1 એપ્રિલ 2022થી એક વખત ફરીથી કાર ખરીદવાનું મોંઘું થશે. BMW, ટોયોટા, મર્સિડીઝ બેન્ઝ અને ઓડી જેવી કંપનીઓ પોતાની કારની કિંમતોમાં વધારો કરવાની છે. આ તમામ કંપનીઓનું કહેવું છે કે કાચા માલની વધતી કિંમતો તેમના પર બોજ વધારી રહી છે. જેના કારણે તેમને કારની કિંમતો વધારવી પડી છે. કેટલીક ઓટોમોબાઈલ કંપનીઓએ આ વર્ષે જાન્યુઆરીમાં ઈનપુટ ખર્ચને કારણે કિંમતોમાં વધારો કર્યો હતો.
1.BMWની કાર 3.5% સુધી મોંઘી થશે
BMWએ જણાવ્યું કે તે પોતાની કારની એક્સ-શોરૂમ કિંમતમાં 3.5%નો વધારો કરશે. કિંમત વધવા પાછળનું કારણ મટિરિયલ અને લોજિસ્ટિક કોસ્ટ, પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ અને એક્સચેન્જ રેટ્સનું મોંઘું થવું છે. ભારતમાં અત્યારે BMW ઈન્ડિયાની 2 સિરીઝ ગ્રેન કૂપે, 3 સિરીઝ ગ્રેન લિમોસિન સિરીઝ, 5 સિરીઝ , X1, X3 અને અન્ય સામેલ છે.
2. ટોયોટાની કાર 4% મોંઘી થશે
કંપની પોતાની કારની એક્સ-શોરૂમ કિંમતમાં 4% સુધીનો વધારો કરવાની છે. જાન્યુઆરી પછી આ બીજી વખત હશે જ્યારે કંપની પોતાની કારોની કિંમતમાં વધારો કરશે. ભારતમાં ટોયોટાની લાઈન-અપમાં નવી ગ્લાન્ઝા, અર્બન ક્રૂઝર, ઈનોવા ક્રિસ્ટા, ફોર્ચ્યુનર, કેમરી અને વેલફાયર જેવી લક્ઝરી MPV સામેલ છે.
3. મર્સિડીઝ બેન્ઝની કાર 3% મોંઘી થશે
લક્ઝરી કાર બનાવતી કંપની મર્સિડીઝ બેન્ઝ 1 એપ્રિલથી પોતાની કારની કિંમતમાં 3% વધારો કરશે. જાન્યુઆરી 2022માં કંપનીએ પોતાના કેટલાક સિલેક્ટેડ મોડલને 2% સુધી મોંઘા કર્યા હતા. ભારતમાં મર્સિડીઝ બેન્ઝની લાઈન અપમાં એ-ક્લાસ, લિમોસિન, ઈ-ક્લાસ, CLS, એસ-ક્લાસ, GLC, GLE અને GLS જેવી કાર સામેલ છે.
4. ઓડીની કાર 3% મોંઘી થશે
મોંઘા ઈનપુટ કોસ્ટની અસર ઓડીની કાર પર પણ થવાની છે. કંપની પોતાની કારને 3% મોંઘી કરશે. જાન્યુઆરી 2022માં પણ કંપનીએ કારની કિંમત 3% સુધી વધારી હતી. ભારતમાં ઓડીની લાઈનઅપમાં A4, A6, A8, Q5, ઈ ટોર્ન જેવા મોડલ સામેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.