસાયફોન' કૂલિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ સાથે સેન્ટ્રલ ડ્રાઇવ સિસ્ટમ ધરાવે છે. તે ઓવરહિટિંગને ઘટાડવામાં પણ મદદ કરે છે. CSR 762માં તમને લક્ઝરી, સ્ટાઇલ અને સ્ટેબિલિટીનો અનુભવ મળશે.

કંપની દેશભરમાં ડીલરશીપ ખોલશે
બાઈકના લોન્ચિંગ ઇવેન્ટ અંગે સ્વિચ મોટોકોર્પના રાજકુમાર પટેલે જણાવ્યું હતું કે, 'CSR762ને લોન્ચ કરીને અમે ખૂબ જ ખુશ છીએ. આ બાઇકને બે વર્ષના ડેવલપમેન્ટ અને અનેક પ્રોટોટાઇપ્સ બાદ લોન્ચ કરવામાં આવી છે. તેની ડિઝાઇન અને સુવિધાઓ ખાસ કરીને ભારતીય ગ્રાહકો માટે બનાવવામાં આવી છે. હવે અમે ભારતમાં અમારા ડીલરશીપ નેટવર્કને મજબૂત બનાવવા તરફ પણ વિચારી રહ્યા છીએ. અમે દેશભરમાં 15થી વધુ ઇલેક્ટ્રિક બાઈક ડીલરશીપ શો-રૂમ માટે સોદા કરી ચૂક્યા છીએ.'